02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / સાદગી, નમ્રતા, પ્રમાણિકતા અને વિવેકમાં સ્વ.ગલબાભાઈને મહાત્મા ગાંધીજી સાથે સરખાવીએ તો અતિશયોક્તિ નથી...!

સાદગી, નમ્રતા, પ્રમાણિકતા અને વિવેકમાં સ્વ.ગલબાભાઈને મહાત્મા ગાંધીજી સાથે સરખાવીએ તો અતિશયોક્તિ નથી...!   24/01/2020

બનાસકાંઠાના ગરીબો, મજૂરો અને ખેડૂતોના મસીહા સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ પ્રામાણિકતા, સાદગી, પવિત્રતા અને દૃઢ સંકલ્પનો સમન્વય હતાં. સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ પટેલે કોઈ દિવસ પોતાના સ્વાર્થ માટે કોઈને નુકસાન પહોંચાડ્‌યું  ન હતું.  તેઓ  ત્યાગનું પ્રતીક હતા, પરિશ્રમનું ખળખળ વહેતું ઝરણું જાણે પોતાના જીવનમાં હોય તેવું તેઓના કરેલા શ્રેષ્ઠ કાર્યમાંથી દરેક માનવીને શીખવા મળે છે.
આ દુનિયામાં આજીવન પ્રામાણિકતા અને સત્યનો ભેખ ધારણ કર્યો  હોય તેને કોઈ બાબતોનો સ્વાર્થ હોતો નથી. ગલબાભાઈ એ માનવતાવાદી ગુણો ધરાવતા હતા. ગલબાભાઈ પટેલના જીવનપ્રસંગો અવાર-નવાર આપણને સાંભળવા મળે છે. તેઓ પોતાના જીવનમાં પ્રામાણિકતાનું આભૂષણ ધારણ કરીને જીવન જીવ્યા છે. ગલબાભાઈ પટેલના જીવનના અનેક પ્રેરણાદાયક પ્રસંગો જોવા મળે છે. 
તેમાંથી એક પ્રસંગ ઃ 
ગલબાભાઈ પટેલ રસ્તામાં જતા હોય અને જો છાણનો પોદળો જૂએ તો તરત જ એને ઉઠાવીને પોતાના પહેરણના ખોળામાં અથવા તો ટોપીમાં તેને લઈ લેતા અને નજીકના બાજુના ખેતરમાં ફેંકી આવતા. તેઓ કહેતા, “મારા આટલા શ્રમથી પણ જો એક દાણો વધુ ઊગશે તો એ મારા દેશની અને દેશ બાંધવોની સેવા જ છે ને...! આ પોદળો નથી બાજરી છે.”
એક બીજો પ્રસંગ છેઃ
ગલબાભાઈ પટેલ પાસે એક સ્નેહીભાઈ કોઈને નોકરી રાખવામાં માટે આવ્યા. તેમણે પેલા સ્નેહીને પૂછ્યુંઃ
“આ ભાઈના પિતાજી શું કરે છે....?”
“ખેતી.....”
“સાથી બીજો રાખે છે...?”
“હા...” પેલા સ્નેહીએ જવાબ આપ્યો.
“આ ભાઈનેય તો ગોઠવી દ્યોને ?  ”ગલબાભાઈ પટેલે ધીમેથી કહ્યું, પેલા ભાઈ  અવાક થઈ ગયા... ગલબાભાઈએ પોતાની તળપદી ભાષામાં ધીમેથી કહ્યું - “જે ગરીબો અને પસાતોને નોકરીની જરૂર એ ઈને નોકરી આલવા દ્યોને !” અને પેલા સ્નેહી ત્યાંથી ચાલતા થઈ ગયા.
બીજો એક પ્રસંગ એવો છેઃ
ગલબાભાઈ પટેલ પોતાનું વાસણ જાતે જ માંજતા. ધારાસભ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ અને જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા પછી પણ તેઓએ પોતાની આ આદત ચાલુ રાખી હતી. એમની આ નમ્રતા અને સાદગી જોઈને બધાને આશ્ચર્ય હતું.
ગલબાભાઈ પટેલ જેટલું જીવન જીવ્યા તે સાદગીભર્યું  જીવ્યા હતાં, શ્રેષ્ઠ જીવ્યા. તેના અનેક ઉદાહરણો મળે છે. ગલબાભાઈ પટેલ  ધારાસભ્ય હોય કે જિલ્લા પંચાયત પ્રમુખ, પરંતુ તેમણે પોતાના જીવનમાં કોઈ દિવસ નાનામાં નાના કાર્ય કરવામાં શરમ અનુભવી ન હતી.  કેટલીક વખત ખેતરે ભેંસ દોહીને માથા ઉપર દેગડું મૂકી ગામમાં આવતા હોય. ત્યારે એમને મળવા આવેલ ઉચ્ચ અધિકારીઓ આશ્ચર્યમાં પડી જતા હતા. આ બનાસકાંઠા જિલ્લાનો પ્રમુખ... ?  ગલબાભાઈ પટેલે મજૂરી પણ કરી છે, ખેતી પણ કરી છે... આ ગુણ માટે મહાત્મા ગાંધી સાથે સરખાવીએ તો અતિશયોક્તિ ન કહેવાય. સાદગી, નમ્રતા, પ્રમાણિકતા અને વિવેકમાં ગલબાભાઈનો જોટો જડવો મુશ્કેલ છે.
અન્ય એક પ્રસંગ એવો છેઃ  
