નમસ્તે ટ્રમ્પ : ૨૪ ફેબ્રુઆરીએ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન નહીં

ગુજરાત
ગુજરાત

અમદાવાદઃ ટ્રમ્પ અને મોદીની ૨૪ ફેબ્રુઆરીની અમદાવાદ મુલાકાતને લઈ પૂરજોશમાં તૈયારીઓ થઈ રહી છે. ખાસ કરીને અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનાર ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને આજે મીડિયા ટીમ સાથે પોલીસ અધિકારીઓ અને જીસીએના હોદ્દેદારોએ તૈયારીઓનું નિરિક્ષણ કર્યું હતું. જો કે ૨૪ ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન થશે નહીં માત્ર ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ જ યોજાવાનો છે. આ અંગે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના વાઈસ પ્રેસિડન્ટ ધનરાજ નથવાણીએ સ્ટેડિયમના ઉદ્ઘાટન અંગે જણાવ્યું કે, આ કાર્યક્રમ ટ્રમ્પના ભવ્ય સ્વાગત માટે છે સ્ટેડિયમનું ઉદ્ઘાટન થશે નહીં. આ કાર્યક્રમમાં કૈલાશ ખેર, પાર્થિવ ગોહિલ, પુરૂષોતમ ઉપાધ્યાય, કિંજલ દવે અને કિર્તિદાન ગઢવી સહિત અન્ય કલાકારો પણ પર્ફોર્મ કરશે.
 
મોટેરા સ્ટેડિયમમાં ૧ લાખ ૧૦ હજાર પ્રેક્ષકો વચ્ચે મોદી અને ટ્રમ્પનો ખાસ કાર્યક્રમ યોજાવાનો છે તેની સલામતી અને સુરક્ષાની સાથે સરળતાથી પ્રવેશ મળી શકે તે માટેની વ્યવસ્થાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. મોટેરા સ્ટેડિયમ તૈયાર થયા બાદ સૌ પ્રથમવાર અંદરનો નજારો જોવા મળ્યો છે.આ ઉપરાંત સ્ટેડિયમની આસપાસ આવેલા પાર્કિંગ પ્લોટમાં કોર્પોરેશન દ્વારા ટોઈલેટવાન અને મેડિકલ વાન પણ આજથી જ મૂકી દેવામાં આવી છે.
 
વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ તૈયાર થઇ ગયું છે. અંદાજે રૂ.૮૦૦ કરોડના ખર્ચે ૬૩ એકરમાં બનેલા આ સ્ટેડિયમમાં ૧ લાખ ૧૦ હજાર લોકો એક સાથે બેસીને ક્રિકેટની મજા માણી શકશે. મેઈન ગ્રાઉન્ડ ઉપરાંત અન્ય બે ગ્રાઉન્ડ પણ તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ જુદા જુદા પ્રકારની ૧૧ પીચ અને ૩૦૦૦ કાર, એક હજાર ટૂ વ્હીલર પાર્ક કરી શકાય તે માટે પાર્કિંગ બનાવ્યું છે.
 
નવા સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયા પહેલી મેચ આવતા વર્ષે ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમશે. ઇંગ્લેન્ડ ભારતના પ્રવાસે જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૨૧માં ૫ ટેસ્ટની સીરિઝ રમવા આવશે. મોટેરા ખાતે સીરિઝની બીજી મેચ રમાશે, જે ડે-નાઈટ ટેસ્ટ હશે. આ નિર્ણય મ્ઝ્રઝ્રૈં અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહે રવિવારે દિલ્હી ખાતે મ્ઝ્રઝ્રૈં અપેક્ષ કાઉન્સિલની બેઠકમાં લીધો હતો. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલાની છેલ્લી સીરિઝ અને ભારતમાં માત્ર બીજી ડે-નાઈટ ટેસ્ટ હોવાથી મેચનું મહત્ત્વ વધારે રહેશે.
 
મોટેરાએ છેલ્લે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ નવેમ્બર ૨૦૧૪માં હોસ્ટ કરી હતી. ત્યારે ભારતે શ્રીલંકાને ૨૭૫ રન ચેઝ કરતા ૬ વિકેટે હરાવ્યું હતું. અંબાતી રાયુડુએ ૧૨૧ અને શિખર ધવને ૭૯ રનની ઇનિંગ્સ રમી હતી. ત્યારબાદ ૫૦ હજારની બેઠક ક્ષમતા ધરાવતા મોટેરાને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવવા માટે જુના સ્ટેડિયમને ડિમોલીશ કરવામાં આવ્યું હતું.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.