પેટ્રોલ કરતા પણ મોંઘી ડુંગળીથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

રખેવાળ ન્યુઝ ડીસા : છેલ્લા એકાદ માસથી થઈ રહેલા ભાવ વધારાને લઇ પેટ્રોલ કરતા મોંઘી બનેલી ડુંગળીના ભાવ ડીસાના શાક માર્કેટમાં કિલોના ૧૦૦ રૂ.ની આસપાસ પહોંચી જતા હવે અન્ય શાકભાજી સાથે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી પણ લોકોને રડાવી રહી છે .
ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીના ભાવ ભડકે બળી રહ્યા છે.સંગ્રહખોરી અને કાળા બજારીયાની નીતિના કારણે છેલ્લા એકાદ માસથી ડુંગળીના ભાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે.જેથી આજે પેટ્રોલની સરખામણીમાં ડુંગળી મોંઘી બનતા તેના ભાવ કિલોના ૧૦૦ની આસપાસ પહોંચી જતા ગરીબ વર્ગ માટે ડુંગળી ખાવી વધુ મુશ્કેલ બન્યું છે. જા કે આશ્ચર્યની વાત તો એ છે કે ડુંગળી પક્વતા ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી તેમની પાસેથી માત્ર ચારથી પાંચ રૂપિયે કિલો ખરીદવામાં આવતી ડુંગળી આજે અધધ એવી સદીની સપાટીએ પહોંચી જતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. આઉપરાંત ડીસામાં મોટા ભાગની નાસ્તા અને ફાસ્ટ ફૂડ ની લારીઓ ઉપર  ડુંગળીની જગ્યાએ કોબીજ આપવામાં આવતા ફૂડનો ટેસ્ટ પણ બદલાયો  છે આ બાબતે પાણી પુરીની લારી ચલાવતા મનોજ યાદવને પૂછતાં જણાવ્યું હતું કે હવે પાણીપુરી અને ભેળ પકોડી સાથે ફ્રી ડુંગળી આપવી પોસાતી નથી કેમકે ૨૦ રૂપિયે કિલો મળતી ડુંગળી હવે ૯૦ થી ૧૦૦ રૂપિયે કિલો મળે છે. 
 આ ભાવ અંગે ડીસાના વેપારીઓએ જણાવ્યું  હતું કે વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૭ માં ભાવ વધારાની સ્થિતિ સર્જાઈ હતી.જ્યારે આ વર્ષે અતિવૃષ્ટિના કારણે કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં  ૭૦ ટકા ડુંગળીનો પાક બગડી ગયો છે અને ૨૫ થી ૩૦ ટકા પાક બજારમાં આવતા તેની તીવ્ર માંગના કારણે સતત ભાવોમાં ઉછાળો આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે નવેમ્બર માસમાં અતિ ભારે ઉત્પાદનના કારણે ડુંગળી કિલોના ૨ કે ૪ રૂપિયે વેચાતી હતી  અને ખેડુતોને ભારે નુકસાન જતા સરકાર દ્વારા કિલોએ એક રૂપિયાની સહાયની જાહેરાત કરાઈ હતી અને ખેડૂતો પાસે તેના ફોર્મ પણ ભરાવવામાં આવ્યા હતા.એ વાત ને આજે ૧૨ માસ ઉપરાંત નો સમય થવા છતાં ખેડૂતોના ખાતા માં આજદિન સુધી એક રૂપિયો પણ આવ્યો નથી.તેના ઉપરથી સરકારના વાયદા અને જાહેરાતો પોકળ હોવાનું પુરવાર થઈ જાય છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.