પુર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે ધરપકડ વોરંટ ઇશ્યૂ થતાં ચકચાર

ડીસા : તાજેતરમાં જ કોંગ્રેસનું દામન છોડીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરની મુશ્કેલી ઘટવાના બદલે વધતી જઈ રહી છે. ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટે અલ્પેશ ઠાકોરનું પકડ વોરંટ ઇશ્યૂ કર્યું છે. આ ઘટનાને પગલે બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત અને ઠાકોર સમાજમાં ચકચાર મચી ગઈ છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અને કોંગ્રેસમાથી રાધનપુર વિધાનસભા બેઠક પર ચૂંટણી જીતીને ધારાસભ્ય બનેલા અલ્પેશ ઠાકોર વિવાદિત નિવેદનોને લઈ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ બનાસકાંઠા જિલ્લાના આસેડા ખાતે સ્થાનિક ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પહોંચેલા અલ્પેશ ઠાકોરે બનાસકાંઠા જિલ્લાના તત્કા લિન જિલ્લા પોલીસ વડા નીરજકુમાર બડગુજર પર બુટલેગરો પાસેથી દર મહિને ૪૨ લાખ રૂપિયાનો હપ્તો લેતા હોવાના સંગીન આક્ષેપો કર્યા હતા. આ બેઠકમાં અલ્પેશ ઠાકોરે આટલેથી ન અટકતા નીરજકુમાર બડગુજર સામે અપશબ્દોનો પ્રયોગ પણ કર્યો હતો. આ ઘટના બન્યા બાદ બનાસકાંઠાના તત્કાલિન જિલ્લા પોલીસ વડાએ ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં અલ્પેશ ઠાકોર વિરુધ્ધ બદનક્ષીનો કેસ નોંધાવ્યો હતો. જેને લઈ ડીસા કોર્ટ દ્વારા આ મામલે વારંવાર અલ્પેશ ઠાકોરને કોર્ટમાં હજાર થવા માટે ફરમાન કરવામાં આવતું હતું. પરંતુ દરેક સમયે અલ્પેશ ઠાકોર ગેરહાજર રહેતા હોવાના લીધે એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટે અલ્પેશ ઠાકોર સામે પકડ વોરંટ ઇશ્યૂ કર્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં ચકચાર મચી ગઈ છે. ત્યારે આગામી દિવસો અલ્પેશ ઠાકોર માટે વધુ કપરા સાબિત થાય તેવું જણાઈ રહ્યું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.