ડીસામાં ભુમાફિયાઓના કથિત ત્રાસથી કંટાળી ગેરેજ સંચાલકે આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર

બનાસકાંઠામાં ગુનાખોરીના ઉચકાતાં જતા ગ્રાફ વચ્ચે ગત રોજ ડીસાના એક ગેરેજ સંચાલકે ભુમાફિયાઓના કથિત ત્રાસથી કંટાળી ઝેરી દવા ગટગટાવી લઈ જિંદગી ટૂંકાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો છે.
 
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ડીસાની ઉત્સવ સોસાયટીમાં રહેતા મોટર ગેરેજ સંચાલકે ગતરોજ ઝેર ગટગટાવી લેતા ચકચાર મચી ગઇ હતી.આ બનાવની જાણ થતાં ૧૦૮ ની ટીમે તુરંત ઘટનાસ્થળે દોડી જઇ આ ઇસમને ગંભીર હાલતમાં ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયો હતો.આ ઇસમે ઊધઈની દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.દરમ્યાન, આપઘાતનો પ્રયાસ કરનાર આ ઈસમ પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળી છે જેમાં આ ઇસમે પોતાની  જમીન પડાવી લેવા માંગતા ભૂમાફિયાઓ વારંવાર  ધાકધમકીઓ આપતા હોઈ કંટાળી જઇ પોતે આ પગલું ભર્યું હોવાનો દાવો કર્યો છે સ્યુસાઇડ નોટમાં. 
 
ભૂમાફિયાઓ તરીકે ડીસા નગરપાલિકાના મહિલા કોર્પોરેટર હંસાબેન બાલસિંગ ઠાકોર સહિત અનેકના નામ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ મામલે ડીસા દક્ષિણ પોલીસે ધોરણસરનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર ડીસા શહેરમાં ચકચાર મચી ગઇ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.