02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / હિંમતનગર ખાતે “સ્કાય યોજના” અંતર્ગત સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા ખેડૂતો સાથે સંવાદ યોજાયો

હિંમતનગર ખાતે “સ્કાય યોજના” અંતર્ગત સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા ખેડૂતો સાથે સંવાદ યોજાયો   03/08/2018

 હિંમતનગરના સ્વામી નારાયણ મંદિર ખાતે સૂર્ય શક્તિ કિસાન યોજના (સ્કાય) અંતર્ગત ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલની ઉપસ્થિતિમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતો સાથે સંવાદ યોજાયો હતો.  પ્રાસંગિક પ્રવચન કરતા મંત્રી  સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, ધરતીપુત્રોની આવક બમણી થાય તે દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે. ખેડૂતો માત્ર ખેતીથી જ નહિ પરંતુ વીજ ઉત્પાદન કરી તેનાથી પણ નાણા કમાઇ શકે છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું. મંત્રીએ રાજયના ગામડાઓની વાત કરતા જણાવ્યું હતું કે, પહેલા ટ્રાન્શફોરમ અને વીજ કનેકશનના ઘણા પ્રશ્નો હતા. જયારે તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ એક હજાર દિવસમાં ૧૮ હજાર ગામડાઓને આવરી લેતી જયોતિગ્રામ યોજના શરૂ કરી ગામડાઓમાં ૨૪ કલાક વીજળી મળતા તેમનામાં નવી ચેતના ઉભી થઇ છે. જેના થકી શિક્ષણ-આરોગ્ય અને વ્યવસાયમાં આમૂલ પરીવર્તન આવ્યું છે. વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, રાજયમાં માત્ર ખેતી માટે જ ૨૬ ટકાથી વધુ વીજ વપરાશ થાય છે. તેથી જયોતિગ્રામથી વધુ સબળ સૂર્ય શક્તિ કિસાન યોજના શરૂ કરવામાં આવી છે જેના થકી ખેડૂતોને હવે ૧૨ કલાક વીજળી મળી રહેશે. અને વધારાની ઉત્પાદિત થતી વીજળીને વેચીને આર્થિક રીતે સમૃધ્ધ બની શકશે. 
સ્કાય યોજનાની રૂપરેખા આપતા મંત્રી શ્રીએ જણાવ્યુ હતું કે, ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે છ ફિડરોની પસંદગી કરવામાં આવી છે. જેમાં ભિલોડાના નાપડા, મોડાસાના મેઢાસણ અને બાયડનું ખડોલ જયારે સાબરકાંઠા જિલ્લાના ઇડરના જાદર, પ્રાંતિજના સોનાસણ તથા તલોદના અણીયોડનો સમાવેશ થશે. આ ફિડરમાં ૭૦ ખેડૂતોને આવરી લઇ ખેતરે સોલાર પેનલ લગાવવામાં આવશે. જેના થકી ૩૯૭૮ કિલો વોટસ વીજ ઉત્પાદન થશે એમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.  મંત્રી શ્રી સાથે સંવાદ કરતા ખેડૂતોએ નવિન સ્કાય યોજનાથી થનાર લાભ અને તેની સબસિડીને લગતા વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. આ પ્રસંગે ઉત્તર ગુજરાત વીજ કંપનીના મેનેજીંગ ડિરેક્ટર પી.સ્વરૂપે મહેમાનોને સ્વાગત આવકાર આપ્યો હતો. અને આ યોજનાનો સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો મહત્તમ લાભ લઇ જિલ્લો માડલરૂપ બને તેવો આશાવાદ વ્યકત કર્યે હતો
ખેડૂતોના સંવાદ પ્રસંગે વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, હિંમતનગરના ધારાસભ્ય  રાજેન્દ્રસિંહ ચાવડા, ઇડરના ધારાસભ્ય  હિતુ કનોડીયા, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, સાબર ડેરીના કસ્ટોડીયલ જેઠાભાઇ પટેલ, સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઇ પટેલ, જિલ્લા અગ્રણી  જે.ડી. પટેલ, પૃથ્વીરાજ પટેલ સહિત કલેકટર  પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્તુતિ ચારણ સહિત વીજકંપનીના કર્મીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

Tags :