સુરતમાં 528 વર્ષ બાદ 71 મુમુક્ષુની દીક્ષા, 6 પરિવારના તમામ સભ્યો સંયમનો માર્ગ અપનાવશે

ગુજરાત
ગુજરાત

સુરતઃ
સુરતના વેસુમાં જોલી પાર્ટી પ્લોટની બાજુમાં ‘રત્નત્રયી સમર્પણોધાન’ ખાતે જૈન શાસનના ઇતિહાસમાં 528 વર્ષ બાદ એક જ મંડપમાં 71 મુમુક્ષુઓ એક સાથે દિક્ષા અંગીકાર કરશે. આ પંચાન્હિક મહોત્સવમાં 40 હજારથી વધુ લોકો હાજર રહેશે. 700થી વધુ સાધુ સાધ્વીઓ હાજરી આપશે. 10 વર્ષના યશ ઉપરાંત 84 વર્ષના કાંતાબેન, 10થી 20 વર્ષના મુમુક્ષુઓ તેમજ 18થી 40 વર્ષના 45 મુમુક્ષુઓ સંયમનો માર્ગ આપનાવશે. દિક્ષાર્થીઓમાં 39 મહિલા અને 32 પુરુષોનો સમાવેશ થાય છે. બે કિમીની લાંબી વર્ષીદાન યાત્રામાં 37 બળદગાડા અને 7 હાથી જોડાશે.
 
‘રત્નત્રયી સમર્પણોધાન’ ખાતે 1 લાખ ચોરસ ફૂટમાં મંડપ તૈયાર કરાયો છે જે અંતર્ગત 16 હજાર ફૂટના વિશાળકાય જિનાલયનું નિર્માણ કાષ્ટમાંથી તૈયાર થશે. આ ઉપરાંત બે એક્ઝીબિશન સેન્ટરો તૈયાર કરવમાં આવશે. આ પ્રસંગે હજ્જારો ગરીબોને અનાજની કીટનું વિતરણ કરાશે. મહોત્સવમાં સૌથી મોટી બાબત એ છે કે છ પરિવારના તમામ સભ્યો સંયમના માર્ગે પ્રયાણ કરી દિક્ષા ગ્રહણ કરતા આ પરિવારના ઘરોને તાળાં લાગી જશે. દિક્ષાર્થીઓ માટે 80 બાય 80નો વિશેષ મંડપ બનાવાયો છે. મહોત્સવ અંગે માહિતી આપતા સુરત જિનાજ્ઞા ટ્રસ્ટના વિજય રામચંદ્ર સુરીશ્વરજી આરાધના ભવન ખાતે પૂ. આ. વિજય મુક્તિપ્રભ સુરીશ્વરજી મહારાજાના શિષ્ય પ્રભાવક આ. વિજય શ્રેયાંશપ્રભ સુરીશ્વરજી મહારાજ તેમજ દિક્ષા ઉત્સવ સમિતિના નરેશભાઇ શાહ (મોટપ) તેમજ અનિલભાઇ (વાંસદા)એ જણાવ્યું હતું કે મહોત્સવ તા. 28-જાન્યુઆરીના રોજ સવારે 8 કલાકે પૂ. આચાર્ય ભગવંતોના સ્વાગત સાથે પ્રારંભ થશે. તા.29મીના રોજ સવારે 9થી 1 દરમિયાન સામૂહિક અષ્ટકારી પૂજા, તા. 30મીના અને 31મીના દિવસે સવારે 8-30 કલાકે વર્ષીદાનની ભવ્ય યાત્રા બાદ 7 કલાકે વિદાય સમારંભ બાદ શનિવારે પરોઢના 4-30 કલાકે ઐતિહાસિક દિક્ષાવિધિનો પ્રારંભ થશે.
દિક્ષા ગ્રહણ કરનારાઓમાં સુરતના નવ મુમુક્ષુઓ ઉપરાંત કુલ 71 મુમુક્ષુઓ છે. 17 જેટલા દિક્ષાર્થીઓ ગ્રેજ્યુએટથી લઇને સી.એ. સુધીનો અભ્યાસ કરેલા શિક્ષિતો છે. દિક્ષા પ્રસંગને માણવા માટે માત્ર દેશભરના જ નહીં પરંતુ અનેક દેશના લોકો ઉત્સુક છે. સમાજના શ્રેષ્ઠીઓ, રાજકીય મહાનુભાવો, પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી સહિતના અનેક મહાનુભાવોને પણ આ મહોત્સવ માટે આમંત્રિત કરાયા છે. આ સંદર્ભમાં જૈન સમાજે રાજ્યભરમાં એક દિવસ અને સુરત શહેરમાં દિક્ષાના સમયગાળા દરમિયાન પાંચ દિવસ કતલખાના બંધ રાખવા માટે મુખ્યમંત્રીને અપીલ કરી છે.
28મી જાન્યુઆરીના રોજ પંચાન્હિકા મહોત્સવના પ્રારંભે 71 મુમુક્ષુઓની દિક્ષા પૂર્વે આયોજીત પ્રવેશ યાત્રામાં શહેરભરની તમામ 90 જેટલી પાઠશાળાના 5 હજાર બાળકો જોડાશે. આ સમયે પાઠશાળાના 90 જેટલા શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવશે. એક સાથે 71 દિક્ષાઓ ઉપરાંત પાલ ખાતે 25 દિક્ષા સહિત સૌથી વધારે દિક્ષાઓ સુરતના આંગણે થઇ રહી છે. આ પ્રસંગે શતાધિક મુમુક્ષુઓને વાયણા માટે શહેરના ડે. મેયર નિરવ શાહ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જેમને વિજયાલક્ષ્મી હોલ, વેસુ ખાતે 26મી જાન્યુઆરીના રોજ સામૂહિક વાયણા (આદર ભોજન) કરાવવામાં આવશે.
                                                                                                                                                                                   તસ્વીર અહેવાલ : વસંત બારોટ 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.