કાંકરેજઃ અધિકારીઓ શાળાનું તાળું ખોલવા ગયા, ગામલોકોએ રવાના કર્યા

કાંકરેજ તાલુકાની શાળાને તાળાબંધી કર્યા બાદ મામલો થાળે પડવાને બદલે વધુ ગુંચવાયો હોવાનું સામે આવ્યુ છે. શાળાને તાળું ખોલાવવા શિક્ષણ અધિકારીઓની ટીમ ગામમાં પહોંચ્યાં બાદ ગામલોકોએ સ્પષ્ટ મનાઇ કરતા ખળભળાટ મચી ગયો છે. શાળાના આચાર્ય અને શિક્ષકની બદલીનો ઓર્ડર હાથમાં ન આવે ત્યાં સુધી શાળાનું તાળું ખોલવા ગામલોકોએ ચોખ્ખી ના પાડતાં પંથકના શિક્ષણ આલમમાં હડકંપ મચી ગયો છે. શાળાને તાળાબંધી યથાવત હોવાથી શિક્ષણકાર્ય અધ્ધરતાલ બન્યુ છે.બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાની ખોડા પ્રાથમિક શાળામાં તાળબંધીને લઇ તાલુકાથી જીલ્લા સુધીમાં દોડધામ મચી ગઇ છે. બે શિક્ષકોના વિવાદ વચ્ચે ગામલોકોએ રોષે ભરાઇ મંગળવારે તાળાબંધી કરી હતી. આથી શિક્ષણકાર્ય યથાવત રખાવવા હેતુસર કેળવણી નિરીક્ષકની ટીમ ગામમાં દોડી આવી હતી. આ દરમ્યાન શાળાનું તાળું ખોલવા મથામણ કરતાં ગામલોકોએ એક થઇ સ્પષ્ટ શબ્દોમાં મનાઇ કરી હતી. ગામલોકોએ શાળાના આચાર્ય અને શિક્ષકના વિવાદથી ત્રાસી બંનેની તાત્કાલિક અસરથી બદલી કરવાની માંગ કરી છે.સુત્રોએ જણાવ્યુ હતુ કે, ખોડા પ્રાથમિક શાળામાં તાળાબંધીને પગલે ગામના બાળકો શિક્ષણથી વંચિત જ્યારે શિક્ષકોને ઘરે બેસવાનો વારો આવ્યો છે. સતત બે દિવસથી શાળાને તાળું લાગેલું હોઇ તાલુકા શિક્ષણથી જીલ્લા સુધીમાં ગામલોકોની રજૂઆત સામે મંથન શરૂ થયુ છે. શાળાના આચાર્ય અને શિક્ષકને બદલી કરી અન્ય કોઇપણ શાળામાં નહિ મુકાય ત્યાં સુધી તાળાબંધી યથાવત રાખવાનું ગામલોકોએ નિર્ણય કરતા ચકચાર મચી ગઇ છે. તાત્કાલિક વિનાવિઘ્ને શાળા શરૂ કરવી અધિકારીઓ માટે કોયડો બની ગયુ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.