02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / અંબાજી અકસ્માત બાદ ટ્રાફિક પોલીસને બ્રહ્મજ્ઞાન લાધ્યું ઃ વાહન ચેકિંગ હાથ ધરાયુ

અંબાજી અકસ્માત બાદ ટ્રાફિક પોલીસને બ્રહ્મજ્ઞાન લાધ્યું ઃ વાહન ચેકિંગ હાથ ધરાયુ   13/06/2019

પાલનપુર : યાત્રાધામ અંબાજીના ત્રિશૂળીયા ઘાટ પાસે ભલગામના મુસ્લિમ પરિવારોને નડેલા અકસ્માતમાં ૯ લોકો મોતને ભેટ્યા હતા. જયારે ૩૫ થી વધુ લોકો ઘાયલ થયા હતા. જોકે, આ ઘટનાને પગલે વાહન વ્યવહાર કમિશનરે જિલ્લાના આર.ટી.ઓ અધિકારીને જવાબદાર ગણી સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ બનાસકાંઠા પોલીસના પેટનું પાણીએ હાલ્યું નથી. આ ઘટના અંગે  જે-તે વિસ્તારની કે ટ્રાફિક પોલીસની કોઈ જવાબદારી ફિક્સ કરી પગલાં ભરાયા નથી. ઉલ્ટાનું ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળું મારવાના પ્રયાસ રૂપે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ છે.
વડગામ તાલુકાના ભલગામના મુસ્લિમ પરિવારના લોકો જીપડાલું કરી અંબાજી ગયા હતા. જ્યાંથી પરત ફરતા તેઓને ત્રિશૂળીયા ઘાટ પાસે અકસ્માત નડ્‌યો હતો. જેમાં જીપડાલા ની બ્રેક ફેલ થઇ જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૯ લોકો મોતને ભેટ્યા હતા. જયારે ૩૫ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્‌યા હતા. ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યના વાહન વ્યવહાર કમિશનર સોનલ મિશ્રાએ આ ઘટનામાં ફરજ પરત્વે બેદરકારી દાખવનાર બનાસકાંઠા જિલ્લાના આર.ટી.ઓ. અધિકારી ડી. સી.પટેલને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરી દેતા ખળભળાટ મચી ગયો હતો.
આમ, અંબાજી અકસ્માતને પગલે રાજ્યનું વાહન વ્યવહાર ખાતું તો જાગ્યું હતું અને પગલાં ભર્યા હતા. પણ ઓવરલોડ  ગાડીઓને રોકવાની જેની ફરજ છે તે પોલીસ ખાતાએ અને ગૃહ ખાતાએ ભેદી મૌન સેવી લીધું છે. ગૃહ વિભાગે કે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા આ અકસ્માત અન્વયે ફરજ ચૂક કરનાર જે-તે પોલીસ સ્ટેશનના જવાબદાર કર્મીઓ કે જિલ્લા ટ્રાફિક પોલીસની જવાબદારી ફિક્સ કરાઇ નથી. તાબાના પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓને છાવરવાની આ નીતિ અચરજ પમાડતી હોવાનો ચણભણાટ જિલ્લાવાસીઓમાં થઇ રહ્યો છે.
જિલ્લા પોલિસવડાએ વાહન વ્યવહાર કમિશનરની જેમ કડક હાથે તાબાના અધિકારીઓ સામે પગલાં ભરવાનું ટાળ્યું છે. પરંતુ હવે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળું મારવાનો પ્રયાસ કરી પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરી સમગ્ર ઘટના પર લીપાપોતી કરવાનો પોલીસનો પ્રયાસ જિલ્લાવાસીઓમાં ચર્ચાની એરણે ચડ્‌યો છે.

Tags :