કોંગ્રેસનાં MLA લલિત વસોયાનો ફાયરિંગ કરતો વીડિયો વાઈરલ, સફાઈમાં આપી આ પ્રતિક્રિયા
કોંગ્રેસનાં અબડાસાના ધારાસભ્યનાં પુત્રના ફાયરિંગ વીડિયો બાદ હવે વધુ એક કોંગ્રેસ ધારાસભ્યના ફાયરિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાનો ફાયરિંગ કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયો વાઈરલ થતાં જ આ મામલે લલિત વસોયાએ સફાઈ આપતાં પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી.કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાનો આ વીડિયો તેમનાં એક કાર્યકરે ફેસબુક પર મુક્યો છે. ફેસબુક પર વીડિયો પોસ્ટ કરતાં દિનેશ પટેલે લખ્યું છે કે, હંમેશા ધાર્યું નિશાન પાર પાડતા અમારા ધારાસભ્ય લલિત વસોયા.
લલિત વસોયાના કાર્યકરે પોસ્ટ કરેલ આ વીડિયો થોડા જ સમયોમાં ધડાધડા વાઈરલ થઈ ગયો હતો. એકબાજુ લલિત વસોયાના તારીફમાં કરાયેલો આ વીડિયો તેમના માટે જ ભારે પડી ગયો હતો. કેમ કે, ફાયરિંગ કરવાનો વીડિયો પોસ્ટ થયા બાદ લલિત વસોયા બરાબરના ભરાયા હતા. અને આ મામલે પોતાના બચાવમાં સફાઈ આપતાં જોવા મળ્યા હતા.કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયાએ આ મામલે કહ્યું કે, રિવોલ્વરનું લાયસન્સ લેવા માટે પ્રેક્ટિસ કરતો હતો. તેના ફોર્મ સાથે વીડિયો અને ફોટા આપવાના હોય છે. મારા મિત્રએ આ વીડિયો ભૂલથી વાઈરલ કરી દીધો છે. અને મેં આ વીડિયો ડિલિટ મારી દેવા માટે ટેકેદારને સૂચના આપી દીધી છે.