સવારના 1 કલાકમાં 3 ઈંચ વરસાદથી અમદાવાદ સ્થગિત

અમદાવાદ શહેરને આજે સવારે બે કલાકના વરસાદે જ ધમરોળી નાંખ્યું છે. સવારે 9 વાગ્યાની આસપાસ ઝરમર વરસાદ શરૂ થયો હતો અને 9.30થી 10.30 સુધી ગાજવીજ અને ધડાકાઓ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. એક કલાકમાં જ ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકતાં પૂર્વના જશોદાનગર, સરસપુર, ગોમતીપુર, મણિનગર ઉપરાંત પશ્ચિમના સેટેલાઈટ, શીવરંજની, બોપલ, શીલજ સહિતના વિસ્તારોમાં ઠેર-ઠેર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. એસજી હાઈવે પર પણ સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અનેક વાહનોમાં પાણી ભરાઈ જતાં ત્યાં જ ફસડાઈ પડ્યા હતા. બીજીતરફ હજી આગામી 24 કલાક સુધી અમદાવાદ, વડોદરા, નડિયાદ સહિતના મધ્ય તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
 
અમદાવાદના અમુક વિસ્તારોમાં તો ભારે વરસાદને કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. વરસાદી પાણી જવાની લાઈનો ચોકઅપ થઈ જતાં પાણી ઓવરફ્લો થવા લાગ્યું હતું. તેમાં પણ પૂર્વના નીચાણવાળા વિસ્તારો જેવા કે સરસપુર, ગોમતીપુર વગેરેમાં હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. હાલ અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના અમુક વિસ્તારોમાં 100 ટકાથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે અને વરસાવાનું અવિરત ચાલુ છે. તેવી સ્થિતિમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ બન્યો છે.
 
અમદાવાદમાં સવારે દોઢ કલાક સુધી મેઘરાજાની બરાબરની બેટિંગના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. તેમાં પણ પૂર્વમાં જશોદાનગરથી એસપી રીંગ રોડ સુધીનો વિસ્તાર તો રીતસર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. વટવા ફેઝ-2 જવાના રસ્તા પર તો કેડ સુધી પાણી ભરાયા હતા અને ખાત્રજ ચોકડી તથા રીંગ રોડ તરફ જતો વાહનવ્યવહાર સંપૂર્ણપણે સ્થગિત થઈ ગયો હતો. કેડસમા પાણીમાં નિકળવાનો પ્રયાસ કરતાં સંખ્યાબંધ વાહનો બંધ પડી જતાં લોકોની વધુ કફોડી સ્થિતિ બની હતી.
 
એકતરફ અમદાવાદમાં ભારે વરસાદથી સવારના પહોરમાં જ જનજીવન સ્થગિત થઈ ગયું હતું. ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ પરિસ્થિતિ ગંભીર બની હતી. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અરવલ્લીના મેઘરજ અને માલપુરમાં ગઈકાલે રાતથી ગાજવીજ સાથે વરસાદ પડતાં ભારે અસર જોવા મળી હતી. બંને નગરોમાં ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.