થરાદના ચારડા કેનાલ બન્યાને વર્ષો વીતી ગયા છતાં પાણી ના મળતાં ખેડૂતોમાં રોષ

થરાદ : થરાદ તાલુકાના ચારડા ગામે નર્મદા યોજનાની માઈનોર કેનાલ બની ત્યારથી કેનાલમાં પાણી છોડાયું નથી જેથી ખેડૂતોએ હવે આ કેનાલમાં પાણી ના છોડાય તો થરાદ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. સરકાર સરહદી વિસ્તારમાં તમામ જગ્યાએ કેનાલ મારફત પાણી પૂરું પહોંચતું હોવાનો દાવો કરે છે પરંતુ થરાદ તાલુકાના ચારડા ગામની માઇનોર કેનાલમાં આજ સુધી પાણી જોવા મળ્યું નથી. જેથી સરકારના આ દાવા ખોટા સાબિત થઈ રહ્યા છે. થરાદ તાલુકાના ચારડાથી પસાર થતી માઈનોર કેનાલ  બની ત્યારથી આ કેનાલમાં પાણી છોડાયું નથી. આ મામલે સ્થાનિક ખેડૂતોએ વારંવાર રજુઆત કરી હોવા છતાં તંત્રએ આજ દિન સુધી પાણી છોડવાની કોઈ કાર્યવાહી કરી ન હોઈ છેવટે  ખેડૂતોએ મીડિયાનો સહારો લીધો હતો. ખેડૂતોને પાણી મળી રહે તે માટે સરકારે કેનાલો બનાવી છે છતાં કેટલાક ખેડૂતોને પાણી મળતું ના હોઈ અસરગ્રસ્ત ખેડૂતોએ કેમેરા સામે જ રોષ ઠાલવ્યો હતો. ચારડા પંથકમાં કેટલાંક વિસ્તારો પિયત માટે વલખા મારે છે.અગાઉ પણ કેટલાક વિસ્તારોમાં પાણીનો અભાવ દૂર કરવા કેનાલોમાં પાણી છોડવાની માંગ સાથે આવેદનપત્રો અપાયા હતા છતાં સમયસર પાણી ન મળતા ખેડૂતોને પારાવાર નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.ચારડામાં જયારથી માઈનોર કેનાલ બની ત્યારથી આજ સુધી કેનાલમાં પાણી છોડાયું ના હોઈ ૨૦૦થી વધું ખેડૂતોની ૨૦૦૦ હેકટર જમીનને છતી સગવડે પાણી મળતું નથી ત્યારે જો આ પિયત માટે કેનાલમાં પાણી છોડાય તો ૨૦૦થી વધું ખેડૂતોને પિયતનો લાભ મળી શકે છે તેમ છે.ચોમાસામાં વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં હજું સુધી પાણી ઓસર્યા નથી. જેથી ચોમાસું સિઝન નિષ્ફળ નિવડી છે.બીજીબાજુ, ૨૦૦૦ હેકટર જમીનમાં પાણીના અભાવે વાવેતર થતું ના હોઈ ખેડૂતો નુકશાન વેઠી રહ્યાં છે. ત્યારે આ સમસ્યાનો અંત ના આવે તો થરાદ બેઠકની પેટા ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ આ વિસ્તારના ખેડૂતોએ ચીમકી આપી છે.      
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.