02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / કોંગ્રેસથી નારાજ અલ્પેશ ઠાકોર નવાજુની કરે તેવા એંધાણ

કોંગ્રેસથી નારાજ અલ્પેશ ઠાકોર નવાજુની કરે તેવા એંધાણ   03/04/2019

પાટણના રાધનપુરથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર છેલ્લા એક અઠવાડિયાથી લાઈમલાઈટથી દૂર છે. હાલ એવી અફવા ચાલી રહી છે કે અલ્પેશ ઠાકોરે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ  નેતાઓ પ્રત્યે નારાજગી વ્યકત કરી છે અને તેઓ બનાસકાંઠા બેઠક પર પક્ષની તકને ખરાબ કરવા માગે છે કારણ કે આ વિસ્તારમાં ઠાકોર સમાજના લોકો વધારે રહે છે. અલ્પેશ ઠાકોરે તેમની નજીકના લોકોને કોંગ્રેસમાંથી ટિકિટ અપાવવા માટે સખ્ત મહેનત કર્યા પછી ઠાકોર સેનાના કેટલાક કાર્યકરો તેમનાથી નારાજ છે અને અલ્પેશ ઠાકોર વધુ પાવર મેળવવા માટે આમ કરી રહ્યા હોવાથી નાખુશ પણ છે. કોંગ્રેસના તમામ ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી દે ત્યારબાદ પાંચમી એપ્રિલે તેઓ કોઈ મહત્વની જાહેરાત કરે તેવી શકયતા છે.
 વર્ષ ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી પહેલા ગરીબોના અધિકારોની માગ સાથે કરેલા વિરોધ બાદ અલ્પેશ ઠાકોર ઓબીસી નેતાના રુપમાં બહાર આવ્યા હતા. અને તે જ વર્ષે યોજાયેલા વિધાનસભાની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસમાંથી ઊભા રહ્યા હતા અને રાધનપુર બેઠક પરથી જીત મેળવી હતી. અલ્પેશ ઠાકોરે તેમને અથવા તેના નજીકના કોઈને પાટણ બેઠક પરથી ટિકિટ આપવા માટે માગણી કરી હતી. જો કે કોંગ્રેસે પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરને ટિકિટ આપી છે. કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા અલ્પેશ ઠાકોર છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસની બેઠકમાં ઉપસ્થિત રહેતા નથી તેમજ મીડિયા સામે પણ આવતા નથી. જો કે તેમના નજીકના ગણાતા અને ધારાસભ્ય ધવલ ઝાલાએ જણાવ્યું કે, 'અલ્પેશભાઈ પાંચમી એપ્રિલે કોઈ મહત્વની જાહેરાત કરવાના છે. તેમણે આ વખતે લોકસભાની ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. આ માત્ર પૈસાનો બગાડ છે અને ન તો લોકસભાની ચૂંટણીમાં લડવાનો મારો કોઈ ઈરાદો છે.' ઠાકોર સેનામાં ચાલી રહેલા આંતરિક વિખવાદ અંગે ઝાલાએ કહ્યું કે, 'ઠાકોર સેનામાં કેટલાક લોકો એવા છે જેઓ પોતાના અંગત સ્વાર્થના કારણે સેનામાંથી છુટ્ટા થવા માગે છે. જે કંઈ પણ હશે તેના વિશે તમને પાંચમી એપ્રિલે જાણવા મળશે.' સૂત્રોના જણાવ્યા પ્રમાણે અલ્પેશ ઠાકોર દિલ્હી હાઈકમાન્ડને મળવા માટે છેલ્લા બે અઠવાડિયામાં ઘણીવાર દિલ્હી જઈ ચૂકયા છે. ઠાકોર સેનાના ભાગલા અંગે અને અલ્પેશ ઠાકોરના સમર્થન અંગે વાત કરતાં, પાટણ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરે જણાવ્યું કે, 'હું જયારે પણ મુલાકાત લઉ છું ત્યારે ઠાકોર સેનાના પદાધિકારીઓ સહિત ઠાકોર સમાજના લોકો મારૂ ઉષ્માભર્યું સ્વાગત કરે છે. ઠાકોર સેનામાં ચાલી રહેલા વિખવાદ અંગે હું તદ્દન અજાણ છું સાથે જ મારી ઉમેદવારીથી કોઈ નારાજ હોય તેમ મને લાગતું નથી.' જો કે જગદીશ ઠાકોરે તે વાતનો સ્વીકાર કર્યો કે અલ્પેશ ઠાકોર તેમની સાથે ચૂંટણી પ્રચારમાં જોડાયા નથી. 'મેં તેમની સાથે બેઠક કરી હતી અને તેમને મારી ઉમેદવારી સામે કોઈ વાંધો નથી. તેમણે મને વચન આપ્યું છે કે ૪ એપ્રિલે એટલે કે આજે નામાંકન ભર્યા બાદ તેઓ મને સમર્થન આપશે.' પાટણ લોકસભા બેઠક હેઠળ વિધાનસભાના ૭ ક્ષેત્રો આવે છે, જેમાંથી રાધનપુર એક છે. જયાંના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અલ્પેશ ઠાકોર સાબરકાંઠા તેમજ બનાસકાંઠા જેવી ઘણી બેઠકો પરથી ટિકિટની માગણી કરી હતી. બનાસકાંઠાએ કોંગ્રેસના ગઢ સમાન છે. આ બેઠક માટે બનાસ ડેરીના પૂર્વ ચેરમેન ભટોળ ચૂંટણી લડી રહ્યા છે.

Tags :