બે અમદાવાદી બેન્કના નામે ફોન કરતી ટોળકીની જાળમાં ફસાયા

અમદાવાદ: ક્રે‌ડિટકાર્ડની ‌લિમિટ વધારાવી છે, ક્રે‌ડિટકાર્ડને અપગ્રેડ કરવું છે, કાર્ડ બ્લોક થઇ જશે જેવી અનેક વાતો કરીને ક્રે‌ડિટકાર્ડધારકો પાસેથી ઓટીપી નંબર લઇને હજારો રૂપિયાનું ચી‌ટિંગ કરતી પરપ્રાંતીય ટોળકી સક્રિય થઇ છે.

 

શહેરના ઘોડાસર અને નરોડા વિસ્તારમાં રહેતી બે વ્યકિતએ ક્રે‌ડિટનો ઓટીપી નંબર આપી દેતાં ચી‌ટિંગનો ભોગ બન્યા છે. ક્રે‌ડિટકાર્ડ અપગ્રેડ અને ક્રે‌િડટકાર્ડ બંધ કરવાનું કહીને ચીટર ટોળકીઓએ ૪૭ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી લીધા છે.

 

ઘોડાસર વિસ્તારમાં આવેલ પવિત્રનગરમાં રહેતા અને ગાંધીનગર સચિવાલયમાં સિનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા પ્રજ્ઞેશ શાહે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ચી‌િટંગની ફરિયાદ કરી છે.

 

તારીખ ર૦ માર્ચ, ર૦૧૮ના રોજ પ્રજ્ઞેશભાઇ ઘરે હાજર હતા ત્યારે તેમના મોબાઇલ ફોન પર એક ફોન આવ્યો હતો કે મેં એસબીઆઇ ક્રે‌ડિટ કાર્ડ મેં સે બોલ રહા હૂં આપકા ક્રે‌ડિટ કાર્ડ અપગ્રેડ કરના હૈ.. ફોન કરનારે ક્રે‌ડિટકાર્ડના મેનેજર તરીકે ઓળખાણ આપીને પ્રજ્ઞેશભાઇના ક્રે‌િડટકાર્ડનાે નંબર અને ઓટીપી નંબર માગ્યો હતો.

 

પ્રજ્ઞેશભાઇએ વિશ્વાસ કરીને તેમનો ઓટીપી નંબર આપી દીધો હતો. નંબર આપતાંની સાથેજ ક્રે‌ડિટકાર્ડમાંથી રૂ.૯૯૮૯નું ટ્રાન્જેકશન થયાનો હોવાનો મેસેજ આવ્યો હતો.

 

જાણવા મળ્યું હતું કે ક્રે‌િડટકાર્ડ અપગ્રેડ કરવાના બહાને ફોન કરનાર ચીટરે ર૯ હજારના ત્રણ અલગ અલગ ટ્રાન્ઝેક્શન કર્યાં છે. આ મામલે પ્રજ્ઞેશભાઇએ બેંકમાં અરજી કરી હતી, જોકે રૂપિયા પરત નહીં આવતાં ગઇ કાલે તેમણે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

 

નરોડા વિસ્તારમાં આવેલ શાંતાબહેનની ચાલીમાં રહેતા સૂરજભાઇ મેશ્રામે પણ નરોડા પોલીસ સ્ટેશનમાં ચી‌ટિંગની ફરિયાદ કરી છે. મે મહિનામાં સૂરજભાઇએ એસબીઆઇનું ક્રે‌ડિટકાર્ડ બંધ કરવા માટેની અરજી બેંકમાં આપી હતી. બે દિવસ બાદ સૂરજભાઇ પર દિલ્હીથી રાહુલ શર્મા બોલું છું તમારું ક્રે‌ડિટકાર્ડ બંધ કરાવવા માટેની વાત કરી હતી.

 

સૂરજભાઇ ફોન કરનાર રાહુલ નામની વ્યકિત સાથે વાત કરી નહીં અને ફોન કટ કરી દીધો હતો. સૂરજભાઇ પર ફરીથી ફોન આવ્યો હતો અને તેમના ઘરમાં કોણ કોણ છે તેની તમામ વિગતો રાહુલે આપી હતી. સૂરજભાઇએ તેમની વાત પર વિશ્વાસ કરતાં રાહુલે ક્રે‌ડિટકાર્ડ બંધ કરાવવા માટે કાર્ડનંબર અને ઓટીપી નંબર માગ્યો હતો.

 

ઓટીપી નંબર મળી જતાં રાહુલે ૧૮ હજાર રૂપિયાનું ટ્રાન્ઝેકશ્ન કર્યું હતું. નરોડા પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.