સોમનાથમાં વાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરો, ૬૦ લાખ લોકોના શ્વાસ અધ્ધર

ઓડીશામાં ગયા મહિને 'ફાની' વાવાઝોડાએ તબાહી મચાવ્યા બાદ હવે ગુજરાત ઉપર ભયાનક વાવાઝોડા 'વાયુ'નો ખતરો ઝળુંબી રહ્યો છે. અરબી સમુદ્રમાં ઉભુ થયેલુ ચક્રવાતી વાવાઝોડુ 'વાયુ' ધસમસતુ સૌરાષ્ટ્ર ભણી આવી રહ્યુ છે. આજે મોડી રાત્રે અથવા તો આવતીકાલ સવાર સુધીમાં તે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો વેરાવળ, પોરબંદર, કચ્છ સહિતના વિસ્તારોમાં પહોંચવાની સંભાવના છે. વાવાઝોડાએ જે રીતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે તેનાથી સમગ્ર સૌરાષ્ટ્રના લોકોના જીવ અધ્ધરશ્વાસે પહોંચી ગયા છે. આવતા ૧૨ કલાક સૌરાષ્ટ્ર ઉપર ખતરા સમાન હોવાથી જાનમાલને નુકશાની ન થાય એ માટે તંત્ર હાઈએલર્ટ ઉપર મુકવામાં આવ્યુ છે. કોઈપણ પરિસ્થિતિના સામના માટે તંત્ર સજ્જ થયુ છે. તો બીજી તરફ વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટો આવી ગયો છે અને દરીયામાં કરંટ આવ્યો છે. મોજા ઉંચા ઉછળવા લાગ્યા છે. દરીયા નજીક રહેતા લોકોને સલામત સ્થળે ચાલ્યા જવા જણાવાયુ છે. વાવાઝોડુ આજે સવારે વેરાવળથી ૨૮૦ કિ.મી. દૂર હતુ અને તે આજે રાત્રે કે સવારે ત્રાટકશે અને તે દરમિયાન ૧૪૦ થી ૧૫૦ કિ.મી.ની ઝડપે કાતિલ પવન ફુંકાય તેવી શકયતા છે. એટલુ જ નહિ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. મળતા અહેવાલો મુજબ વાવાઝોડાએ અતિ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધુ છે. મળતા અહેવાલો મુજબ આજે મોડી રાતથી વાવાઝોડુ તેનુ રૌદ્ર સ્વરૂપ બતાડવાનું શરૂ કરી દેશે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આવતીકાલે સવારે વાવાઝોડુ 'વાયુ' પોરબંદરથી મહુવા, વેરાવળ અને દિવ વિસ્તારને ધમરોળશે. જેને કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં હાઈએલર્ટ જારી કરી દેવામાં આવી છે અને એનડીઆરએફના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં આવી ૩૬ ટીમો તૈનાત કરવામાં આવી છે. સરકાર વાવાઝોડા ઉપર સતત નજર રાખી રહી છે અને કોઈ પણ જાનહાની ન થાય અને માલ-મિલ્કતને નુકશાન ઓછુ થાય તેવી તૈયારીઓ કરવામાં આવી છે. આર્મીને પણ એલર્ટ રહેવા જણાવાયુ છે. ૩ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ગુજરાતના ૧૦ જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં બે દિવસની રજા જાહેર કરી દેવામાં આવે છે. મુખ્યમંત્રી રૂપાણીએ દ્વારકા, સોમનાથ, સાસણ, કચ્છ ગયેલા પર્યટકોને સલામત સ્થળે પાછા ફરી જવા અપીલ કરી છે. ભારતીય વાયુ દળએ સી-૧૭ વિમાનને ઉતારવામાં આવેલ છે. રાજ્ય સરકારે કિનારાના માછીમારોને દરીયામાં ન જવા જણાવ્યુ છે. આવતીકાલે દરીયો ગાંડો થશે અને મોજા ૧ થી ૨ મીટર જેટલા ઉંચા ઉછળશે. જેને કારણે કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, દિવ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તેવી શકયતા છે. વાવાઝોડાની સૌથી વધુ અસર પોરબંદર જિલ્લામાં થાય તેવી શકયતા છે તેથી ૩૫૦૦૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ તાલુકામાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ૧૯૦૦૦ લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યુ છે. વાવાઝોડાને પહોંચી વળવા સરકારે ત્રિસ્તરીય તૈયારીઓ શરૂ કરી છે. વાવાઝોડુ આજે રાત્રે વેરાવળના કિનારાને પસાર કરે તેવી શકયતા છે. જેને કારણે વેરાવળમાં દરીયો ગાંડો થવા લાગ્યો છે અને મોજા સામાન્ય કરતા ઉંચા ઉછળી રહ્યા છે. વેરાવળની તમામ બોટોને પરત બોલાવી લેવામાં આવેલ છે. અહીં વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. માંડવીમાં ભયંકર પવન ફુંકાવા લાગ્યો છે અને કેટલાક વૃક્ષો તૂટી પડયા છે. કોડીનારના માઢવાડમાં દરીયાના મોજા કિનારાના મકાન સુધી પહોંચવા લાગ્યા છે. વેરાવળ રેન્જના કાંઠે રહેતા ૧૩ જેટલા વનરાજોને વન વિભાગે ઉંચાળવાળા વિસ્તારોમાં ખસેડી લીધા છે. કેન્દ્ર સરકાર પણ સૌરાષ્ટ્ર-ગુજરાત પર સતત નજર રાખી રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.