જુનાડીસા સિધ્ધાંમ્બિકા માતાની પલ્લીની ગામ પ્રદક્ષિણા

ડીસા તાલુકાનું જુનાડીસા એ જિલ્લાનું કોમી એકતા માટે પંકાતુ ગામ છે. જ્યાં જાગતી જ્યોત સિધ્ધામ્બિકા માતાનું સિદ્ધરાજ જયસિંહે બનાવેલું ઐતિહાસિક અને અદભુત મંદિર આવેલું છે જેનું અજોડ શિલ્પ સ્થાપત્ય તેની દિવ્યતા અને ભવ્યતામાં વધારો કરે છે. જે અનેક લોકોની શ્રદ્ધેય દેવી છે. જે મંદિરનો વહીવટ વૈષ્ણવ વણીકો સુંદર રીતે કરી અવનવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરે છે પરંતુ ગામની હિન્દૂ સમાજની અઢારેય આલમ હળીમળીને દર આસો નવરાત્રીમાં છેલ્લા નોમના નોરતે વર્ષોની પરંપરા મુજબ ગામ પલ્લીનું ભવ્ય આયોજન કરે છે. જેમાં પવિત્ર કાષ્ટમાંથી બનાવેલ માતાજીના રથ ( પલ્લી ) માં માતાજીના દીપને શક્તિ સ્વરૂપા માની વિવિધ વાનગીઓનું નૈવેદ્ય ધરાવ્યાં બાદ ઠાકોર બંધુ ભારેખમ પલ્લી માથે ઉપાડી ગામની પ્રદક્ષિણાએ પ્રસ્થાન કરે છે જેથી જગદંબા સ્વયં પલ્લી રૂપે ગામલોકોને દર્શન આપવા નીકળ્યા હોય તેવો અદભુત અને અલૌકિક નજારો સર્જાય છે ત્યારે ભાવિકોના જય અંબેના નાદથી ગગન ગાજી ઉઠે છે. વીજળી વેગે નીકળતી પલ્લી એ જ ગતિએ નિજ મંદિર  પરત ફરે છે જે હળાહળ કલિયુગમાં એક ચમત્કાર મનાય છે...!!
 
આ બાબતે ધર્માનુરાગી સેવાભાવી કાર્યકર રમેશભાઈ બી. મહેતા જણાવે છે કે, જગ વિખ્યાત રૂપાલની પલ્લી પછી જે બે ચાર પલ્લીઓ પ્રસિદ્ધ છે તેમાંની સિધ્ધામ્બિકા માતાની પલ્લી એક છે. જેમાં દૂર દેશાવર રહેતા ગામલોકો પણ અચૂક હાજરી આપે છે. ગામલોકોની વધુ એક વિશેષતા એ છે કે અઢારેય આલમની કુળદેવી અલગ અલગ છે પણ ગ્રામ્ય દેવી રૂપે શેરી ગરબા પૂર્ણ થતાં માતાજીના ચરણે ગરબો વળાવવામાં આવે છે. એટલું જ નહિ, ગામના કોઈ યુવાનના લગ્ન થતા મંદિરે કંકુના થાપા કરવાની પ્રાચીન પરંપરા આજેપણ જળવાઈ રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.