02744-220264, 222764       rakhewal@gmail.com
Home / રાષ્ટ્રીય / છત્તીસગઢમાં મોટો નક્સલી હુમલો, IED બ્લાસ્ટ કરી CISFની ગાડી ઉડાવી, 2 જવાન શહીદ

છત્તીસગઢમાં મોટો નક્સલી હુમલો, IED બ્લાસ્ટ કરી CISFની ગાડી ઉડાવી, 2 જવાન શહીદ   08/11/2018

દીવાળીના શુભ તહેવારના બીજા દિવસે છત્તીસગઢના દંતેવાડામાં મોટો નક્સલી હુમલો થયો છે. નક્સલીઓએ અહીં બોમ્બ વિસ્ફોટથી CISFની બસને ઉડાવી દીધી છે, આ હુમલામાં 2 જવાન શહીદ થયા છે. આ બસમાં બે જવાનો સિવાય 3 સ્થાનિક નાગરિકોના મોત થયાના અહેવાલ પણ મળી રહ્યા છે.
 
આ ઘટનામાં સાત જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે, તેમાંથી ત્રણ જવાનોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે આ હુમલો દંતેવાડાના બચેલીમાં થયો છે.
 
આ ઘટના તે વખતે બની જ્યારે સવારે CISFની એક ટીમ મિની બસમાં સવાર થઇને આકાશ નગર તરફ જવા રવાના થઇ હતી. આ ટીમ જોવા જઇએ તો, પોતાની રૂટિન રસ્તે જઇ રહી હતી, પરંતુ જવાનોને પાછા ફરતી વખતે પોતાના અન્ય સાથીઓ માટે સ્થાનિક બજારમાંથી શાકભાજી લઇને પાછા ફરવાનું હતું.
 
આ ઘટના વિશે જાણવા મળી રહ્યું છે કે, આકાશ નગરના મોડ નંબર 6 પર જેવી મિની બસ પહોંચી કે નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો. આ મિની બસ લગભગ 8 ફૂટ ઉપર ઉછળી હતી, ત્યારબાદ બસ જમીન પર પટકાતા નક્સલીઓએ જવાનો પર ફાયરિંગ કરી દીધું હતું. લગભગ 15 મિનિટ સુધી નક્સલીઓ ઘટના સ્થળે રહ્યા હતા અને ત્યાં તેમને સુરક્ષા દળો અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો.
 
તમને જણાવી દઇએ કે, ગઇકાલ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જગદલપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. જગદલપુર દંતેવાડા સાથે જોડાયેલું જિલ્લા બસ્તરનો વિધાનસભા વિસ્તાર છે. છેલ્લા કેટલાંક સમયથી જે રીતે નક્સલીઓએ હુમલા કર્યા છે, તેનાથી વિસ્તારમાં અરેરાટી વ્યાપેલી છે.

Tags :