વાવના રાધાનેસડામાં ગૌચર કૌભાંડ આચરાયું હોવાની રાવ

પાલનપુર : વાવ તાલુકાના રાધાનેસડા ગામે ગૌચરની જમીનનો મૂળ સર્વે નંબર બદલી ને સરકારી જમીન નું ખાનગી કંપનીને પધરાવી દેવાના કૌભાંડની આશંકાએ વાવના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ખેડૂતો દ્રારા પાલનપુર ખાતે જિલ્લા કલેકટર ની કચેરીએ આવેદનપત્ર પાઠવી ન્યાયની ગુહાર લગાવી હતી. જેમાં ન્યાય નહીં મળે તો વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
વાવ તાલુકાના રાધાનેસડા ગામે ગૌચરની જમીનમાં ડમી અરજદારની અરજીને આધારે રેવન્યુ અધિકારીઓ દ્રારા અબોલ પશુઓના મોઢે થી કોળિયો છીનવી લેવા ગૌચર કૌભાંડ આચરાયું હોવાની આશંકા વર્તાઈ રહી છે. રાધાનેસડા ગામે ગૌચરની જમીનમાં આજુબાજુના ગામોના પશુઓનો નિભાવ થઈ રહી છે જેમાં તાજેતરમાં એક ડમી અરજદારની અરજીમાં જૂના સર્વે નંબરની આકૃતિ સ્થળ અને નક્શામાં ફેરફાર થયેલો છે. જોકે ખેડૂતોનો આક્ષેપ છે કે જે ગૌચરની જમીન છે તેની સ્થળ સ્થિતિ અને જમીન માપણીની  સીટ અને જમીન નોંધણીને રેવન્યુ અધિકારીઓ દ્રારા  બદલી નાખવામાં આવ્યા છે. આ ગૌચરની જમીન માટે જેના નામે અરજી કરાઇ છે તેવો કોઈ અરજદાર જ ગામ માં હયાત જ નથી અને ડમી અરજદાર ની અરજીના આધારે તંત્ર દ્રારા ગૌચર ની જમીન ને સોલાર પ્લાન્ટમાં પધરાવી દેવાનો કારસો રચાઈ રહ્યો હોય આ જમીનને ગાયોના નિભાવ માટે બચાવી લેવા માટે વાવના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ખેડૂતો દ્રારા લડત શરૂ કરવામાં આવી છે.
પાલનપુર ખાતે જિલ્લા કલેકટરની કચેરીએ ગ્રામજનો અને વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્રારા નિવાસી કલેકટર બામણીયાને આવેદનપત્ર પાઠવવા માં આવ્યું હતું અને ગૌચર હડપ કરવા મામલાની તટસ્થ તપાસ કરવાની ઉગ્ર માંગ કરી હતી. તેમજ ગાયો માટે  આશીર્વાદ સમાન ગૌચરની જમીનનું  સોલાર ને બરોબારીયું કરતું અટકાવવાની માંગ કરી હતી. અને આ જમીનનું બરોબારીયું અટકાવવા માં નહીં આવે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન છેડવા અને વિધાનસભાનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારવા માં આવી હતી.
જોકે રાધાનેસડામાં ગૌચરની જમીન  હડપ કરવાના કારસામાં રેવન્યુ અધિકારીઓની મિલી ભગતથી કૌભાંડ આચરાયું હોવાના ખેડૂતોએ આક્ષેપ લગાવ્યા હતા ત્યારે સોલાર પ્લાન્ટને ગૌચરની જમીન પધરાવવા ને લઈ ખેડૂતો માં તેનો ઉગ્ર વિરોધ ઉઠ્‌યો છે ત્યારે આ જમીન કૌભાંડમાં પશુધન રખડી પડશે એવી આશંકા વ્યક્ત કરાઇ રહી છે. અને ડમી અરજદારની અરજીને આધારે ગૌચરની જમીનને સોલાર પ્લાન્ટના આપી દેવાની વાતને લઈ અધિકારીઓ પર શંકાની સોય તકાઈ રહી છે. ત્યારે જિલ્લા કલેકટર દ્રારા આ મામલે તટસ્થ તપાસ કરવા માં આવે તેવી ગામલોકો માં પ્રબળ માંગ ઉઠી છે.
જોકે બનાસકાંઠામાં ગૌચર હડપ કરી દેવાની ઘટના કોઈ નવાઇની વાત નથી અગાઉ પણ પાલનપુર તાલુકાના મલાણા ગામે એક રાજકીય વ્યક્તિના ખાનગી રિસોર્ટમાં ગૌચર માં બારોબાર રસ્તો આપી દેવાતા વિવાદ સર્જાયો હતો. મોરિયા ખાતે મેડિકલ કોલેજ માટે ગૌચરની જમીન ફાળવાઈ છે. ત્યારે બનાસકાંઠામાં અનેક જગ્યાએ જમીન માફિયા ઓ દ્રારા ગૌચર હડપ  કરી લેવાય છે. પરંતુ વાવ તાલુકાના રાધાનેસડા ગામેં ગૌચર નું બરોબારીયું કરી દેવાની આશંકા વર્તાઈ રહી છે ત્યારે ધારાસભ્ય સહિત ખેડૂતોએ પણ તપાસની માગણી કરી છે અને જો આગામી સમયમાં આ ગૌચર ગ્રામ પંચાયતને સોંપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.