ડીસાના યુવાને છ રાજ્યોના ૧૭ લાખ રક્તદાતાઓનું ગ્રૂપ તૈયાર કર્યું

કોઈપણ આકસ્મિક ઘટના વખતે જરૂરિયાત મુજબ રક્તનો પુરવઠો ઉપલબ્ધ ના થાય અને કોઈનો જીવનદીપ ઓલવાઈ જાય ત્યારે મૃતકના સ્વજનો વર્ષો સુધી મૃતકનો જીવ બચાવી ના શકવાનો અફસોસ વ્યક્ત કરતા રહે છે. જો કે આવી જ એક ઘટનાથી હચમચી ઉઠેલા ડીસાના યુવાને સોશિયલ મીડિયાના માધ્યમથી છ રાજ્યોમાં રક્તદાતાઓનું મસમોટું ગ્રૂપ રચી ૧૭ લાખ રક્તદાતાઓની મસમોટી ફૌજ ઉભી કરી દીધી છે અને આ યુવાન હવે કોઈની જિંદગી બચાવવા માટે છ રાજ્યોમાં જરૂરિયાતમંદ લોકોને પળવારમાં જ રક્તનો પૂરવઠો ઉપલબ્ધ બનાવી સ્વર્ગીય પિતાને સાર્થક શ્રદ્ધાંજલિ અર્પી રહ્યો છે.
આ વાત છે મૂળ ડીસા તાલુકાના ભીલડી ગામના વતની અને હાલ ડીસા ખાતે વિરેનપાર્ક સોસાયટીમાં રહેતા ભુપેન્દ્ર નાનાલાલ દવેના સફળ રચનાત્મક અભિયાનની. ભુપેન્દ્ર દવેના પિતા નાનાલાલ દવે એસ.ટી.નિગમમાં બસ ડ્રાયવર તરીકે ફરજ બજાવતા હતા. જોકે તેમને હૃદયમાં કાણું હોઈ લોહી બહાર નિકળી જતું હતું અને વારંવાર તેમને લોહીના જથ્થાની જરૂર પડતી હતી. જોકે ડીસેમ્બર, ૧૯૯૬ માં રક્તના અભાવે નાનાલાલ દવેનું મોત નિપજતા આખો પરિવાર હચમચી ઉઠ્‌યો હતો. આ ઘટનાએ સ્વર્ગીય નાનાલાલ દવેના જ્યેષ્ઠ પુત્ર ભુપેન્દ્ર દવેના દિલોદિમાગ પર પણ મોટી અસર ઉપજાવી હતી.જેના પગલે પિતાનું કારજ પૂર્ણ થયા બાદ તુરંત જ લોહીના અભાવે કોઈની જિંદગી ના ઝુંટવાય તે હેતુથી ભુપેન્દ્ર દવેએ રક્તદાતાઓની ફૌજ તૈયાર કરવાનું રચનાત્મક કાર્ય હાથ ધર્યું હતું. શરૂઆતમાં પ્રચાર પ્રસારના અભાવે આ અભિયાનને જોઈએ તેવી ગતિ મળી નહોતી.પરંતુ બાદમાં વરસાઈના પગલે એસ.ટી.ની ફરજમાં જોડાયેલા ભુપેન્દ્ર દવેએ મિત્રવર્તુળમાં રક્તદાતાઓ તૈયાર કર્યા બાદ સોશિયલ મીડિયાનું આગમન થતા તેમણે ફેસબુક, વોટ્‌સએપ અને ટિ્‌વટર જેવી સોશિયલ સાઈટો પર આ રચનાત્મક અભિયાનનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરતાં હાલની સ્થિતિએ ભુપેન્દ્ર દવેએ માત્ર ગુજરાત જ નહીં, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, દિલ્હી અને મહારાષ્ટ્ર જેવા છ રાજ્યોમાં ૧૭ લાખથી વધુ રક્તદાતાઓની ટીમ તૈયાર કરી દીધી છે. આ તમામ છ રાજ્યોના રક્તદાતાઓના સંપર્ક નંબર સહિતની વિગતો ભુપેન્દ્ર દવે પાસે ઉપલબ્ધ હોઇ ગુજરાત સહિત છ રાજ્યોમાં તેઓ જરૂરિયાતમંદ લોકોને ગણતરીના સમયમાં જ લોહીનો જથ્થો ઉપલબ્ધ કરાવી દઇ કોઈની જિંદગી બચાવવાનું સરાહનીય કામ કરી રહ્યા છે.
    રક્તદાતાઓનું મસમોટું ગ્રૂપ ક્રિએટ કરી ચૂકેલા ભુપેન્દ્ર દવે હાલ એસ.ટી.નિગમની પાલનપુર ખાતેની વિભાગીય કચેરીની ઇ.ડી.પી.શાખામાં ફરજ બજાવે છે અને તેમના આ રચનાત્મક અભિયાનથી આકસ્મિક કેસોમાં એસ.ટી.ના કર્મચારીઓનો જીવ બચાવવામાં પણ મદદ મળી હોઈ એસ.ટી.નિગમે પણ ભુપેન્દ્ર દવેની આવી અદભુત સમાજસેવાની નોંધ લઈ તેમનું સન્માન કર્યું છે અને એસ.ટી.નિગમના મુખ્ય કામદાર અધિકારીએ લોહીની જરૂરિયાતના કેસમાં વિનાવિલંબે ભુપેન્દ્ર દવેનો સંપર્ક કરવા દરેક એસ.ટી.ડેપો તેમજ નિગમની અન્ય કચેરીઓમાં પણ લેખિત જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.
    આ રચનાત્મક અભિયાનની સફળતા પર પ્રકાશ પાડતા ભુપેન્દ્ર દવેએ જણાવ્યું હતું કે હાલ એકલા ગુજરાતમાંથી જ દરરોજ સરેરાશ ૧૫ થી ૨૦ બોટલ રક્તની માંગ તેમની પાસે આવે છે અને જરૂરિયાત મુજબ લોહીનો જથ્થો દર્દીઓ સુધી પહોંચતો પણ કરી દેવાય છે.રક્તના અભાવે પિતાની છત્રછાયા ગુમાવ્યાના અફસોસ કરતાં હવે રક્તદાન થકી કોઈનો જીવ બચાવી શકવાનો આનંદ ખૂબ અદભુત છે તેવો સ્વીકાર પણ ભુપેન્દ્ર દવેએ કર્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.