02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / પાટણ જીલ્લામાં સરકારની ગ્રાન્ટોનો દુર ઉપયોગ થતો હોવાની ભારે બુમરાડ

પાટણ જીલ્લામાં સરકારની ગ્રાન્ટોનો દુર ઉપયોગ થતો હોવાની ભારે બુમરાડ   07/01/2019

 
                        લોકસભાની ચૂંટણીને આડે હવે માંડ ચાર-પાંચ માસનો સમય બાકી છે ત્યારે સરકાર દ્વારા ગ્રામ પંચાયતને સાથે રાખી ચાલુ વર્ષની નાણાંપંચની ગ્રાન્ટમાંથી ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે પાટણ જિલ્લાના તમામ ગામોએ સરકારના કામોની પ્રસંશા કરવાના ભાગરૂપે જાહેર જગ્યા ઉપર દરેક ગામે મોટી સાઇઝના હો‹ડગ્સ લગાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે અને પ્રત્યેક ગ્રામ પંચાયત દ્વારા અધધ કહી શકાય તેવો એક બોર્ડ પાછળ રૂ. ૫૫ હજાર જેટલો ખર્ચ થનાર છે અને આ યોજના પાછળ માત્રને માત્ર ગ્રામ પંચાયતના સત્તાધીશોને કમાણી કરવા માટેનું એક મોકળુ મેદાન મળી ગયું છે. કેટલીક ગ્રામ પંચાયત દ્વારા વગર બોર્ડ બનાવ્યે નાણાંપંચની ગ્રાન્ટમાંથી પૈસા ઉધારી દઇ મોટી ગેરરીતી આચરી હોવાની ફરીયાદો ઉઠી છે.
સમગ્ર પાટણ જિલ્લો અછતના ભરડા નીચે સપડાયેલો છે. રાધનપુર અને સાંતલપુર જેવા અતિ પછાત સરહદી તાલુકામાં પીવાના પાણીની અને ઘાસચારાની ભારે અછત વર્તાઇ રહી છે. અછતગ્રસ્તની જાહેરાત કર્યાં બાદ આજે પણ પશુઓ માટે ઘાસચારાનું વિતરણ શક્ય ન બનતાં પશુપાલકો દયનીય સ્થિતિમાં મૂકાઇ ગયા છે. બીજીબાજુ પાક સહાય માટેની જાહેરાત થઇ ચૂકી છે પરંતુ જિલ્લામાં એકપણ જગ્યાએ સહાય ચૂકવાઇ નથી. આવા સંજાગોમાં લોકોની વહારે આવવાને બદલે વર્તમાન સરકાર પોતાની યશોગાથા ગાવા અને આગામી એપ્રિલ-મે માસમાં લોકસભાની ચૂંટણી પહેલાં મતદારો સુધી સંપર્ક જાળવી રાખવા પબ્લીસીટી માટે અવનવા નુસખા હાથ ધરી આંધળા ખર્ચ કરવા પાછળ દોટ મૂકી છે. જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતની તમામ ગ્રામ પંચાયતને વિકાસના નાણાં માટે ફાળવવામાં આવતી નાણાંપંચની સરકારી સહાયથી ગામમાં થયેલ વિકાસના કામોની રૂપરેખાનું તોતિંગ બોર્ડ ગામના જાહેર સ્થળે મૂકવા માટે આદેશ ફરમાવ્યો છે. જે અંતર્ગત પાટણ જિલ્લામાં સમાવિષ્ટ તમામ ગ્રામ પંચાયતમાં ચાલુ વર્ષે નાણાંપંચના બીજા હપ્તાની ગ્રાન્ટ જમા કરેલ છે. તેમાં પ્રત્યેક ગ્રામ પંચાયતને રૂ. ૫૫ હજારના ખર્ચે ૨૦ બાય ૧૦ નું બોર્ડ ૧૫૦ મી ગાંધી જયંતિની ઉજવણીનું બહાનું આગળ ધરી ખર્ચ કરવાની સત્તા આપવામાં આવી છે. જેની પાછળ માત્ર પાટણ જિલ્લામાં આશરે ૫૦૦ કરતાં પણ વધારે ગ્રામ પંચાયતોએ સરકારના આદેશથી આ બોર્ડ બનાવવાની કામગીરી હાથ ધરી છે. જેની પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો થશે. જા આ ગ્રાન્ટ જિલ્લાના અંતરીયાળ ગામોમાં વિકાસના કામો પાછળ વપરાઇ હોત તો લોકોની ભૌગોલિક સુવિધામાં વધારો થાત. સરકારના આ તઘલખી નિર્ણયથી સરકારની ચારે બાજુ ટીકા થઇ રહી છે. તો બીજી બાજુ કેટલીક ગ્રામ પંચાયતોએ બોર્ડ બનાવ્યા વિના જ પંચાયતના રોજમેળ ઉપર આ ખર્ચ ઉધારી દીધો હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. જેમાં સ્થાનિક ગ્રામ પંચાયત તેમજ તાલુકા-જિલ્લા પંચાયતના સત્તાધીશોની અહમ ભૂમિકા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ત્યારે તેની તપાસ થાય તો સત્ય બહાર આવે તેમ છે.
અગાઉ વર્ષ ૨૦૧૪-૧૫ માં જે તે વખતની પાટણ જિલ્લા પંચાયત દ્વારા નાણાં પંચની ગ્રાન્ટમાંથી ગ્રામ પંચાયતમાં સફાઇના સાધનો જેવા કે ડસ્ટબીન, પેન્ડલ સાઇકલ, ત્રિકમ, પાવડા, કોદાળી જેવા સાધનો ખરીદવા માટે જિલ્લા પંચાયતે જે તે ગ્રામ પંચાયત દ્વારા બારોબાર ચેક મંગાવી તેની ખરીદી જિલ્લા પંચાયત દ્વારા કરી આ સાધનો ફાળવી અપાયા હતા પરંતુ ગ્રામ પંચાયત પાસે સ્વભંડોળ ન હોવાના કારણે સફાઇ કામદારની નિમણૂંક શક્ય બની ન હતી તેમજ સાધનો સાચવવા ગ્રામ પંચાયત પાસે ગોડાઉનની સગવડ ન હોવાના કારણે આજે આ સાધનો કાટ ખાઇ રહ્યા છે. 
ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતિની ઉજવણી પાછળ ગામના વિકાસની યશોગાથા ગાતુ તોતિંગ બોર્ડ ચાણસ્મા તાલુકાના મણિયારી ગામે બસ સ્ટેન્ડની જાહેર જગ્યા ઉપર ઉભુ કરવામાં આવેલ જાવા મળી રહ્યું છે. જેની પાછળ સરકારનો આશય મતદારોને લલચાવી મત મેળવવાનો હશે તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. 

Tags :