02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / મોદી હે તો મુમકીન હે : ઓરિસાના ગાંધી - પ્રતાપ ચંદ્ર સારંગી ને મંત્રી મંડળમાં સ્થાન

મોદી હે તો મુમકીન હે : ઓરિસાના ગાંધી - પ્રતાપ ચંદ્ર સારંગી ને મંત્રી મંડળમાં સ્થાન   01/06/2019

તાજેતરમાં જ મોદીસરકારના મંત્રી મંડળમાં સ્થાન પામેલા ઓરિસાના સંસદ પ્રતાપ ચંદ્ર સારંગી પોતાની સાદગી અને સેવા માટે જાણીતા છે. જેના કારણે સમગ્ર દેશમાં તે આજે ચર્ચાનો વિષય પણ બન્યા છે. લોકોમાં સ્વાભાવિક પ્રશ્ન છે કે આટલો સરળ માણસ પણ શું દેશના મંત્રીમંડળનો સભ્ય બની શકે કે? તો સામે જવાબ પણ એ જ છે કે મોદી હે તો મુમકીન હે.
 
સફેદ દાઢી, માથા પર આછા સફેદ વાળ, ખભા પર બેગ અને સાઇકલ જેની ઓળખ બની ગઈ છે તેવા પ્રતાપ ચંદ્ર સારંગી તાજેતરની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઓરિસાના બાલેશ્વર લોકસભા સીટ પરથી ચૂંટાઈને સંસદ બન્યા છે. જેને તેમનો વિસ્તાર ઓરિસાના ગાંધી તો વળી ઓરિસાના મોદી તરીકે પણ ઓળખે છે. 
 
4 જાન્યુઆરી 1955 ના રોજ ઓરિસાનું નાનું ગામ એવું ગોપીનાથપુરના ગરીબ પરિવારમાં જન્મ થયો હતો. તેઓ બાળપણથી જ ભારે આધ્યાત્મિક અને સેવાભાવી હતા. જેથી સાંસારિક જીવનમાં ન જઈને સાધુજીવન અપનાવવાના વિચાર સાથે જ પોતે જીવન જીવી રહ્યાં હતા. સ્નાતકના અભ્યાસ દરમિયાન જ પિતાજીનું દેહાવસાન થયું. હવે પરિવારમાં માત્ર પોતે અને માતા બે જ લોકો રહ્યાં હતા. માતા અને અન્ય સાબગસબંધીઓ પણ પ્રતાપને લગ્ન કરવા માટે કહેતા હતા. પરંતુ, પ્રતાપનું નક્કી હતું કે સાધુ જીવન જ જીવવું. વર્ષ 1975 માં ઉત્કલ યુનિવર્સીટી સંલગ્ન બાલાસોર સ્થિત ફકીર મોહન કોલેજમાંથી પોતાનો સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો. પ્રતાપ ને રામકૃષ્ણ મઠ સાથે છેલ્લા ઘણા સમયથી સારા સંબંધો હોવાના કારણે રામકૃષ્ણ મઠમાં જ સાધુ તરીકે કામ કરવું એવું તેમને નિશ્ચિત કરી લીધું હતું. 
 
આખરે સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ રામકૃષ્ણ મઠમાં સાધુ બનવા માટે પહોંચી ગયા. જો કે સ્નાતક થયેલો અને ભારે આધ્યાત્મિક તેમજ સેવાકીય ભાવ ધરાવતો યુવાન સાધુત્વના માર્ગે આવી રહ્યો હોવાના કારણે સ્વાભાવિક અન્ય સંતોમાં પણ આનંદની લાગણી હતી. પરંતુ, જયારે પ્રતાપ પોતાની વિધવા માને ઘરે એકલી મૂકીને સાધુ થવા આવ્યો હોવાની જાણ થતા રામકૃષ્ણ મઠના સાધુઓએ પ્રતાપને પુનઃ ઘરે જઈને માં ની સેવા કરવા માટે સમજાવ્યા હતા. 
 
આમ સાધુનો ભેખ ધારણ કરવા માટે ગયેલો યુવાન રામકૃષ્ણ મઠના સાધુઓની વાત સાંભળીને પુનઃ ઘરે માં ની સેવા કરવા માટે આવી ગયો. ઘરે આવીને આજીવન અપરણિત રહીને તેમને માતાની સેવાની સાથે સાથે ગરીબ લોકોની સેવા કરવાની પણ શરૂઆત કરી. નાની ઝૂંપડી જેવા ઘરમાં રહેતા પ્રતાપ ચંદ્ર સાવંતના ઘરે કોઈ પણ ગરીબ સરળતાથી પોતાનું કામ લઈને પહોંચી જાય અને પ્રતાપચંદ્ર પણ એટલીજ સહજતાથી તે કામ પૂર્ણ કરાવવા માટે કામે લાગી જાય. તેમની સાદગી, ઈમાનદારી અને ઓછા ખર્ચે જીવન જીવવાનના નિયમને કારણે સ્વાભાવિક લોકોમાં એક જુદું સ્થાન ઉભું થયું છે. 
 
