તેઓ તો પરિવારોને જોડવાનું કામ કરે છે. વૃદ્ધાશ્રમની આ કોલેજ સમાજમાં જ્ઞાન વહેંચે છે.

વૃદ્ધાવસ્થા સરસ રીતે કેમ વિતાવવી એ વૃદ્ધોને શીખવતી મનમંદિર કોલેજ શહેરની વચ્ચે કતારગામમાં આવેલી છે પરંતુ તેમાં પ્રવેશો એટલે લાગે કે જાણે કોઇ ગામમાં આવી ગયા હોય. ગામમાં વૃદ્ધો જેમ ભેગા થઇને બેઠક કરતા હોય છે તે રીતે જ અહીં જોવા મળે છે. જોકે, અહીં તેમની સંખ્યા 200થી 300 જેટલી હોય છે. પહેલી નજરે કોઇને લાગે કે આ વૃદ્ધાશ્રમ છે પરંતુ ના આ વૃદ્ધાશ્રમ નથી આ વૃદ્ધોની કોલેજ છે. અહીં આવતા વૃદ્ધો તેમના પરિવારથી વિખૂટા પડતા નથી. તેઓ તો પરિવારોને જોડવાનું કામ કરે છે. વૃદ્ધાશ્રમની આ કોલેજ સમાજમાં જ્ઞાન વહેંચે છે. 
 
કતારગામ હાથીવાળા મંદિર સામે મન મંદિર 30 વર્ષથી દોઢ વીઘાં જગ્યામાં દાસભાઇ ચોગઠવાળા સ્વખર્ચે ચલાવે છે. ઘર-પરિવારોમાં થતી વડીલોની અવગણનાને ધ્યાને લઇને દાસભાઇએ પોતાના માતા-પિતાના નામથી મણીબેન કાનજીભાઇ ખડેલા સાર્વજનિક ટ્રસ્ટ બનાવી એક અનોખો સેવા યજ્ઞ શરૂ કર્યો છે. વડિલોએ પોતાનું બચપન યુવાની જે માહોલમાં વિતાવી હોય તેવો અસલ ગામઠી માહોલ તૈયાર કરાયો છે. અહીં હીંચકા, ઓટલા, ચોરા, ટોડલિયા, બળદગાડા, ખાટલા, વલોણું, ઘંટી, ફળિયું, ઓસરી, ઓરડા વગેરે આબેહૂબ તૈયાર કરાયા છે. 
 
વડીલોની કોલેજ શા માટે તે વાતની સ્પષ્ટતા કરતા દાસભાઇએ કહ્યું હતું કે, દરેક ઘરમાં વડીલોની તો જરૂર હોય જ છે. પરંતુ આજકાલ જુની પેઢી અને નવી પેઢીની વિચારધારા અલગ પડતી હોવાથી વૈમનસ્ય ઊભું થાય છે. ઘરડાઘરો વધે ત્યારે આજથી 30 વર્ષ પહેલા એવો વિચાર આવ્યો કે બે પેઢી વચ્ચે સેતુ બને તેવી કોઇ વ્યવસ્થા કરવી. આમ ઘરમાં વડીલોનું સ્વમાન જળવાય રહે તેઓ નવી પેઢીની કાર્ય શૈલીમાં દખલગીરી કરે નહીં તે અહીં શીખવાય છે. મન મંદિરમાં કોઇ માલિક નથી. હું અને મારા પરિવારના વડીલો પણ બધાની જેમ જ રહીએ છીએ.
 
વડીલો અહીં સવારના સાતથી બપોરના 12 સુધી આવીને બેસે, હરેફરે, હીંચકે વગેરે પ્રવૃત્તિ કરે. ત્યાર પછી બપોરે પોતાના ઘેર જતું રહેવાનું. પરિવાર સાથે બેસીને જમે પછી પાછા આવે. ત્યારબાદ બપોરે ત્રણ વાગ્યા થી પાંચ સુધી એક વડીલ કથા વાંચે બધા સાંભળે. કથા પછી કોઇ કીર્તન- ભજન ગાય, સામૂહિક રીતે પ્રાર્થના અને પ્રતિજ્ઞા બાદ દરરોજ વડીલો ચા-નાસ્તો કરીને છુટા પડે. સાંજે સાત વાગ્યા પછીનો સમય પોતાના પરિવાર સાથે વિતાવવાનો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.