ગાડીનો શોખ પૂરો કરવા યુવકે મિત્રો સાથે મળી અપહરણનો કારસો રચ્યો

પાલનપુર : પાલનપુર શહેરમાં એક યુવકના અપહરણ કેસમાં ખુદ યુવકે જ ગાડીનો શોખ પૂરો કરવા પોતાના અપહરણનું તરક્ટ રચ્યું હોવાનો પર્દાફાશ થયો છે. ત્યારે પાલનપુર શહેર પૂર્વ પોલીસે પરીવાર પાસેથી પૈસા પડાવવા માટે મિત્રની મદદથી અપહરણ બાદ ખંડણી માંગવાનું નાટક રચનાર બંને યુવકોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર શહેરના જહાનારાબાગ નજીક આવેલ સમર્પણ સોસાયટીમાં પોતાના બનેવી મહાદેવભાઇ વજાભાઈ ચૌધરીના ત્યાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતો ડીસા તાલુકાના ટેટોડા ગામના રમેશભાઈ રણછોડ ભાઇ ચૌધરીનુ ગુરુવારે અજાણ્યા શખ્સો દ્વારા જહાંનારા બાગ નજીકથી અપહરણ કરવામાં આવ્યું હતું. બાદમાં મલોસણા ગામના રાહુલ બોકા નામના યુવક દ્રારા અપહુર્ત યુવક રમેશના બનેવી મહાદેવભાઈ ચૌધરીના મોબાઈલ ઉપર તેમનો સાળો રમેશ તેમના કબજામાં છે. અને તેને છોડાવવા માટે રૂ.૩ લાખની ખંડણી માંગવામાં આવી હતી. જેને લઈ સાળાના અપહરણ બાદ ખંડણી માંગવાને લઈ ગભરાઈ ઉઠેલા મહાદેવભાઇએ ફોન ઉપર ખંડણી માગનાર રાહુલ બોકા તેમજ અજાણ્યા ત્રણ શખ્સો વિરુદ્ધ પાલનપુર પૂર્વ પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની ગંભીરતાને લઈને પશ્ચિમ પોલીસ મથકના પી.આઇ એમ.ડી પંચાલે બનાવ ની સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં લોકેશનના આધારે અપહર્ત યુવક રમેશ અને અપહરણ કરનાર રાહુલ બોકાને પાલનપુરમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા અને બંનેની સઘન પૂછતાછ હાથ ધરવામાં આવી હતી. જેમાં બંને યુવકો પોલીસ સમક્ષ ભાંગી પડ્‌યા હતા. જેમાં નવી ગાડી ખરીદવા માટે મિત્ર સાથે મળી ને અપહરણ નું નાટક રચ્યું હોવાની કબૂલાત કરી હતી. રમેશ અને રાહુલ બંને મિત્રો હતા અને તેઓ તાજેતરમાં દારૂ ભરેલી બોલેરો લઈ ને જતા હતા ત્યારે પોલીસ ને દેખીને ગાડી મૂકી ને નાશી છૂટ્યા હતા અને દારૂ ભરેલી બોલેરો ખેરાલુ પોલીસે ઝડપી પાડી હતી જેને લઈ નવી ગાડી ખરીદવા માટે બન્ને મિત્રોએ અપહરણ અને ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે, ગાડીનો શોખ પૂરો કરવા માટે અને પરીવાર પાસેથી પૈસા પડાવવા માટે અપહરણ નું નાટક રચનાર બંને મિત્રોની પોલીસ દ્રારા અટકાયત કરવામાં આવી છે.  તેઓ અગાઉ કોઈ અન્ય ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.