02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં તીડના આક્રમણથી ખેડૂતોને થયેલ નુકશાન સામે ૩૧.૫૦ કરોડની રાહત જાહેર

બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં તીડના આક્રમણથી ખેડૂતોને થયેલ નુકશાન સામે ૩૧.૫૦ કરોડની રાહત જાહેર   07/01/2020

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની સંવેદનશીલ  સરકાર હંમેશા કિસાનોની આપત્તિના સમયે કિસાન હિતકારી નિર્ણયથી તેની પડખે ઉભ રહી છે. 
આ કિસાન હિતલક્ષી અભિગમમાં વધુ એક નિર્ણય કરીને તાજેતરમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં થયેલા તીડના આક્રમણને પગલે પાક નુકશાન પામેલા ધરતીપુત્રો માટે રૂા.૩૧.૪૫ કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ છે. 
કૃષિ મંત્રી આર.સી.ફળદુએ રાજ્ય સરકારે જાહેર કરેલા આ સહાય પેકેજની વિગતો આપતાં કહ્યું કે, તા.૧૮મી ડિસેમ્બર-૨૦૧૯ના દિવસે બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં રાજસ્થાન અને પાકિસ્તાનની દિશમાથી કરોડોની સંખ્યામાં થયેલા તીડના આક્રમણથી આ વિસ્તારના ધરતીપૂત્રોના ઉભા પાકને વ્યાપક નુકશાન થયું હતું. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના ત્વરિત માર્ગદર્શનમાં કૃષિ વિભાગે આ નુકશાનીનો સર્વ હાથ ધરીને નુકશાનીવાળા વિસ્તારના અંદાજે ૧૧  હજારથી વધુ ખેડૂતો માટે આ પેકેજ જાહેર કરેલું છે. આર.સી.ફળદુએ જણાવ્યું કે, જે  ખેડૂતોના પાકને ૩૩ ટકા કે તેથી વધુ નુકશાન તીડના આક્રમણથી થયું હશે તેવા ખેડૂતોને  બે હેકટરની મર્યાદમાં વળતર ચૂકવવામાં આવશે. 
મંત્રીશ્રીએ કહ્યું કે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લાના તીડ પ્રભાવિત વિસ્તારના ૧૧,૦૦૦થી વધુ ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂા.૧૮,૫૦૦ સુધી બે હેક્ટરની મર્યાદામાં કુલ રૂા.૩૭,૦૦૦ સુધીની સહાય આપવામાં આવશે. આમ, કેન્દ્ર સરકારના એસ.ડી.આર.એફ.ના ધારાધોરણ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રતિ હેક્ટર વધારાના રૂા.૫૦૦૦ સહિત બે હેક્ટરની મર્યાદામાં કુલ રૂા.૩૭,૦૦૦/-સુધીની સહાય ચૂકવવામાં આવશે. 
તેમણે સર્વેની વિગતો આપતાં જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાના ૧૩ તાલુકાના ૨૮૦ ગામ અને પાટણ જિલ્લાના ૦૨ તાલુકાના ૦૫ એમ કુલ ૨૮૫ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં બનાસકાંઠામાં તીડ આક્રમણથી અસરગ્રસ્ત ૨૪,૪૭૨ હેક્ટર તેમજ પાટણ જિલ્લામાં ૭૫૦ હેક્ટર એમ તીડ અસરગ્રસ્ત કુલ ૨૫,૨૨૨ હેક્ટર વિસ્તાર પૈકી અદાજિત ૧૭ હજાર હેકટર વિસ્તાર આવરી લેવાયો છે. ફળદુએ એમ પણ જણાવ્યું કે, ખેડૂતોને ચૂકવાનારી આ સહાયની રકમ ડી.બી.ટી.થી ખેડૂતોના ખાતામાં સીધી જમા કરાશે. આ ઉપરાંત હજી પણ બાકી રહી ગયેલા ખેડૂતોને તેમની રજૂઆત મુજબ જરૂર જણાયે સર્વે કરીને સહાય કરવામાં આવશે. 
કૃષિ મંત્રીએ જણાવ્યું કે, ખેડૂતોની સતત ચિંતા કરતી આ રાજ્ય સરકારે દિવાળી પછી થયેાલ કમોસમી માવઠાના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાન અંગે ૩૭૯૫ કરોડનું માતબાર સહાય પેકેજ જાહેર કર્યું છે. હવે તીડના આક્રમણથી નુકશાન પામેલા પાક સામે પણ ખેડૂતોને આજે ૩૧.૪૫ કરોડનું પેકેજ આપીને જગતના તાતની વિપદાના સમયે સરકાર તેમની પડખે સદાય ઉભી રહી છે. ફળદુએ જણાવ્યું કે, ગુજરાતના સરહદી વિસ્તારમાં થયેલા તીડના આક્રમણ સમયે તાત્કાલિક પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા પ્રયત્નો શરૂ કરી દીધા હતા. કેન્દ્ર સરકારની તીડ નિયંત્રણ કરતી ૧૮ ટીમોની મદદ લઇ હેવી ડોઝવાળી દવાઓનો છંટકાવ શરૂ કરાવ્યો હતો. જે વિસ્તારમાં ખૂબ મોટું તીડનું ઝુંડ વિસ્તરેલું હતું તે વિસ્તારમાં તીડના ઝુંડને ઝડપથી નિયંત્રણમાં લેવા ખૂબ જ જરૂરી હતા ત્યાં ખેડૂતો અને તેમના પરિવારો દ્વારા વાસણ ખખડાવી અને ધુમાડો કરીને તીડને નિયંત્રણ કરવા માટે મળેલા લોક સહયોગને પગલે પણ આ સંભવિત ભારે નુકસાનીને અટકાવવામાં સફળતા મળી છે. 
આ ઉપરાંત દાડમની ખેતી કરતા સ્થાનિક ખેડૂતો પાસેથી દવાના છંટકાવ માટે વપરાતા ૧૦૪ જેટલા ટ્રેક્ટરો મેળવીને હેવી ડોઝની દવાઓનો મારો ચલાવીને પણ આ તીડ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
કૃષિ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જીરું, રાયડો, ઘઉં અને એરંડા જેવા પાકોને વધુ નુકસાન થયું હોવાનું કૃષિ વિભાગના સર્વેમાં ધ્યાને આવ્યું છે. કેટલા ખેડૂતોને તીડથી નુકસાન થયું છે તે અંગે વિગતે સરવે કરીને સમગ્ર પરિસ્થિતિનો અહેવાલ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને સુપ્રત કરવામાં આવ્યો હતો જેના પરિણામે રાજ્ય સરકાર દ્વારા આ સહાય કરવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. 

Tags :