ખેડૂતોને આઠ કલાકના બદલે ૧૦ કલાક વિજળી

 ખેડૂતોને આઠ કલાકના બદલે ૧૦ કલાક વિજળી
 
 
 
        રાજ્યના ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વની સંવેદનશીલ સરકારે વરસાદ ખેંચાતા જ ખેડૂતોના વિશાળ હિતને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે પ્રતિદિન આઠ કલાકને બદલે દસ કલાક વીજળી આપવાનો ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે. ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું કે, વરસાદ ખેંચાતા ખેતરના ઊભા પાકને પાણી આપવાની જરૂરીયાત ઊભી થતાં રાજ્ય સરકારે ખેડૂતોના વિશાળ હિતને ધ્યાને લઈને પ્રતિદિન આઠ કલાકને બદલે દસ કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. જેનાથી રાજ્યભરના ૭૩૦૮ કૃષિ ફીડરોના ૧૫ લાખ જેટલા ખેડૂતોને તાત્કાલિક ધોરણે લાભ મળશે. મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આ નિર્ણયથી ઉત્તર ગુજરાતના ૨૮૬૩ ફીડરો, પશ્ચિમ ગુજરાતના ૩૪૭૧ ફીડરો, મધ્ય ગુજરાતના ૬૧૮ અને દક્ષિણ ગુજરાતના ૩૫૬ ફીડરો મળી રાજ્યભરના કુલ ૭૩૦૮ કૃષિલક્ષી ફીડરોના અંદાજે ૧૫ લાખ ખેડૂતોને આ લાભ મળશે. રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે રાજ્ય સરકાર ઉપર પ્રતિ માસ ૨૦૦ થી ૨૫૦ કરોડનું આર્થિક ભારણ આવશે તેમ જણાવતાં ઊર્જા મંત્રીએ કૃષિ ક્ષેત્રે વીજ વપરાશની વિગતો આપતા જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં પ્રતિદિન ૬.૮ કરોડ યુનીટ વીજળી કૃષિ ક્ષેત્રે આપવામાં આવે છે. રાજ્યમાં આઠ કલાકને બદલે વધારાના બે કલાક એટલે કે દસ કલાક વીજ પુરવઠો આપવાના રાજ્ય સરકારના નિર્ણયથી વધારાના ૧.૨ કરોડ યુનિટ વીજળી વપરાશે. આમ કૃષિ ક્ષેત્રે દૈનિક આઠ કરોડ યુનિટ વીજળી આપવામાં આવશે. જે અત્યાર સુધીમાં રાજ્યમાં કૃષિ ક્ષેત્રે અપાતો સૌથી વધુ વીજ પુરવઠો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.