ભાજપનું નાક દબાવવાની લીલાધર વાઘેલા અને કેશાજી ચૌહાણની "જૂની કળા" કેટલી કારગત નીવડશે...?

 કેશાજી ચૌહાણ અને લીલાધર વાઘેલા હજુય પોતાની નિષ્ફળતાઓને ઢાંકવાનો પ્રયાસ કરી ટીકીટ માટે સમાજના નામે પક્ષનું નાક દબાવવાની કોશિશ કરી રહ્યા છે.
ભારતમાં આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે જાહેરનામું પ્રસિદ્ધ થવા સાથે જ નવી લોકસભાની રચનાર્થે યોજાનાર ચૂંટણી  પ્રક્રિયાનો વિધિવત રીતે પ્રારંભ થઇ રહ્યો હોઈ પ્રથમ તબક્કાના મુખ્ય પક્ષોના ઉમેદવારોની ક્રમશઃ જાહેરાત થઈ રહી છે અને બાકીના છ તબક્કાઓના ઉમેદવારો પસંદ કરવા નવી દિલ્હીમાં રાજકિય ગડમથલ ચાલી રહી છે. જોકે ગુજરાતની તમામ બેઠકોની ચૂંટણી ત્રીજા તબક્કામાં યોજાનાર હોઈ ગુજરાતના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરવામાં હજુ દશેક દિવસનો વિલંબ કરાય તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે ત્યારે બનાસકાંઠામાં ટિકિટ માટે સમાજના નામે રાજકીય  પક્ષોનું નાક દબાવવાની જાહેર કોશિશ કદાચ પ્રથમ વાર થઈ રહી છે. ત્યારે ભાજપના જિલ્લા પ્રમુખ પણ કેમ પાછા પડે...? 
     લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠાની ભાજપની ટિકિટના દાવેદારો આ વખતે કોઈ કસર કસર છોડવા માંગતા નથી. ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખે પણ એડીથી ચોંટી સુધીનું જોર લગાવી દીધું છે.જોકે  હાથના કર્યા હૈયે વાગે એમ દિલ્હી દરબારનું નાક દબાવવામાં તેઓ સફળ રહે તેવી શક્યતાઓ નહિવત જ જણાય છે.
      વાત જાણે એમ છે કે લોકસભા ચૂંટણી માટે મહિનાઓ પૂર્વથી જ પૂર્વ તૈયારીઓમાં મંડેલા કેશાજી ચૌહાણે છેલ્લે છેલ્લે તો પોતે જ ઉમેદવાર હોવાની વાતો પણ મળતીયાઓ મારફત વહેતી કરી દીધી હતી. હવે લોકસભા માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા આગળ ધપી રહી હોઈ કેશાજી ચૌહાણ પણ અદ્રશ્ય પણે તેમના અસલ તિર છોડવા માંડયા છે.બનાસકાંઠામાં ઠાકોર સમાજના નિરાભિમાની અગ્રણી તરીકે પોતાની ઓળખ ઉભી કરવામાં સફળ રહ્યા બાદ અગાઉ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસનું નાક દબાવવા ટેવાઈ ગયેલા કેશાજી ચૌહાણે બાદમાં કોંગ્રેસને પાઠ ભણાવવાના ઇરાદે હનુમાન કૂદકો લગાવી ભાજપમાં ભળી જતાં રાજકીય નાડ પારખવામાં માહેર ભાજપે પણ લીલાધર વાઘેલાને અંકુશમાં રાખવા કેશાજીને 'મોટા ભા' બનાવી દઈ વિધાનસભાની ટિકિટ સાથે જિલ્લા ભાજપનું સુકાન પણ સોંપી દઈ કોંગ્રેસને વધુ નિષ્ફળ બનાવવાના ભૂગર્ભ પ્રયાસો આદર્યા હતા.વળી, આ ચાલ ફિટ બેઠી હોવાનું જણાતા ભાજપે થોડી વધુ ઉદારતા બતાવી કેશાજી ચૌહાણને મંત્રીપદ આપી 'સાહેબ' પણ  બનાવી દીધા હતા.જોકે પદ સાથે જ પ્રતિષ્ઠા અને પૈસો બન્ને કમાયેલા કેશાજી ભાજપના આ શાણપણનું રહસ્ય સમજવામાં ગોથું ખાઈ ગયા અને 'સાહેબગિરી' કરતા થઈ ગયેલા કેશાજીએ સંગઠનની મૂળભૂત જવાબદારીને જ અભરાઈ પર ચઢાવી દેતાં સંગઠન પાંખ નબળી પડી ગઈ....જેના પગલે વિધાનસભા ચૂંટણી વખતે ભાજપને ફરી ભૂંડી હારનો સામનો કરવો પડ્‌યો અને સાહેબ પોતાની સીટ પણ ના બચાવી શક્યા...બનાસકાંઠામાં પરાજય બાદ પોસ્ટમોર્ટમમાં આ મહત્વનું કારણ પણ ઉડીને આંખે વળગ્યું હશે જ પરંતુ ભાજપના મોવડીમંડળે લોકસભા ચૂંટણી પૂર્વે કોઈ નવો વિવાદ ના સર્જાય તે હેતુથી જ કદાચ વધુ એકવાર શાણપણ દાખવી સરકારમાં માજી બની ગયેલા કેશાજી પાસે જ સંગઠનની લગાવ જાળવી રાખી. જોકે પરાજય બાદ સત્તા વગર રઘવાયા થઈ ગયેલા કેશાજીને હવે દિલ્હી જ દેખાવા માંડ્‌યું છે.મહિનાઓથી પોતાને  ઉમેદવાર તરીકે તરીકે મજબૂત રીતે બહાર લાવવા મથામણ કર્યા બાદ
આભાર - નિહારીકા રવિયા  હવે કેશાજી હવે ફરી સમાજને જ ઢાલ બનાવી રહ્યા છે.
