AMTSમાં પ્રાઇવેટ ઓપરેટરો માટે શેઠની શિખામણ ઝાંપા સુધી રહે છે

અમદાવાદ: શહેરમાં ટ્રાફિક નિયમન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં ૧૯,પ૦૦ જેટલાં દબાણને દૂર કરાઇને ૪૮ હજાર ચોરસ મીટર જગ્યાને ખુલ્લી કરાઇ છે તો જાહેર રોડ પર આડેધડ વાહન પાર્કિંગ કરવાના મામલે ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહીને પગલે લોકોને સ્થળ પર જ મેમો આપીને રૂ.એક કરોડનો દંડ કરાયો છે.

આ સંજોગોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સંસ્થા એવી એએમટીએસની ચાર પૈકી બે બસને આડેધડ પાર્કિંગ મામલે ટ્રાફિક પોલીસે ડિટેઇન કરતાં ખળભળાટ મચ્યો છે. આમાં આશ્ચર્યજનક બાબત એ છે કે ખુદ એએમટીએસના સત્તાવાળાઓએ પ્રાઇવેટ ઓપરેટરોને ખાસ સર્ક્યુલર બહાર પાડીને રોડ પર વ્યવસ્થિત રીતે બસ ઊભી રાખવાની તાકીદ કરવા છતાં સર્ક્યુલરની અવગણના કરાતા શેઠની શિખામણ ઝાંપા સુધી આ કહેવત ચરિતાર્થ થઇ હોવાની ચર્ચા ઊઠી છે.

ટ્રાફિક પોલીસ દ્વારા ગઇ કાલે સાંજે ઠક્કરબાપાનગર પાસેથી માતેશ્વરી ટ્રાવેલ્સની રાણીપથી નિકોલ રિંગ રોડ જતી રૂટ નંબર ૮૮ અને ચાર્ટર્ડ કંપનીની ફિડર નંબર પાંચને આરસીબુક, પીયુસી ન હોવાના કારણે ડીટેઇન કરાઇ હતી. જ્યારે સારંગપુર ઝુલતા મિનારા પાસેથી રૂટ નંબર ૧ર૬ અને રૂટ નંબર ૧ર૭ની આડેધડ પાર્કિંગના મામલે ડિટેઇન કરાઇ હતી. એટલે એએમટીએસના સત્તાવાળાઓ આગામી દિવસોમાં ટ્રાફિક અવરનેસ માટે ડ્રાઇવરોને ટ્રેનિંગ પ્રોગ્રામ આપવા જઇ રહ્યા છે.

જો કે હજુ અઠવાડિયા પહેલાં એએમટીએસના તંત્ર દ્વારા તમામ પ્રાઇવેટ ડ્રાઇવરો માટે ખાસ સર્ક્યુલર બહાર પાડ્યો હતો.આ સર્ક્યુલરમાં પ્રાઇવેટ ઓપરેટરની બસ ડ્રાઇવરે બસ સ્ટેન્ડ પર રોડની સાઇડમાં જ બસ ઊભી રાખવી. કોઇપણ સંજોગોમાં રોડની વચ્ચે કે આગળ પાછળ ઊભી રાખવી નહીં.

તેમજ રૂટ પર જ્યાં પણ બીઆરટીએસ ક્રોસ રોડ કે જંકશન આવતાં હોય ત્યાં અવશ્યપણે બસ ધીમી અથવા ઊભી કરી ટ્રાફિક સિગ્નલ મુજબ બસ ચલાવવી તેઓ આદેશ અપાયો છે તેમ છતાં સારંગપુર ખાતે આદેશ ન પળાતાં સર્ક્યુલરના લીરેલીરા ઊડ્યા હતા. હવે આજે તંત્ર દ્વારા ચાર બસને છોડાવવા કોર્ટમાં રજૂઆત કરાશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.