રખેવાળ ન્યુઝ છાપી : વડગામ તાલુકાના વેસા ગામે યુજીવીસીએલ દ્વારા ખેતીવાડી વિષયક વીજ કનેક્શનનું બાકી બિલ ન ભરનાર ખેડૂતનું વીજ કનેક્શન કાપી નાખતા ઉશ્કેરાયેલા ખેડૂતે યુજીવીસીએલના હેલ્પરને મોબાઈલ ફોન ઉપર અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા નાયબ ઈજનેર એ.પી. આગલોડિયાએ ખેડૂત વિરુદ્ધ છાપી પોલીસ મથકે સોમવારે ફરિયાદ નોધાવતા ચકચાર મચી ગઈ હતી.
યુજીસીએલના નાયબ ઈજનેર આદમભાઈ પીરાભાઈ આગલોડિયાએ જણાવ્યું હતું કે ખેતવિષયક વીજ ધારકો દ્વારા વીજ બીલના નાણાં ન ભરનાર ગ્રાહકોના વીજ કનેક્શન કાપવાની કામગીરી ચાલતી હોઈ દરમિયાન યુજીવીસીએલ દ્રારા વિવિધ ટિમો બનાવી વીજ જોડાણ કાપવાની કામગીરી હાથ ધરાઈ હતી. દરમિયાન વડગામના વેસા ગામમાં ખેતી વિષયક વીજ કનેક્શન ધરાવતા રમાબેન કાળુભાઇ પટેલે વીજ બિલ ન ભરતા તેઓનું વીજ જોડાણ સોમવારે હેલ્પર સહિતની ટીમે કાપી નાખ્યું હતું જોકે વીજ જોડાણ કાપી નાખતા ઉશ્કેરાયેલા ખેડૂત માંઘજીભાઈ દલસંગભાઈ ટાટ (પટેલે) હેલ્પર પ્રવીણભાઈ ડી. પરમારને વિવિધ મોબાઈલ ઉપરથી ફોન કરી કેમ વીજ જોડાણ કાપ્યું છે તેમ કહી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની વારંવાર ધમકી ઓ આપતા હેલ્પર ડરી જઇ ઓફીસમાં આવી સમગ્ર બાબતે જાણકારી આપી મોબાઈલમાં રેકોડીંગ સંભળાવતા આ ગંભીર બાબતે ધમકી આપનાર વીજ ધારક વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોધાવી હોવાનું જણાવ્યું હતું. ફરિયાદને લઈ છાપી પીએસઆઈ એલ. પી.રાણાએ વધુ કાર્યવાહી હાથ ધરી અટકાયત કરવાના ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.