સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ પટેલ માત્ર બનાસકાંઠાના જ નહીં પણ સમગ્ર ગુજરાતના યુગ પુરૂષ

વડગામ ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. એક  સમયે વડગામ તાલુકાને  ધાન્ધાર પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો. વડગામ તાલુકો ભૌગોલિક રીતે વિવિધતા ધરાવે છે. તાલુકાનું ભૌગોલિક સ્થાન અક્ષાંશ ૨૪.૦૫, રેખાંશ ૭૨.૨૮  છે. એક માહિતી પ્રમાણે ૧૧૦ જેટલા ગામડાંઓ નો તાલુકામાં સમાવેશ થાય છે. મુખ્ય પાકોમાં બાજરી, મગફળી, મકાઈ, કપાસ, એરંડા, તલ, મગ, અડદ, રાઈ, ચણા, ઘઉં, બટાટા, મેથી, લસણ, રજકો, જુવાર, જવનું ઉત્પાદન થાય છે. આ તાલુકાના લોકોના મુખ્ય વ્યવસાય ડાયમંડ તેમ જ  ખેતી-પશુપાલન છે. તાલુકાના લગભગ દરેક ગામમાં પ્રાથમિક શાળા, પંચાયત ઘર, આંગણવાડી તેમજ શ્વેતધારારૂપી ડેરી જેવી સવલતો પ્રાપ્ત થયેલી જોવા મળે છે. 
વડગામ વિસ્તાર એક સમયે ખૂબ જ સમૃદ્ધ પ્રદેશ હતો, કારણ કે આ વિસ્તારમાં વર્ષો આગાઉ બે કાંઠે સરસ્વતી નદી વહેતી હતી. જેના લીધે આ વિસ્તારમાં અનાજ વિપુલ પ્રામણમાં પાકતું હતું.  વડગામની પ્રજા ખૂબ સુખી હતી કારણ કે ઘણા વર્ષો પહેલા પાણીની અછત     ન હતી.
સૌથી પહેલા સહકારી માળખાના પાયાની શરૂઆત કરનાર વડગામ તાલુકો અને તેના પાયાની  પ્રથમ ઈંટ મૂકનાર બનાસ ડેરીના આદ્યસ્થાપક સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ હતા. વડગામ તાલુકાથી ૬ કિલોમિટર દૂર એક નાનકડું નળાસર કરીને ગામ આવેલું છે. તેને ‘ગલબાકાકા’ના જન્મ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે.
ગલબાભાઈ પટેલનો જન્મ ૧૫ ફેબુઆરી ૧૯૧૮ના દિવસે એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ નાનજીભાઈ પટેલ અને માતાનું નામ હેમાબાઈ હતું. નાનાભાઈનું નામ દલુભાઈ હતું, ગલબાકાકાની પત્નીનું નામ રાજીબહેન હતું. લોકસેવક ગલબાભાઈને કુલ ચાર સંતાનો હતા જેમાં હીરાબહેન, સૂરજ બહેન અને શાંતાબહેન આમ ત્રણ દીકરીઓ હતી અને વાઘજીભાઈ કરીને એક પુત્ર હતો.
બનાસ ડેરીના આદ્યસ્થાપક સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલે રણમાં વસતા લોકોને કેવી રીતે સુખી કરી શકાય? શૂન્યમાંથી કેવી રીતે સર્જન કરી શકાય અને  સુખાકારીના ટકાઉ સ્ત્રોતનું કેવી રીતે  નિર્માણ કરી શકાય તેવી વિશ્વની સામે અવિશ્વનીય, અકલ્પનીય સફળતા કંડેરી છે.
આ જગતમાં સારું હોય તે સમયની થપાટ વચ્ચે અને ગમેતેવી આંધી વચ્ચે પણ ટકી રહે છે. માણસ પોતાની જિંદગીને કર્મથી જ વિકાસમાન કરી શકે છે. જો આપણી પાસે સર્જનશીલતાભર્યા વિચારો  હશે તો જિંદગી સુંવાળી બનતા ઘણો સમય      લાગશે નહીં.  
દેશ, રાજ્ય અને સમાજને સારા, સ્વાર્થહિન અને નિષ્ઠાવાન લોક સેવકોની હંમેશા જરૂર રહી છે. બનાસકાંઠાને સાચા લોક સેવક ગલબાભાઈ નાનજીભાઈ પટેલ મળ્યા હતા. તેઓએ રણમાં શ્વેત ક્રાંતિ કરીને ઇતિહાસ રચી દીધો હતો.