      મંત્રી પદ મળ્યા બાદ 'સાહેબ' તરીકે જીવવા લાગેલા કેશાજી ના સ્વભાવમાં આવેલું પરિવર્તન પણ કોઇથી છાનું રહ્યું નથી.અને કદાચ આ જ કારણે તેમને બીજી વાર ગાંધીનગર પણ નથી જવા દીધા.જોકે આ સત્યને આજે પણ તેઓ સ્વીકારતા ના હોવાની પ્રતીતિ કરાવી રહ્યા છે.વિધાનસભા ચૂંટણી બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનો ધબડકો પણ કેશાજીના નૈતૃત્વ પર નિષ્ફળતાની છાપ મારી જ દીધી હતી છતાં લોકસભાનો જંગ જ તેમનું જિલ્લા ભાજપ પ્રમુખનું બિરુદ જાળવી રાખવામાં મદદરૂપ બન્યો છે.જોકે સત્તા માટે શાણપણને એક બાજુ મૂકી જ દેવાતું હોય છે ત્યારે કેશાજી પી.એમ.નહિ તો એમ.પી. બનવા તો કોશિશ કરે જ ને...!
   જોકે રાજકીય કારકિર્દીના પ્રારંભે સાદગી અને સમાજના નામે કોંગ્રેસનું નાક દબાવવામાં સફળ રહેલા કેશાજી ભાજપમાં સાહેબ બન્યા બાદ સાદગી અને સમાજ બન્ને તેમનાથી દૂર ભાગતી રહ્યા છે.વિધાનસભા ચૂંટણીનું પરિણામ તેનો પુરાવો છે.
   ટૂંકમાં કહીએ તો તમામ મોરચે આગેવાનીમાં નિષ્ફળ ગયેલા કેશાજી ને હવે દિલ્હી દરબારમાં બનાસકાંઠાની આગેવાણીનો અભરખો જાગ્યો છે.વ્યક્તિગત રીતે તેઓ આવા સપના જોવા આઝાદ છે પરંતુ પક્ષના બાયોમીટરમાં તેમની સોયથી લઈ ભાલા જેવડી તમામ ભૂલો પકડાઈ જ ગઈ હશે તેમ માની જ લેવાય.આ વખતે નેતાગીરી કોઈ જોખમ લેવા માંગતી નથી એ દેવા જેવું સત્ય છે તેમ છતાં લાંબા સમયથી  કાર્યકરો, આગેવાનો, સમર્થકો તેમજ મતદારોથી દૂર જ રહેલા કેશાજી એ આ વખતે લોકસભા ટિકિટ માટે જોર માંડ્‌યું છે. લીલાધર વાઘેલા પ્રત્યે પક્ષની નારાજગીનો સમાજના નામે લાભ ઉઠાવવા પોતાના માટે બળ પૂર્વકના પ્રયાસો કરી રહેલા કેશાજીના વલણથી દિલ્હી દરબાર પણ વાકેફ છે.જેથી આ વખતે દિલ્હીમાં તેમનો ગજ ખુપે તેમ નથી ત્યારે જો તેઓ સમાજનું જ હિત ઇચ્છતા હોય તો સમાજના અન્ય કોઈ દાવેદારની ખુલ્લી કે ખાનગી તરફેણ પણ કરી શકે છે.અમારો ધર્મ માત્ર ઈશારો કરવાનો છે.બાકી તો સાહેબ જાણે અને એમનું કામ જાણે...કદાચ ટિકિટ મળી જાય તો પણ આ વિધાનસભાનો જંગ નથી એ પણ  એમને જ યાદ રાખવુ પડશે અને આ જંગના પરિણામ માટેના કારણો પણ ફરી માથું નહિ જ ઊંચકે એવી બાંહેધરી પણ કોણ આપી શકે...?
   હાલ તો કેશાજી ચૌહાણ માટે પ્રથમ તો ટિકિટ જ દૂર લાગે છે પરંતુ જો સમાજની બીકે પક્ષ ટિકિટ આપી પણ દે તોય જીત માટે કેશાજી ને લોઢાના ચણા ચાવવા પડશે એ પણ સૌ જાણે જ છે....જોઈએ હવે આ માહોલ આગામી દિવસોમાં કેવો રંગ બદલે છે...?
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.