અમદાવાદમાં ફટાકડા વેચવાનું લાઈસન્સ ધરાવનાર માત્ર ૨૨૧ વેપારીઓ

અમદાવાદઃ સુપ્રીમ કોર્ટ દ્વારા દિવાળીમાં રાતનાં આઠથી દશ વાગ્યા સુધી ફટાકડા ફોડવા તેમજ ઓછા અવાજવાળા અને ઓછું પ્રદૂષણ ફેલાવતા 'ગ્રીન' ફટાકડા જ બનાવવા, વેચવા તેમજ ફોડવા જેવી ગાઈડલાઈન નક્કી કરાઈ છે. આ ઉપરાંત ઓનલાઈન ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકીને લાઈસન્સવાળા વેપારીને જ ફટાકડા વેચવાની છૂટ અપાઈ છે.

જો કે અમદાવાદ જેવા મેગા સિટીમાં હવે થોડા દિવસોમાં ગલીએ ગલીએ ફટાકડાની વેચાણ કરતી દુકાન કે લારી જોવા મળશે. બિલાડીના ટોપની જેમ અસંખ્ય ફટાકડાના વેપારીઓ ભલે શહેરભરમાં દેખાય, પરંતુ તંત્રના ચોપડે તો માત્ર અને માત્ર ૨૨૧ લાઈસન્સવાળા વેપારી છે.

હિન્દુઓમાં તહેવારોના રાજા ગણાતા દિવાળીના મહાપર્વ આડે હવે માંડ ગણતરીના દિવસો રહ્યા છે. દિવાળીના સપરમા દિવસોમાં છેક ધનતેરસથી લાભપાંચમ સુધી અને ત્યારબાદ દેવદિવાળીની દેવ ઊઠી અગિયારસથી પૂનમ સુધી વિવિધ ફટાકડાઓ ફોડીને આનંદ ઊજવાય છે. શહેરમાં દિવાળીના તહેવારોમાં કરોડો રૂપિયાનું દારૂખાનું ફૂટતું હોઈ ગલીએ-ગલીએ ફટાકડાનું વેચાણ કરતી નાની મોટી દુકાન કે લારી જોવા મળે છે.

ગઈ કાલની સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ લાઈસન્સવાળા વેપારી જ ફટાકડા વેચી શકશે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે આજદિન સુધીમાં માત્ર ૨૨૧ દુકાનદાર તંત્રની શરતોને આધીન એનઓસી મેળવી શક્યાં છે. મ્યુનિસિપલ ફાયર બ્રિગેડના વડા એમ.એફ. દસ્તૂર કહે છે.

ફટાકડાની દુકાન કે પંડાલ કે ઉત્પાદન માટે વેપારીએ તંત્રની ગાઈડ લાઈન મુજબ સ્થળ પર આગ સામે સલામતીની વ્યવસ્થા સહિતની વ્યવસ્થા ગોઠવીને તંત્રની એનઓસી મેળવવાની રહે છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ ૨૭૨ એનઓસી અપાઈ છે, જેમાં ૪૧ ઉત્પાદક, ૧૦ પંડાલ અને ૨૨૧ દુકાનદારોનો સમાવેશ થાય છે.

દશ વર્ષ પહેલાં તંત્ર સમક્ષ ૪૫૦થી વધારે એનઓસી નોંધાતી હતી. આ સંખ્યામાં પચાસ ટકા જેટલો ઘટાડો થયો છે. આની સામે ફટાકડાના વેચાણકર્તા વધ્યા છે. આ અંગે પૂછતાં દસ્તૂરે વધુમાં કહે છે, હાલમાં એનઓસી આપતાં પહેલાં જે તે દુકાન, પંડાલ વગેરેમાં જે તે જગ્યાના ક્ષેત્રફળનાં આધારે સ્પ્રિંકલર મૂકવા જેવી બાબત પર ખાસ ભાર મુકાતો હોઈ ઘણા વેપારીઓ તંત્રની એનઓસી લેવાનું ટાળી રહ્યાં છે.

દરમિયાન લાઇસન્સ વગર ફટાકડા બનાવનાર કે વેચનાર વેપારીઓ સામે સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ કેવા પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી કરવી તે દિશામાં કવાયત હાથ ધરાઈ હોઈ મ્યુનિસિપલ શાસકો અને પોલીસ કમિશનર વચ્ચે ટૂંકા સમયમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે, જેમાં સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન સહિતના તમામ પાસાંઓ પર વિચાર કરીને શહેરનાં શાસકો ફટાકડા બનાવવા, વેચાણ અને ફોડવા સહિતની બાબતો અંગે નીતિ નિર્ધારિત કરશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.