ઈમાનદાર રિક્ષાવાળોઃ દરરોજ 300 કમાતા અમદાવાદી રિક્ષા ચાલકે 4 લાખ કર્યા પરત

એક તરફ નિરવ મોદી અને માલ્યાઓ બેંકોને ચૂનો ચોપડીને વિદેશ નાસી જાય છે. તો બીજી તરફ પરિવારનું માંડ માંડ ગુજરાન ચલાવતા સામાન્ય લોકો મહેનત વિનાના એક રૂપિયાને પણ ઠોકર મારી દે છે. આજે શહેરમાં પણ આવો જ એક કિસ્સો બન્યો છે. રોજ માત્ર 300 રૂપિયાની કમાણી કરતા નાનજીભાઈ નાયક નામના રિક્ષા ચાલકે જોધપુરથી આવેલા ધર્મનારાયણ ભાઈના 4 લાખ રૂપિયા પરત કરી ઈમાનદારીનું ઉદાહરણ પુરું પાડ્યું હતું.
 
આ અંગે રિક્ષા ચાલક નાનજીભાઈ નાયકે  સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ''રાણીપના નવા બસ સ્ટેશન પાસેથી એક દંપતિએ સાલ હોસ્પિટલે જવાનું કહી મારી રિક્ષામાં બેઠા હતા. ત્યાર બાદ તેમણે ધર્મશાળાનું એડ્રેસ પૂછ્યું અને તે ધર્મશાળા સુધી મુકવા જવા માટે કહ્યું, ત્યાર બાદ ત્યાં સામાન ઉપર મુકી કહ્યું કે અમારે નાસ્તો કરવો છે, આથી હું તેમને નાસ્તો કરવા મુકી આવ્યો અને હું ભાડું લઈ નીકળી ગયો. ત્યાર બાદ હું રસ્તામાં રિક્ષા ઉભી રાખી સાફ કરતો હતો, આ દરમિયાન અચાનક પાકીટ જોવા મળ્યું. આ પાકિટ ખોલીને જોયું તો તેમાં 2000ની નોટના બંડલો અને આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ હતા, બાદમાં હું ઘરે આવ્યો અને જમાઈ તથા મારા દીકરાને લઈ હું વસ્ત્રાપુર પહોંચ્યો.
 
નાનજીભાઈએ આગળ કહ્યું કે, ''આ દરમિયાન આ દંપતિ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યું અને હું પણ ત્યાં જ પહોંચ્યો. જ્યાં તેને જોતા જ મને ખબર પડી કે, આ જ કાકાનું પાકિટ છે. મેં કહ્યું કે, મારી પાસે જ તમારું પાકિટ છે અને મેં પોલીસ સ્ટેશનમાં જઈને 4 લાખ રૂપિયા પાછા આપ્યા. તેમજ પોલીસે પણ મારું સન્માન કર્યું અને કહ્યું કે ખૂબ સારું કાર્ય કર્યું છે. ત્યાર બાદ કાકાએ મને 2 હજાર રૂપિયા આપ્યા અને મીઠું મોં પણ કરાવ્યું હતું. ''
 
જ્યારે પોતાના પરિવાર અને રોજની કમાણી અંગે વાત કરતા નાનજી ભાઈએ કહ્યું કે,'' મારા પરિવારમાં પત્ની તથા ત્રણ પુત્રીઓ અને એક પુત્ર અને મારા સહિત કુલ છ સભ્યો છે. હું રોજ 300-350 રૂપિયાની કમાણી કરી લઉં છું.''
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.