ડીસા હાઇવે પર ઓવરબ્રિજના નિર્માણ કાર્યમાં કોન્ટ્રાકટર કંપનીની લાલીયાવાડી જોખમી બનવાની દહેશત

ડીસા : બનાસકાંઠાના મુખ્ય વેપારી મથક ડીસા ખાતે હાઇવે રોડ પર રોજીંદી બની ગયેલી અકસ્માતની ઘટનાઓ નિવારવા માટે હાઇવે પર પીલ્લર આધારિત નવો ઓવરબ્રિજ બાંધવાની નગરજનોની માંગણીને કેન્દ્ર સરકારે ત્વરિત પ્રતિસાદ આપી આ દરખાસ્ત મંજુર કરી દીધા બાદ હાલ ઓવરબ્રિજનું નિર્માણકાર્ય પણ શરૂ થઈ ગયું છે. જોકે હાલ ઓવરબ્રિજના કામની શરૂઆતના નામે લાલીયાવાડી ચલાવી રહેલી કોન્ટ્રાકટર કંપની મનમાની આચરી નગરના હાઇવે વિસ્તારના લોકોને બાનમાં લઈ રહી હોઇ હાઇ વે વિસ્તારના લોકો અને વાહનચાલકો ભરચોમાસે જ મુશ્કેલીમાં મુકાયા છે.આ મામલે હાલ તો નગરજનોમાં છૂપો રોષ પ્રવર્તી રહ્યો છે પરંતુ નજીકના દિવસોમાં નગરજનોમાં આ મામલે રોષ ભડકે તેવી શક્યતાઓને નકારી શકાતી નથી.
ડીસા ખાતે બંધાનાર નવા ઓવરબ્રિજના નિર્માણનો ઇજારો મહેસાણાની કોઈ ખાનગી કન્સ્ટ્રકશન કંપનીને અપાયો છે.અને આ કોન્ટ્રાકટર કંપનીએ ઓવરબ્રિજ માટે પ્રાથમિક ધોરણે કામગીરી પણ શરૂ કરી દીધી છે. જોકે હાલ વરસાદી માહોલ વચ્ચે અણધડ રીતે આગળ ધપાવાઈ રહેલી કામગીરી હાઇવે વિસ્તારના રહીશો અને વાહનચાલકો માટે મુશ્કેલીનો પર્યાય બની રહી છે.
ડીસા હાઇવે પર નવા ઓવરબ્રિજના નિર્માણ માટે રાજમંદીર સર્કલથી હવાઈ પીલ્લર સુધી સર્વિસ રોડ બાંધવાના બદલે હવાઈ પીલ્લર સુધી હયાત હાઇવે રોડ પર વાહનવ્યવહાર ચાલુ રાખી હવાઈ પીલ્લરથી દિપક હોટેલ સુધી બન્ને બાજુ ડાયવર્ઝન આપી હાઇવે રોડ બંધ કરાયો છે.વળી, બંધ કરાયેલ હાઇવે રોડ પર પણ આડેધડ રીતે ખોદકામ કરાઈ રહ્યું છે જેથી સર્વિસ રોડ પર 
વાહન વ્યવહાર વધી જતાં હાઇવે વિસ્તારના લોકોને ઘર બહાર નીકળવામાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. વળી, હાઇવે પર થતા આડેધડ ખોદકામ તેમજ જરુરી પહોળાઈ વગરના સર્વિસ રોડના પગલે વાહન ચાલકો પણ પરેશાની વેઠી રહ્યાં છે.
હજુ ડીસામાં મેઘરાજા અસલ રૂપમાં દેખાયા નથી ત્યાંજ ઓવરબ્રિજના નિર્માણ કાર્યની આવી ત્રુટીઓ અકસ્માતને ઉઘાડું આમંત્રણ આપી રહી છે ત્યારે આગામી દિવસોમાં વરસાદની ઝડી વખતે કોન્ટ્રાકટર કંપનીની લાલીયાવાડી જોખમી બનવાની દહેશત પ્રવર્તી રહી છે ત્યારે વરસાદી માહોલમાં આવી મનમાની પ્રાણઘાતક પુરવાર થાય તે પૂર્વે સંબંધિત સત્તાવાળાઓ કોન્ટ્રાકટર કંપનીના કામ આમળે તે ખૂબ જરૂરી જણાય છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.