ઈ.સ. ૧૯૫૦ ની સાલ હશે. ગલબાભાઈનો સાતેક વર્ષનો પુત્ર વાઘજી અચાનક રમતાં રમતાં ખાટલા પરથી પડી ગયો અને તેનો હાથ ભાંગી ગયો. બાજુમાં મજાદર ગામમાં દાઉદભાઈ નામના એક મુસલમાન ભાઈ હાથ ચડાવવાનું કામ કરતા હતા. ગલબાભાઈ વાઘજીને ખભા ઉપર બેસાડીને મજાદર દાઉદભાઈને ત્યાં પહોંચ્યા. દાઉદભાઈએ હાથ જોઈને સારવાર શરૂ કરી. તેમણે ગલબાભાઈને પાસેના ઘાંચીને ત્યાં જઈને એક આનાનું તેલ લઈ આવવાનું કહ્યું હતું.
ગલબાભાઈ પટેલ એક થોડીક ક્ષણ અવાક્‌ થઈ ગયા. તેઓ જ્યારે ચૂપચાપ બેઠા રહ્યા ત્યારે દાઉદભાઈએ બીજીવાર તે સૂચના આપી. છતાં ગલબાભાઈ ના ઊઠ્‌યાં. ખિસ્સાં ખાલી હતા. તેમણે ધીમેથી ખીસું ફંફોસતાં કહ્યું – “મારી પાસે એક આનો નથી.” તેવા સમયે દાઉદભાઈ આખી સ્થિતિ સમજી ગયા અને તેઓ જાતે ઘરમાંથી વાટકી લઈ બાજુમાં રહેતા પાડોશીને ત્યાંથી એક આનાનું તેલ લઈ આવ્યા અને વાઘજીને હાથે તેલ ઘસીને હાથ ચડાવી દીધો.
ગલબાભાઈ નાનજીભાઈ પટેલ માત્ર બે વર્ષની ઊંમરના હતા ત્યારે મા-બાપની છત્રછાયા ગૂમાવી હતી એટલે બાળપણથી દુઃખો વેઠતા આવ્યા હતા. એટલે કદાચ ગરીબોના દુઃખો સમજી શક્યા હતા. મોતીભાઈ ર. ચૌધરીએ ગલબાભાઈ પટેલ વિશે લખ્યું છે કે,  “કોઈ પણ જાતની ભભક વિનાનાં વસ્ત્રો, ટૂંકું ખાદીનું ધોતિયું, સફેદ ગળી અને ઈસ્ત્રી વગરનો ઝભ્ભો અને ટોપી પહેરેલ, ગુલાબી હાસ્ય વેરતી નિર્દોષ ચહેરાવાળી વ્યક્તિને મળીએ તો તે ગલબાભાઈ જાણવા. ખૂબ જ સ્પષ્ટ અને ગામઠી ભાષામાં નાના-મોટા સૌ સાથે વાતો કરતા માલૂમ પડે. શ્રી ગલબાભાઈનો જન્મ અને ઉછેર ગામડામાં થયો હતો. ગ્રામ્ય જીવન તેમની રગેરગમાં વણાઈ ગયું હતું. ગામડાનાં લોકોના પ્રશ્નોના તેઓ પારખુ હતા. લોકો પણ જ્યારે તેઓને જૂએ અને ઉમંગમાં આવી જાય, પોતાના ઘરના માણસ મળ્યાનો આનંદ થાય. પોતાની મુશ્કેલીઓ– પ્રશ્નો મન મૂકીને તેઓને કહે. ગલબાભાઈ તેના જવાબ હસતાં હસતાં આપે, પોતાની આગવી શૈલીમાં, આગવી પદ્ધતિથી પ્રશ્નોના ઉકેલ લાવી આપે અને મૂંઝાયેલા લોકોને હૈયાધારણા આપતા હતાં. લોકોને પણ તેમના ઉપર અપાર પ્રેમ હતો. તેમની વાતમાં તેઓને વિશ્વાસ હતો. લોકો તેઓને સાચા ગાંધીવાદી પુરુષ તરીકે ઓળખતા હતા. બનાસકાંઠાની ગ્રામ્ય પ્રજાને બેઠી કરવા ગલબાભાઈએ પણ જાણે ભેખ ધારણ કર્યો  હોય તેમ સમગ્ર જિલ્લાની ગ્રામોન્નતિ માટે દિનરાત જોયા વગર અવિરત કાર્ય કર્યું છે.’’ 
વ્યક્તિગત જીવનમાં ખૂબ જ સાદગીભર્યું જીવન કહી શકાય. ઘરે ‘નળાસર’ માં હોય ત્યારે ખેતીનું કામ જાતે કરે. દૂઝણી ભેંસોની પણ સંભાળ લે, જાતે મંડળીએ દૂધ ભરાવે. ખાવા-પીવામાં પણ એવી જ સાદાઈ. ગામડાના બહુજન સમાજનું જે ભોજન હોય તે તેમનું હોય. ગામડે ફરતા હોય ત્યારે કોઈ ઠાઠમાઠ નહીં. જમવાનો સમય થયો હોય તો જાણીતા ગામ આગેવાનોને કહે  ‘ભાઈ, રોટલા તમારે ત્યાં ખાઈશું’ સામેની વ્યક્તિ પણ આવા પ્રેમથી ખુશ થાય. તેના ઘરે જેવી રસોઈ હોય તેવી જ જમે. મહેમાન માટે ખાસ તૈયારી નહીં. આવો હતો એમનો મિલનસાર અને સરળ સ્વભાવ અને તેથી જ તેઓએ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે, જે બીજા માટે ખરેખર દુર્લભ કહી શકાય.” 
સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ એવું જીવન જીવી ગયા કે આજની પેઢી અને આવનારી પેઢીને તેમણે આજીવન કરેલા શ્રેષ્ઠ કામોની સુગંધ મળતી રહેશે. 
ક્રમશ...

Tags :