અમદાવાદમાં હડતાળના નામે રિક્ષા ચાલકોની દાદાગીરી

અમદાવાદ:ડૉક્ટર અને ટ્રાન્સપોર્ટરોની હડતાલ બાદ હવે રિક્ષાચાલકો પણ સરકાર સામે લડી લેવાના મૂડમાં હોય તેવું લાગે છે કારણે અમદાવાદના રિક્ષાચાલકોએ હડતાલનું એલાન કર્યું છે. રિક્ષાચાલકોની હડતાલના કારણે અમદાવાદના રસ્તાઓ પર એક પણ રિક્ષાઓ જોવા મળતી નથી. રિક્ષાચાલકોની હડતાલના કારણે શહેરના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રિક્ષા એસોસિયેશન દ્વારા કહેવામાં આવ્યું કે ટ્રાફિક પોલીસની વધતી જતી હેરાનગતિ અને રિક્ષા સ્ટેન્ડની કોઈ પણ સુવિધા ન આપવાના કારણે અમારે આ હડતાલ કરવાની ફરજ પડી છે. રિક્ષાચાલકોની હડતાલમાં 2 લાખ જેટલા રિક્ષાચાલકો જોડાશે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે. રિક્ષાચાલકોની હડતાલને કોંગ્રેસ દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો છે. રિક્ષાચાલકોની સાથે અમદાવાદના તમામ લારીગલ્લાવાળા પણ હડતાલ કરશે અને રિક્ષાચાલકોની હડતાલને ટેકો આપશે.

 
રિક્ષા ચાલકોએ પોતાની હડતાલને મજબૂત બનાવવા માટે મુસાફરોને હેરાન કરવાનું શરૂ કર્યું છે. હડતાલ બાદ રિક્ષાચાલકો ગુંડાગીરી પર ઊતરી આવ્યા છે. રિક્ષાચાલકો દ્વારા મુસાફરોને મુસાફરી કરતા અટકાવવા માટે AMTSની બસો પર હુમલા કરવાનું શરૂ કર્યું છે. હિંસક બનેલા રિક્ષાચાલકો દ્વારા અમદાવાદના હોળી ચકલા પાસે AMTSની 7 બસોના કાચ તોડવામાં આવ્યા. તો બીજી બાજુ અમદાવાદના ચાદોંડિયા અને ગોમતીપુરમાં એક-એક બસના કાચ તોડ્યા હતા.
 
દાદાગીરી પર ઊતરી આવેલા રિક્ષાચાલકો દ્વારા મુસાફરોને AMTSની બસમાં મુસાફરી કરતા અટકાવવા માટે રિક્ષાચાલકો પથ્થરો અને પાઇપ જેવા હથિયારો લઈને બસ સ્ટેન્ડ પર પહોંચીને મુસાફરોને ધમકાવ્યા હતા. રિક્ષાની હડતાલના નામે રિક્ષાચાલકો કાયદાની ઐસીતૈસી કરી રહ્યા છે અને આખા શહેરને બાનમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે રિક્ષાચાલકો બંધમાં નથી જોડાયા તેમની સાથે પણ જોર જબરદસ્તી કરીને તેમને હડતાલમાં જોડી રહ્યા છે. રિક્ષાચાલકોએ 2 લાખ રિક્ષા સામે 2 હજાર રિક્ષા સ્ટેન્ડ સાથે ટ્રાફિક પોલીસની હેરાનગતિથી મુક્તિ આપવાની માગ સરકાર સામે કરી રહ્યા છે અને જો આ રિક્ષાચાલકોની માગ સરકાર દ્વારા પૂરી કરવામાં નહિ આવે તો આગામી હડતાલને ઉગ્ર બનાવવાની ચિમકી પણ રિક્ષાચાલકોએ ઉચ્ચારી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.