ગત વર્ષે જ પોતાની માતાનું અવસાન થયા બાદ હવે તેઓ એકલા જ પોતાના ઘરમાં રહે છે.  જો કે પોતે સમગ્ર સમાજને પોતાનું જ પરિવાર માનીને હવે જીવન જીવી રહ્યાં છે. વહેલી સવારે ઉઠીને  પોતાના ઘર સામે રહેલા હેંડપંપ પર જ સ્નાન કરીને પૂજા અર્ચના કરવી અને ત્યારબાદ આખો દિવસ સાઇકલ લઈને ખભા પર થેલો લટકાવીને સમાજના દલિત, વંચિત, શોષિત અને  પીડિત લોકોની સેવા માટે નીકળી પડે છે. 
 
પોતાના જીવનમાં તેઓ સેવભાવના સ્વભાવને કારણે અનેક સંસ્થાઓ સાથે પણ લાંબા સમય સુધી કામ કરવાનું થયું. જેમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, વિશ્વ હિન્દૂ પરિષદ અને રામકૃષ્ણ મઠ સાથે પણ તેમને અનેક વર્ષો સુધી જવાબદારી પૂર્વક કામ કર્યું.
 
ભારતમાં જે જે લોકો સમાજસેવાના કામમાં અનેક વર્ષો સુધી કાર્યરત રહ્યા છે. તે સ્વાભાવિક પણે પ્રજાના લોકપ્રિય જન પ્રતિનિધિ તરીકે પણ સ્થાન પામ્યા છે. તેજ પ્રકારે પ્રતાપ ચંદ્ર સારંગી પણ ઓરિસાના રાજકારણમાં લોકપ્રિય જનપ્રતિનિધિ તરીકે સ્થાન પામ્યા. જે અંતર્ગત તેઓ ભારતીય જનતા પક્ષમાં જોડાઈને ઓરિસા વિધાનસભામાં વર્ષ 2004 થી 2009  સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને જન  પ્રતિનિધિત્વ કર્યું.
 
તાજેતરમાં લોકસભા ચૂંટણીમાં પ્રતાપ ચંદ્ર સારંગી, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે બાલેશ્વર લોકસભા સીટના સંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. જો કે આ ચૂંટણીની વિશેષતા એ હતી કે ખભે થેલો અને સાઇકલ લઈને ફરતા સીધા સાદા  વ્યક્તિની સામે ઓરિસાના સૌથી ધનિક વ્યક્તિ અને બીજું જાણતા દળના ઉમેદવાર  ઉદ્યોગપતિ રબિન્દ્રા જૈન અને ઓડિશા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ નારંજન પાટનાયકના પુત્ર નબયજોતો પટનાયક ચૂંટણી લડતા હતા. જેમાં એક સીધો સાદો અને પ્રજાનો માણસ 12000 માટેની સરસાઈથી ચૂંટણીમાં વિજેતા બન્યો હતો.
 
આ ચૂંટણીમાં પોતાના સોગંદનામામાં પ્રતાપ ચંદ્ર સારંગીએ જણાવ્યું હતું કે, તેમની પાસે કોઈ જ વાહન નથી  કે નથી કોઈ દાગીના. તો વળી છેલ્લા 5 વર્ષમાં તેમને કોઈ પણ પ્રકારનો આવકવેરો પણ ચુકવ્યો નથી. હાલમાં તેમની પાસે માત્ર ને માત્ર મકાન સ્વરૂપે વારસામાં મળેલી સંપત્તિ જ છે. જેની કિંમત જમીન સાથે 5.5 લાખ થાય છે.  તેઓ પોતાને એક સામાજિક કાર્યકર તરીકે ઓળખાવે છે. જેથી આવકમાં કોઈ નિશ્ચિત રકમ ન રહેતી હોવાનું દર્શાવ્યું છે. તેઓ હાલમાં ઓરિસાના પછાત ગામડાઓમાં પ્રાથમિકશાળા પ્રકારની શાળાઓ ચલાવે છે. જેમાં અનેક બાળકો અભ્યાસ કરી રહ્યા છે. તે બધી જ શાળાઓ સમાજમાંથી આવતા દાન પર જ નિર્ભર છે.
 
આમ ઓરિસાના ગાંધી કે ઓરિસાના મોદી તરીકે જાણીતા પ્રતાપ ચંદ્ર સારંગી કદાચ દેશના સૌથી ગરીબ સંસદ હશે. જો કે હવે તેમની ઓળખ માત્ર સંસદ તરીકે ન રહેતા કેન્દ્ર સરકારના મંત્રી તરીકે પણ છે.
 
ચોક્કસ દેશભરના લોકોને વિશ્વાસ છે કે ગરીબોના બેલી અને સેવાના ભેખધારી પ્રતાપચંદ્ર મંત્રી તરીકે પણ યાદગાર કામ કરશે.

Tags :