ઉત્તર ગુજરાતની જીવાદોરી ધરોઇ ડેમ બે વર્ષે છલકાયો,બે કેનાલમાં ૬૫૦ ક્યુસેક પાણી છોડાયું

મહેસાણા : મહેસાણા ઉપરવાસમાં થયેલા સારા વરસાદને લઇ ધરોઇ ડેમમાં બુધવારે સાંજે પાણીની સપાટી ૬૨૦.૭૮ ફૂટે પહોંચી હતી. ડેમ ૯૫.૧૭ ટકા પાણી ભરાતાં વહીવટી તંત્ર દ્વારા પાણીના જથ્થાના નિયંત્રણ માટે આ સિઝનમાં પહેલીવાર જમણા અને ડાબા કાંઠાની કેનાલમાં ૬૫૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ડેમ બે વર્ષમાં પહેલીવાર છલોછલ ભરાતાં આ વર્ષે પીવા તેમજ સિંચાઇ માટે પાણીની સમસ્યા ટળી ગઇ છે. ધરોઇ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, ડેમમાં સાંજે ૬ વાગ્યે ઉપરવાસથી ૩૦૭૦ ક્યુસેક પાણીની આવક ચાલુ છે. બીજી તરફ અગાઉથી જ ખેરાલુના પ્રાંત અધિકારી દ્વારા નદીકાંઠાના ૧૯ ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે. ધરોઇ ડેમમાં ભયજનક મહત્તમ ૬૨૧ ફૂટની સપાટી સુધી પાણી ભરવાની સરકારની સૂચના હોઇ ડેમમાં બુધવારે સાંજે ૬ વાગે ૬૨૦.૭૮ ફૂટ સુધી પાણી આવતાં અડધો કલાક બાદ બંને કેનાલોમાં પાણી છોડવાનું શરૂ કરાયું હતું. ઉપરવાસમાંથી ડેમમાં ૩૦૭૦ ક્યુસેક પાણીની આવક ચાલુ રહેતાં ૯૫.૧૭ ટકા ડેમ ભરાયો છે. આ ચોમાસુ સિઝનમાં પહેલીવાર ધરોઇ ડેમમાંથી જમણા કાંઠા કેનાલમાં ૫૦૦ ક્યુસેક અને ડાબાકાંઠા કેનાલમાં ૧૫૦ ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. ખેરાલુ પ્રાંત અધિકારી દિપ્તીબેન પ્રજાપતિએ કહ્યું કે, ધરોઇ ડેમમાં રૂટલેવલ સુધી પાણી  આવતાં અગાઉથી જ નદીકાંઠાના સતલાસણા, ખેરાલુ અને વડનગર તાલુકાના ૧૯ જેટલા ગામોને એલર્ટ કરવા મામલતદાર મારફતે તલાટી અને સરપંચોને સૂચના અપાઇ છે. પશુઓ લઇને નદીના પટમાં નહી જવા સૂચના અપાયેલી છે.  જોકે, હાલ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો આવ્યો હોઇ લેવલ એકંદરે જળવાયેલું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.