બનાસકાંઠામાં લીલા દુષ્કાળના મંડાણ

વડાવળ : બનાસકાંઠા જીલ્લામાં ભાદરવા બાદ આસો માસમાં પણ મેઘરાજાએ બધડાટી બોલાવતા વધ્યા ઘટ્યા ખેતી પાકો ખેદાન મેદાન થઈ ગયા છે. જેના કારણે ફરી એકવાર જગતના તાત સમાન ખેડુતોને લાખો રૂપિયાનું નુક્શાન વેઠવાનો વારો આવ્યો છે. 
સરહદી જીલ્લામાં ગત વર્ષે નહીંવત વરસાદ થયો હતો. પરંતુ આ વખતે પાછળથી રીઝેલા મેઘરાજા આસો મહિનામાં પણ મુશળધાર વરસી રહ્યાં છે તેથી પાકવાના આરે ઉભેલા ચોમાસુ પાકો જેવા કે બાજરી, મગફળી, કઠોળ, કપાસ વિગેરે ખેતરોમાં ભરાયેલ પાણીના કારણે સડી ગયા છે. વહેલા વાવેતર બાદ આસો મહીનાના ભારે વરસાદે વધ્યા ઘટ્યાં પાકો ઉપર પણ પાણી ફેરવી દીધું છે. 
કુદરતી આફતો વચ્ચે પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતો પહેલેથી દેવામાં ડુબેલા છે ગત વર્ષે નહીંવત વરસાદના કારણે પિયતની સમસ્યા સર્જાતા ખેડૂતોને ચોમાસુ સિઝન ઉપર આશા હતી તેમાં પણ પ્રારંભે રાહ જાવરાવ્યા બાદ પાછળથી મેઘરાજા પુરેપુરા રીઝયા હતા જેના કારણે ખેતી પાકો ખિલી ઉઠ્યા હતા. તેથી ખેડૂતોને સોળઆની પાક થવાની આશા સળવળી ઉઠી હતી પરંતુ ભાદરવામાં ભરપુર વરસાદ બાદ મેઘરાજા આસો મહીનામાં પણ ધોધમાર વરસી રહ્યો છે તેથી ખેતરો પાણીમાં ગરકાવ થઈ જતા ઉભા પાકો સડી જતા ખેડૂતોને ફરી એકવાર લાખો રૂપિયાનું નુક્શાન વેઠવાનો વારો આવ્યો છે જેથી જગતના તાત ગણાતા ખેડૂતોની દિવાળી  બગડી ગઈ છે. જીલ્લામાં ગત વર્ષે અતિવૃષ્ટિ બાદ આખુ વર્ષ અનાવૃષ્ટિથી લીલા દુષ્કાળના મંડાણ થયા છે. તેથી બેહાલ ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. જેને ગંભીરતાથી લઈ સરકાર દ્વારા સહાય ચુકવવાની માંગ બુલંદ બની જવા પામી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.