02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / પાડોશીના આક્ષેપથી લાગી આવતા બેન્ક મેનેજરની પત્નીએ પોલીસની હાજરીમાં ફાંસો ખાધો

પાડોશીના આક્ષેપથી લાગી આવતા બેન્ક મેનેજરની પત્નીએ પોલીસની હાજરીમાં ફાંસો ખાધો   08/08/2018

અમદાવાદ: શહેરના ન્યૂ નિકોલ વિસ્તારમાં આવેલા દેવનંદન એપાર્ટમેન્ટમાં ગઇ કાલે બેન્ક મેનેજરની પત્નીએ પોલીસની સામે જ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે.

મેનેજરની પત્નીના ચારિત્ર્ય પર પાડોશમાં રહેતાં દંપતીએ આંગળી ઉઠાવતાં તેણે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લેવાની કોશિશ કરી હતી, જ્યાં પોલીસ અને સ્થાનિકો મહિલાને નજીકની હોસ્પિટલમાં લઇ જતાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

ન્યૂ નિકોલ વિસ્તારમાં આવેલા દેવનંદન એપાર્ટમેન્ટમાં રહેતા અને એચડીએફસી બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવતા અરવિંદભાઇ પ્રેમશંકરભાઇ સોતીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાના દુષ્પ્રેરણાની ફરિયાદ કરી છે.અરવિંદભાઇને કમરની બીમારી હોવાથી તે ત્રણ મહિનાની મે‌ડિકલ રજા પર છે અને ઘરે આરામ કરી રહ્યા છે.

ગઇ કાલે અરવિંદભાઇનાં સંતાનો બહાર રમતાં હતાં અને તેમનાં પત્ની ચન્દ્રકાંતાબહેન રાજસ્થાન તેમનાં સાસુ અને નણંદ સાથે વાત કરતાં હતાં ત્યારે એકાએક ઘરની બહારથી ઝઘડાનો અવાજ આવતો હતો. ચન્દ્રકાંતાબહેને ઘરની બહાર જોયું તો પાડોશમાં રહેતા લોકો તેમની સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા.

અરવિંદભાઇ ઘરની બહાર ગયા ત્યારે ચન્દ્રકાંતાબહેને તેમને કહ્યું હતું કે પાડોશમાં રહેતા રશ્મીકાંત નાગર અને તેમનાં પત્ની મને બદનામ કરે છે, તેમના ત્રાસથી હું કંટાળી ગઇ છું.

આ મામલાને લઇ રશ્મીકાંત અને અરવિંદભાઇ વચ્ચે બબાલ થઇ ગઇ હતી. રશ્મીકાંત સહિત સોસાયટીના લોકો પણ ચન્દ્રકાંતાબહેન વિરુદ્ધમાં બોલવા લાગ્યા હતા. આ બબાલને શાંત કરવા માટે અરવિંદભાઇએ પોલીસને જાણ કરી હતી. નિકોલ પોલીસ તાત્કા‌િલક ઘટનાસ્થળે આવી ગઇ હતી ત્યારે ચન્દ્રકાંતાબહેન પાડોશીઓના ત્રાસથી કંટાળીને તેમના ઘરે જતાં રહ્યાં હતાં અને દરવાજો બંધ કરી દીધો હતો.

ચન્દ્રકાંતાબહેને ગળાફાંસો ખાધો હતો. જોકે પોલીસ અને સ્થાનિકોએ સમયસર દરવાજો તોડી નાખ્યો હતો. પોલીસ ચન્દ્રકાંતાબહેનને નીચે ઉતારીને નજીકની હોસ્પિટલમાં લઇ ગઇ હતી, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. પોલીસે આ મામલે રશ્મીકાંત નાગર અને તેમનાં પત્ની વિરુદ્ધમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરી છે.

Tags :