ઊંઝા તાલુકાના કહોડા ગામે ઘરમાં ઘૂસી ઊંઘમાં જ યુવકની હત્યા

ઊંઝા તાલુકાના ગામે વહેલી સવારે ઘરમાં ઘૂસી યુવકની હત્યા કરતાં ચકચાર મચી ગઇ છે. ખાટલામાં ઊંઘી રહેલા યુવકને ધારદાર શસ્ત્રો વડે હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઓટો કન્સલ્ટિંગનો વ્યવસાય કરતો મૃતક યુવક તેના માતા પિતાનો એકનો એક હતો. ઘટનાને પગલે ઊંઝા પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓ શોધવા મથામણ શરૂ કરી છે.
મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના કહોડા ગામે હાહાકાર મચી ગયો છે. પ્રથમ નોરતાની વહેલી સવારે ગામમાં મર્ડર થયાનું સામે આવતાં પંથકમાં શોક ફેલાયો છે. પોતાના ઘેર આરામ કરતા દિલીપસિંહ વિનુજી વજાજી રાજપૂતની ખાટલામાં જ હત્યા કરવામાં આવી છે. આરોપીઓ વહેલી સવારે ઘરમાં ઘૂસી ઓસરીમાં આરામ કરતા યુવક ઉપર ચડી જઇ હથિયારો વડે તૂટી પડ્યા હતા. ગણતરીની મિનિટોમાં ગળા અને માથાના ભાગે હુમલો કરી લોહીલુહાણ હાલતમાં મૂકી ફરાર થઈ ગયા હતા.
જાણવા મળ્યા મુજબ 32 વર્ષનો મૃતક યુવક વાહનો લે વેચનો વ્યવસાય કરતો હતો. એકનો એક પુત્ર હોવાથી તેના પરિવારજનો ઉપર આભ ફાટી પડ્યું છે. ઘટનાને પગલે ગામલોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. ઘર પરિસરમાં જ્યાં જુઓ લોહી ફેલાયેલું હોઇ હત્યારાઓ ખતરનાક હોવાનું મનાય છે.
આ બાબતે ઊંઝા પોલીસ સ્ટેશનના પીઆઈ ખરાડીએ જણાવ્યું હતું કે, હત્યા કરવાના કારણો સામે આવ્યા નથી. અમે તમામ બાબતો ઉપર હાલ પૂરતી ચકાસણી કરી રહ્યા છીએ. હત્યારાઓ ગામના કે બહારગામના એ પણ તપાસ હેઠળ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.