અછવાડિયામા ખેડૂતને જડેલું ૧૫ તોલા સોનું મૂળ માલિકને પરત કર્યું

લાખણી : ૧૫ તોલા સોનાના દાગીના ખોવાયાનો વોટ્સએપ મેસેજ મળતા મૂળ માલિક શોધ્યો.  લાખણી તાલુકાના અછવાડિયા ગામે ખેતર આગળના રેતાળ રસ્તામાંથી ખેડૂતને ૧૫ તોલા સોનાના દાગીનાના અલગ અલગ બોક્ષ મળી આવ્યા હતા. પરંતુ આ સોનાના દાગીનાનો માલિક કોણ છે તે ખાત્રી કરવા માટે થોડો સમય રાહ જોવાનું વિચાર્યું હતું. ત્યારબાદ ૧૫ તોલા સોનું ખોવાયાનો સોશિયલ મીડિયામાં વોટ્સએપ દ્વારા મેસેજ વાયરલ થયો હતો. જે મેસેજ આધારે સોનાનો માલિક ગામનો જ હોવાની જાણ થઇ હતી. જેથી ખેડૂત સોનાના દાગીનાના મૂળ માલિકને ઘરે બોલાવી સોનાના દાગીના પરત કરતા ખેડૂતની પ્રમાણિકતા ઉપર સમગ્ર પંથકના લોકો ઓવારી ગયા હતા.
 
           લાખણી તાલુકાના અછવાડીયા ગામના ઉકાજી ભાણાજી રાજપૂતની પુત્રવધુ પોતાના પિયર થરાદ તાલુકાના જેતડા ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા બાઇક ઉપર જતા હતા. ત્યારે અછવાડિયા થી કુવાણા ગામના કાચા રસ્તેથી પસાર થતા તેમની જાણ બહાર થેલીમાંથી અંદાજે ૧૫ તોલા સોનાના દાગીનાના અલગ અલગ બોક્સ પડી ગયા હતા. જે પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ દેવજીભાઇ રાજપૂતના પિતા રાણાજી કલ્યાણજી રાજપૂત (ભુવાજી) ને મળી આવ્યા હતા અને સોનાના દાગીના જોઈને લલચાયા વગર મનોમન આ દાગીના મૂળ માલિકને પરત કરવાનું નક્કી કર્યું હતું. તેમજ આ દાગીના તેમના ઘરે મૂકી દીધા હતા. તેમજ મૂળ માલિકની રાહ જોવાનું ઉચિત સમજ્યું હતું. આ દરમિયાન તેઓએ વોટ્સએપ મેસેજમાં "અમારા સોનાના દાગીના ખોવાયેલ છે" નો મેસેજ ફરતો હોવાની જાણ થતાં જ તેઓએ મૂળ માલિકનો પત્તો મેળવી તેની ખરાઈ કરી. પોતાના ઘરે બોલાવી માતાજીના મંદિર આગળ બેસાડી ઉકાજી ભાણાજી રાજપૂતને તેમના તમામ ૧૫ તોલા સોનાના દાગીના પરત કર્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.