ડીસા પાલિકાની સામાન્ય સભામાં શાસક પક્ષના જ સભ્યોનો બળાપો

FB0Ii7zzd_o
બનાસકાંઠા

 
ડીસા નગરપાલિકાની સામાન્ય સભા સોમવારે પાલિકાના સભાખંડમાં યોજાઇ હતી પરંતુ નગરપાલિકા પ્રમુખ દ્વારા સામાન્ય સભામાં કંઈ જ ચર્ચા વિચારણા કર્યા વગર માત્ર બે જ મિનિટમાં બેઠક પુરી જાહેર કરી હોવાના આક્ષેપો ખુદ ભાજપ અને વિપક્ષના સભ્યોએ કરી ભારે હોબાળો મચાવ્યો હતો. 
 
ડીસા નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ શિલ્પાબેન માળીના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય શશીકાંતભાઈ પંડયાની ઉપસ્થિતિમાં સોમવારે નગર પાલિકાના સભાખંડમાં યોજાઇ હતી. સામાન્ય સભાની શરૂઆત વંદે માતરમ ગાન દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ નગરપાલિકા પ્રમુખ દ્વારા એજન્ડા મુજબના કામો અંગે ચર્ચા કર્યા બાદ અચાનક સામાન્ય સભાને પૂર્ણ જાહેર કરતા ખુદ ભાજપના જ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવિણભાઇ માળી, નિલેશભાઈ ઠક્કર, પૂર્વ પ્રમુખ વિપુલભાઇ શાહ, શંકરભાઇ કતીરા, દિપકભાઇ પટેલ, મણીબેન પરમાર, પલ્લવીબેન જોષી, ડૉ. ભાવિબેન શાહ સહિતના સદસ્યોએ હોબાળો મચાવ્યો હતો. સામાન્ય સભામાં ઓવરબ્રિજ, સાયન્સ કોલેજ અને બંધ પડેલા બગીચા અંગે ચર્ચા ન કરાતા રોષે ભરાયેલા સદસ્યોએ નગરપાલિકાના મુખ્ય અધિકારી ઉપેન્દ્ર ગઢવીને લેખિતમાં રજૂઆત કરી હતી કે સામાન્ય સભાના એજન્ડા ખોટા લખાય છે અને નિયમ મુજબ સભાની કામગીરી ન થતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. જો કે મુખ્ય અધિકારીએ સામાન્ય સભા ચલાવવાની જવાબદારી અધ્યક્ષની હોવાનું જણાવ્યું હતું.
  
આ બાબતે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે ડીસા નગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના જ કેટલાક સદસ્યો કોંગ્રેસ સાથે ભળી જઇ પક્ષને બદનામ કરી રહ્યા છે. જેથી આવા સદસ્યો વિરૂધ્ધ ભારતીય જનતા પાર્ટીમાં રજૂઆત કરાશે તેમ પણ ઉમેર્યું હતું. જો કે પાલિકાની સામાન્ય સભા શહેરમાં ચર્ચાના ચગડોળે ચડવા પામી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.