બનાસકાંઠા બેઠક પર આખરે કોંગ્રેસમાંથી પરથી ભટોળ લડશે ચૂંટણી

 
લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ગુજરાતની વધુ કેટલીક બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં બનાસકાંઠા બેઠક પર અપેક્ષીત રીતે જ બનાસ ડેરીના પુર્વ ચેરમેન પરથીભાઈ ભટોળને મેદાનમાં ઉતારવાની સત્તાવાર જાહેરાત કરી દેવાઈ છે. એક બાજુ ગુજરાતમાં લોકસભા બેઠકના મોટાભાગના ઉમેદવારોના નામો જાહેર કરી ભાજપ તેની નિર્ધારિત ચૂંટણી વ્યૂહરચના મુજબ આગળ વધી રહ્યું છે અને રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત લોકસભાની બાકીની બેઠકો માટેના ઉમેદવારોના નામોની ઝડપથી જાહેરાત થાય તે માટેની કવાયત હાથ ધરી હતી. આજે મોડી સાંજે દિલ્હીમાં કોંગ્રેસ હાઇકમાન્ડના નેજા હેઠળ કોંગ્રેસના રાષ્ટ્રીય દિગ્ગજ નેતાઓની બેઠકમાં લોકસભા ચૂંટણીને લઇ કોંગ્રેસના વધુ કેટલાક ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતની લોકસભા બેઠકો માટે કોંગ્રેસ તરફથી વધુ ચાર ઉમેદવારોના નામો જાહેર કરાયા હતા. જેમાં અમરેલીથી પરેશ ધાનાણી, ગાંધીનગરથી સી.જે. ચાવડા, જામનગરથી મૂળુ કંડોરિયા અને સુરેન્દ્રનગરથી સોમાભાઇ પટેલના નામો જાહેર કરવામાં આવ્યા છે. હવે બાકીના આઠ ઉમેદવારોના નામ એકાદ-બે દિવસમાં જાહેર કરાય તેવી શકયતા છે. ગાંધીનગર બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહની સામે કોંગ્રેસ દ્વારા પહેલેથી અપેક્ષા મુજબ, અનુભવી સી.જે.ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. તો, અમરેલીથી વિપક્ષના નેતા એવા કોંગ્રેસના યુવા નેતા પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. બીજીબાજુ, કોંગ્રેસના રાષ્ટ્રીય અને દિગ્ગજ નેતા એહમદ પટેલના નામને લઇ આજે પણ સસ્પેન્સ યથાવત્‌ રહ્યું હતું, ભરૂચ બેઠક પરથી તેમના નામની જાહેરાત આવતીકાલે થાય તેવું મનાઇ રહ્યું છે. આ અગાઉ કોંગ્રેસ દ્વારા પાટણથી જગદીશ ઠાકોર, જૂનાગઢ પૂજા વંશ, રાજકોટથી કગથરા, પોરબંદર લલિત વસોયા, બારડોલી તુષાર ચૌધરી, પંચમહાલ ખાંટ અને વલસાડથી જીતુ ચૌધરી એમ સાત ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી. તે પહેલાં કોંગ્રેસ દ્વારા આણંદથી ભરતસિંહ સોલંકી સહિતના ચારથી પાંચ ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.