ધાનેરા તાલુકામાં શૌચાલયના નામે વ્યાપક ગેરરિતી આચરાઈ હોવાનો તાલુકા ભાજપ પ્રમુખનો આક્ષેપ

 
 
                                 ધાનેરા તાલુકામાં શૌચાલય નિર્માણના નામે વ્યાપક ભ્રષ્ટાચાર આચરાયો હોવાના ખુદ ધાનેરા તાલુકા ભાજપના પ્રમુખે જ દાવો કરતા ખળભળાટ મચી ગયો છે. તાલુકા ભાજપ પ્રમુખે શૌચાલયની રકમ બારોબાર ચાઉ થઈ ગયા હોવાના આક્ષેપો કરી આ મામલે ઊંડી તપાસની માંગ પણ કરી છે.આજે વિશ્વ શૌચાલય દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજના આ ખાસ દિવસે જ ધાનેરા તાલુકા ભાજપ પ્રમુખ જગદીશભાઈ પટેલે ધાનેરા તાલુકામાં બનેલા શૌચાલયોને બિનઉપયોગી  ગણાવી તપાસની માંગ કરી છે. ભારત દેશમાં આજે પણ દર ત્રણમાંથી એક મહિલાને શૌચક્રિયા માટે ખુલ્લામાં જવું પડે છે. જેથી અસુરક્ષીત રહેતી મહિલાઓના સમ્માન માટે 
દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમાં ઘરે ઘરે નવા  શૌચાલય બનાવવા કરોડો રૂપિયાના ખર્ચે શૌચાલય યોજના અમલી બનાવી છે. આ યોજનાના અમલીકરણમાં રાજ્ય સરકારો પણ લાભાર્થીઓને શૌચાલય બાંધી આપવામાં સહયોગી બની રહી છે. જો કે આ કામગીરી સરકારી કચેરીઓ મારફત થતી હોઇ ટકાવારીના ચક્કરમાં  આ યોજનામાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાના અહેવાલો બહાર આવતા રહે છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં અત્યાર સુધીમાં કુલ ૨૨૫૯૮ શૌચાલય બંધાયા હોવાની વિગતો સરકારી દફતરે નોંધાઈ છે. જો કે મૂળ જગ્યા પર શૌચાલય જોવા મળતાં નથી. ધાનેરા તાલુકાના ૭૭ ગામોમાં ૨૦૧૬ તેમજ ૨૦૧૭ ના વર્ષમાં મોટા પ્રમાણમાં શૌચાલય બનાવવા માટે ખાનગી એજન્સીને કામ અપાયું હતું. જો કે કેટલાક સરકારી કર્મચારીઓની મિલી ભગતના કારણે ગામડાના અભણ લોકોના નામે કેટલાક શૌચાલયના પૈસા બારોબાર ઉપડી ગયા હોવાનો આક્ષેપ ખુદ ધાનેરા તાલુકા ભાજપ પ્રમુખે જ કર્યો છે.આજે બીકેન્યુઝ ચેનલ સાથેની મુલાકાત દરમિયાન ધાનેરા તાલુકા ભાજપ પ્રમુખ જગદીશભાઈ પટેલે  જણાવ્યું હતું કે સરકાર દવારા બનાવાયેલા શૌચાલયોમાં ભ્રષ્ટાચાર આચરી ગરીબ લાભાર્થીઓના નામે પૈસા ઉપાડી બારોબાર ચાઉ થઈ ગયા છે.શૌચાલયોના બાંધકામની ગુણવત્તા  બાબતે ઊંડી તપાસ થાય તેવી માગણી પણ તેમણે કરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.