આપણે  અનેક વખત બોલતા હોઈએ છીએ, ‘ કેટલું જીવન જીવ્યા તે મહત્વનું નથી પણ કેવું  જીવન જીવ્યા તે મહત્વનું છે’  ગલબાકાકા માટે બનાસકાંઠાને નહીં પણ સમગ્ર ગુજરાતને માન-સન્માન છે. ગલબાકાકા હંમેશા માટે લોકોના સેવક બનીને રહ્યા હતા. ભલે આજે ગલબાકાકા આપણી વચ્ચે નથી. તેઓએ વિદાય લીધાને ઘણો સમય પસાર થઇ ગયો છે પણ વર્તમાન પેઢી યાદ કરે છે, કારણ કે આ મહામાનવ નિષ્કલંક અને સાદગીભર્યું  જીવન જીવ્યા હતા.
દુઃખ-સુખ, સફળતા-નિષ્ફળતા માનવીના જીવનનો એક ભાગ છે. જીવનની કોઈ પણ કાળે કસોટી થતી હોય છે. તેમાંથી પસાર થાય તે ભરોસાનું પ્રતિક અને વિપત્તિ સમયે વિચલિત ન થાય તે જ્ઞાની પુરુષ કહેવાય છે. આવા માણસો મૃત્યુ પછી પણ સત્કર્મની સુગંધ પ્રસરાવતા હોય છે. લોકો જેના જીવનમાંથી પ્રેરણા લેતા હોય  છે, એવા વ્યક્તિને ખરો માનવ અવતાર કહેવાય છે, સાચા અર્થે  એ જ મનુષ્યની જિંદગી સાર્થક થઇ કહેવાય છે. આ  બાબત ગલબાકાકાના જીવનમાંથી દરેક માનવીને શીખવા મળે છે. ખરેખર ગલબાકાકા બનાસકાંઠાની પ્રજા માટે ભરોસાનું       પ્રતિક હતા.
સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસકાંઠા માટે એક સાચા લોક સેવક હતા. જાહેર જીવનમાં  બહું ઓછા સેવાભાવી નેતા તરીકેની છાપ છોડતા હોય છે. ગલબાકાકા ભલે ઓછું જીવન જીવ્યા હોય પરંતુ તેઓએ કરેલા કર્મથી આજીવન માનવસમુદાયને પ્રેરણા મળતી રહેશે, કારણ કે આડંબર વગરના જીવનના હિમાયતી રહ્યા હતા. 
ભારત દેશ ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે ગુલામીની કાળી રાતમાંથી આઝાદ થયો હતો તે સમયે અનેક લોકો ગરીબીની રેખા હેઠળ જીવતા હતા. જેમાં ખાસ કરીને ગામડાના લોકોની પરિસ્થિતિ ખૂબ જ દયનિય હતી. ગામડાઓને કેવી રીતે સધ્ધર કરવા તે સૌથી મોટો પડકાર હતો. તે માટે દેશ- રાજ્યના લોક - નેતાઓ પ્રયત્ન કરવા માટે કટિબદ્ધ બન્યા હતા. જેમાં ગુજરાતના સરહદી વિસ્તારમાં આવેલા બનાસકાંઠા જિલ્લાને બેઠો કરવા માટે તે સમયના બનાસ ડેરીના આદ્યસ્થાપક ગલબાભાઈ નાનજીભાઈ પટેલનું નામ અગ્રેસર આવે છે. તેઓને ‘ગલબાકાકા’ના હુલામણા નામથી ઓળખવામાં આવતા હતા, તેમણે બનાસકાંઠા વિસ્તારમાં શ્વેત ક્રાંતિ કરીને ગરીબ-ખેડૂતોને સુખી કર્યા હતા.
ભારત દેશ મહાત્મા ગાંધીને ભૂલી  શકશે નહીં એવી જ રીતે બનાસકાંઠાની પ્રજા
આભાર - નિહારીકા રવિયા  ગલબાકાકાને ભૂલી શકશે નહીં. બનાસકાંઠાની ઓળખ બની ચૂકેલ બનાસ ડેરીની સ્થાપના કરીને ગલબાભાઈએ ખેડૂતોને આર્થિક આઝાદી અપાવી છે.
                                            ક્રમશ...
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.