નવરાત્રી વેકેશનને લઈને CBSE સ્કૂલો માટે શિક્ષણ વિભાગની મહત્ત્વની સ્પષ્ટતા

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 10મી ઓક્ટોબરથી તા. 17મી ઓક્ટોબર-2018 દરમિયાન નવરાત્રી વેકેશન અંગે શિક્ષણ વિભાગે CBSE તેમજ ગુજરાત રાજ્ય સિવાયના અન્ય બોર્ડ હસ્તકની પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં નવરાત્રી વેકેશન અંગે મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. શિક્ષણ વિભાગે પરિપત્ર કરીને સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં આવેલી CBSE તેમજ ગુજરાત રાજ્ય સિવાયના અન્ય બોર્ડ હસ્તકની પ્રાથમિક શાળાઓ તથા માધ્યમિક શાળાઓ માટે તા.10 ઓક્ટોબર-2018થી તા. 17 ઓક્ટોબર-2018 દરમિયાન નવરાત્રી વેકેશન અને તા.5મી નવેમ્બર-2018થી તા.18મી નવેમ્બર-2018 દરમિયાન દિવાળી વેકેશન રાખવા અંગેની અગાઉની શિક્ષણ વિભાગની સૂચનાઓનો અમલ કરવો મરજિયાત છે. એટલે કે, આવી શાળાઓ તેમની સવલત અનુસાર નવરાત્રી/દિવાળી વેકેશન રાખી શકશે. શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણ નિયામકને આ અંગેની સૂચનાઓનો રાજ્યવ્યાપી અમલ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા પણ સૂચના આપી છે.

નવરાત્રીનું વેકેશન ન આપનારી ગુજરાત બોર્ડની શાળાઓને શિક્ષણમંત્રીએ 2 ઓક્ટોબરે ઝાટકો આપ્યો હતો

ગુજરાતમાં નવરાત્રીના વેકેશનને લઈને અલગ-અલગ સમાચાર સામે આવી રહ્યા છે. એકબાજુ ગુજરાત સરકારે જાહેર કરી દીધું છે કે, ગુજરાતની સ્કૂલોએ નવરાત્રીનું વેકેશન આપવું પડશે, તો બીજી બાજુ ખાનગી શાળા વેકેશન નથી આપવા માંગતી. કારણ કે વેકેશન આપવાથી અભ્યાસક્રમ સમયસર પૂરો નહીં થાય, જેને લઈને ઘણી સ્કૂલોએ સરકારના આદેશ સામે બાંયો ચઢાવી હતી, પરંતુ ગુજરાતના શિક્ષણમંત્રીએ સ્પષ્ટ કરી દીધું છે કે, ગુજરાતની શાળાઓએ વેકેશન આપવું જ પડશે.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, નવરાત્રીનું વેકેશન રાબેતા મુજબ રહેશે. રાજ્યની તમામ સ્કૂલોએ નવરાત્રી દરમિયાન વેકેશન આપવું પડશે. નિયમનું પાલન નહીં કરવામાં આવે તો સાંખી લેવામાં આવશે નહીં. નવરાત્રીનું વેકેશન રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો છે તે મુજબ જ રહેશે.

સુરતની 400 શાળામાં નવરાત્રી વેકેશન નહીં આપવા લેવાયો હતો નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી દરમિયાન શાળાઓમાં વેકેશન રાખવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે હવે સરકારના નિર્ણયના વિરોધમાં ખાનગી શાળાના સંચાલકો આવ્યા છે. સુરતની અલગ અલગ શાળાના સંચાલકો દ્વારા સરકારને શાળામાં નવરાત્રી વેકેશન નહીં આપવા માટે રજૂઆત કરવામાં આવશે. જો કે આ અગાઉ પણ અમદાવાદ અને વડોદરામાં ઇંગ્લીશ મીડિયમ શાળાના સંચાલકો દ્વારા સરકારના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો અને નવરાત્રીમાં શાળામાં વેકેશન નહીં રાખવા અંગે સરકારને રજૂઆત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા જ્યારે શાળાઓમાં નવરાત્રી વેકેશનની વાત કરવામાં આવી હતી. ત્યારે સૌ પ્રથમ સુરતની ખાનગી શાળાઓ દ્વારા આ બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો અને વેકેશન ન રાખવા માટે યોગ્ય દલીલો પણ સરકાર સામે સુરતની શાળાઓના સંચાલકો દ્વારા કરવામાં આવી હતી. પરંતુ શાળાના સંચાલકોની વાતનો અસ્વીકાર કરીને સરકાર દ્વારા ખાનગીઓ શાળાઓમાં વેકેશન જાહેર કરતો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો.

આ બાબતે સુરતની ખાનગી શાળાના સંચાલક મંડળના પૂર્વ પ્રમુખ સવજીભાઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, સુરતમાં શાળાના નવરાત્રી વેકેશન ન આપવાના મુખ્ય બે પ્રશ્નો છે. જેમાં પહેલો પ્રશ્ન છે કે, સેમેસ્ટર સીસ્ટમ હોવાના કારણે આ વેકેશનની અસર બાળકોના અભ્યાસ પર પડે છે. બાળકોના હિતને ધ્યાનમાં લઈ સરકાર આ બાબતે વિચારણા કરે એ બાબતે સરકાર સામે અમારી પહેલાથી જ રજૂઆત રહી છે. અમારી બીજી વાત એ છે કે, જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો ત્યારે કોઈ પણ શિક્ષક કે આચાર્ય મંડળ સાથે સરકારે વિચારણા કરી નથી. મહત્ત્વની વાત તો એ કહી શકાય કે, 10 તારીખથી 19 તારીખ સુધી નવરાત્રી વેકશન છે અને 20 તારીખે બાળકોને સીધું પરીક્ષા આપવા માટે શાળાએ આવવાનું છે. બાળક શાળામાં 9 દિવસ અભ્યાસથી વંચિત રહે અને પછી સીધી પરીક્ષા આપવા માટે આવે તો બાળકનું પરિણામ નબળું આવી શકે છે. નબળું પરિણામ આવવાના કારણે બાળકના મગજ પર ખૂબ જ ખરાબ અસર પડે છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.