સિંચાઇ વિભાગ દ્વારા દસ મોટરો મુકી પાણીના નિકાલની કામગીરી હાથ ધરાશે

રખેવાળ ન્યુઝ થરાદ : બનાસકાંઠાના સરહદી થરાદ તાલુકાના ત્રણ ગામોમાં ૨૦૧૫ અને ૨૦૧૭ના પુર બાદ ૨૦૧૯માં વરસેલા ભારે વરસાદના કારણે ભારે માત્રામાં પાણીનો ભરાવો થવા પામ્યો હતો. આ પાણી અંગે જીલ્લા કલેક્ટરની મુલાકાત બાદ પણ કુદરતી રીતે નિકાલ બાદ અન્ય કોઇ વ્યવસ્થા હાથ નહી ધરાતાં ખેડુતોમાં ભારોભાર રોષની લાગણી પ્રવર્તી રહી હતી. આખરે સાંસદસભ્યની તાકીદથી ગુરુવારે સિંચાઇ વિભાગના અધિકારીઓ ગુરુવારે અસરગ્રસ્ત વિસ્તારોમાં દોડી આવ્યા હતા. જેમની સાથે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે પણ આ ગામોની મુલાકાત લીધી હતી.
થરાદના ખાનપુર ગામના ખેડુત અગ્રણી નાગજીભાઇ પટેલે જણાવ્યું હતું કે હજુ નાગલા અને ખાનપુર ગામ નજીકના ખેતરોમાં લગભગ ૪૦૦ એકર જેટલા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા છે. આથી ૧૫૦ જેટલા ખેડુતો પરેશાની ભોગવી રહ્યા છે. સિંચાઇ અને નર્મદાની મુખ્ય નહેર વિભાગના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરીખેડુતોની અત્યારની મુશ્કેલી દુર કરવા ખાનપુર અને નાગલા બંન્ને ગામોમાં બે પોઇન્ટ ઉભા કરી પાંચ પાંચ મોટરો મુકીને તેના વડે પાણી ખેંચીને તેનો નિકાલ કરવાનું આયોજનની તજવીજ હાથ ધરી હતી. ત્યાર બાદ એસ્ટીમેન્ટ તૈયાર કરી સરકારમાં મોકલવામાં આવશે.જે મંજુર થયેથી કાયમી નિકાલ કરી શકાશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. જ્યારે બંન્ને ગામોના કેટલાક ખેડુતોએ સરકાર દ્વારા પરિસ્થિતીથી વાકેફ હોવા છતાં પણ તેના નિકાલ અંગે હજુ સુધી કોઇ કામગીરી નહી કરાતાં ઉગ્ર આંદોલન કરવાનો રોષ પણ વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે ટુંકજ સમયમાં તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવામાં નહી આવેતો  ફરી સંકલનની મિટિંગમાં જવાબ માગવામાં આવશે તેમ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભુતકાળના પુરના વર્ષોમાં આ ત્રણેય ગામોમાં દસથી બાર ફુટ પાણી ભરાતાં ભારે તબાહી સર્જાઇ હતી. ૨૦૧૫ અને ૨૦૧૭ માં બે વખત મોટરો મુકીને પાણીનો નિકાલ કરવો પડ્‌યો હતો. ગત પુર વખતે રાજ્યના મુખ્યમંત્રીએ પણ રૂબરુ મુલાકાત લીધી હતી અને ખેડુતોને કાયમી નિકાલનું આશ્વાસન પણ આપ્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.