મુકતેશ્વર ડેમમાં માત્ર ૭ ટકા જ પાણી : ચોમાસુ વાવેતર મુરઝાવાના આરેઃ ખેડૂતોની હાલત કફોડી

પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય તેમજ રાજસ્થાન સાથેની આંતરરાજ્ય સરહદને અડીને આવેલ બનાસકાંઠા જિલ્લો વર્ષોથી પાણીની તીવ્ર તંગીનો સામનો કરતો આવ્યો છે. સતત કુદરતી પ્રકોપનો ભોગ બનતા રહેતા બનાસકાંઠા માટે આગામી સમય પણ ખૂબ જ કપરો સાબિત થવાના એંધાણ અત્યારથી જ વર્તાઇ રહ્યા છે. આ વર્ષે પણ મેઘરાજાએ મ્હો ફેરવી લીધું હોય તેમ શ્રાવણ માસ અડધો વીતવા આવ્યો હોવા છતાં પૂરતો વરસાદ થયો ના હોઇ પાણીની તંગી વેઠતા બનાસકાંઠા જિલ્લાની હાલત કફોડી બની ગઈ છે.હાલ જિલ્લાના ત્રણેય મુખ્ય જળાશયોમાં પણ  પાણીનો જથ્થો નહિવત છે. વડગામના મુક્તેશ્વર ડેમમાં પણ પાણી બિલકુલ ઓછું હોઇ જો અપેક્ષા મુજબનો વરસાદના પડે તો આગામી સમયમાં વડગામ તાલુકામાં જળ સંકટ વધુ ગંભીર બને તેવી શક્યતાઓ આકાર પામી રહી છે.બનાસકાંઠાના લોકો ઉનાળા દરમ્યાન પાણીની બુંદ બુંદ માટે તરસતા હોઇ જિલ્લાના લોકોને પાણી મળી રહે તે માટે જિલ્લામાં દાંતીવાડા,સીપુ અને મુક્તેશ્વર એમ ત્રણ મોટા જળાશયો બાંધવામાં આવ્યા છે પરંતુ ગત ચોમાસામાં પણ નહિવત વરસાદ થતા જિલ્લાના આ ત્રણેય જળાશયોમાં પાણીની ખૂબ ઓછી આવક થઈ હતી જેથી આ આ વર્ષે ભરચોમાસે આ ત્રણેય જળાશયોના તળિયા દેખાવા માંડ્‌યા છે. મુક્તેશ્વર ડેમમાં હાલ પાણી બિલકુલ ઓછું હોઇ વડગામ પંથકના અનેક ગામડા તેમજ સિદ્ધપુર તાલુકાના કેટલા ગામો ઉપર જળસંકટ તોળાઈ રહ્યું હોઈ ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે.હાલ ચોમાસુ ચાલતું હોવા છતાં પાણી વગર પાક સુકાઇ રહ્યો હોઇ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.સિંચાઈ ઉપરાંત પીવાના પાણીની તંગી પણ વિકટ બનવાની સ્થિતિ સર્જાતા લોકોની મુશ્કેલી વધી જાય એવી પુરી શકયતા જણાઈ રહી છે. આવી સ્થિતિમાં કોઈ પણ ભોગે પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવવાની માંગણી પણ અત્યારથી જ જોર પકડી રહી છે.  એક બાજુ રાજ્ય સરકાર ખેડૂતોના હામી બનવાની વાતો કરી રહી છે તો બીજુ બનાસકાંઠાના ખેડૂતો અને લોકો માટે આવનાર સમય ખુબજ કઠિન સાબિત થાય તેવી સ્થિતિ નિર્માણ પામી રહી છે. વડગામ અને સિદ્ધપુર તાલુકાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ મનાતા  મુક્તેશ્વર ડેમમાં હાલ ફક્ત ૭ % જેટલું જ પાણી બચ્યું છે. આવી સ્થિતિમાં આગામી સમયમાં પૂરતો વરસાદ ના થાય તો આ પાણી ડિસેમ્બર મહિના સુધી જ ચાલે તેમ હોઈ ત્યાર બાદ વડગામ અને સિદ્ધપુર તાલુકાના લોકોને સિંચાઇના પાણીની વાત તો દુર, પીવાનું પાણી પણ ના મળે તેવી ભીતિ ખુદ  મુક્તેશ્વર ડેમના અધિકારીઓ જ વ્યક્ત કરી રહ્યા છેહાલના તબક્કે વડગામ તાલુકાની સ્થિતિ ખૂબ જ ખરાબ જણાઈ રહી છે અને આગામી સમયમાં પીવાના પાણીની પણ તંગી સર્જાય તેમ છે. આ વિસ્તારમાં દિવસે દિવસે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે ત્યારે વરસાદના અભાવે મુક્તેશ્વર ડેમના પણ તળિયા દેખાવા લાગ્યા હોઈ સ્વાભાવિક રીતે જ ખેડૂતો તેમજ લોકોની ચિંતામાં વધારો થયો છે.ત્યારે રાજ્ય સરકારે પણ આ મામલાને ગંભીરતાથી લેવાની તાતી જરૂર જણાઇ રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.