02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / પોલીસ અને જુગારીઓએ મળી બનાવી એક નવી સ્કીમ: બંનેને પડશે મોજ

પોલીસ અને જુગારીઓએ મળી બનાવી એક નવી સ્કીમ: બંનેને પડશે મોજ   03/10/2018

ગુજરાતમાં દારૂ અને જુગાર ક્યારેય બંધ થાય નહીં તેવુ પોલીસની અંદરની ઈચ્છા છે કારણ પોલીસના અનેક સરકારી કામો પણ આ બે નંબરના પૈસામાંથી થતાં હોય છે. આ બાબત ઉચ્ચ સિનિયર આઈપીએસ અધિકારીઓ પણ જાણતા હોય છે. પરંતુ ક્યારેક કોઈ પોલીસ અધિકારીને શુરાતન ચઢે એટલે તે એકદમ ફરમાન કરે તે દારૂ-જુગાર બંધ કરાવી દો, અડ્ડાઓ બંધ થાય પણ સ્થાનિક પોલીસને ઉપર અધિકારી તરફથી મળતી વર્ધીઓ બંધ થતી નથી. વર્ધી પોલીસમાં ચાલતો કોડવર્ડ છે. સિનિયર અધિકારી પોતાના જુનિયર અધિકારી પાસે અંગત સેવાની માગણી કરે તેને વર્ધી કહેવામાં આવે છે.

જેવી રીતે કોઈ અધિકારી પોતાના જુનિયરને કહે હું મારા પરિવાર સાથે મલ્ટીપ્લેક્ષમાં ફિલ્મ જોવા જવાનો છુ, તો પાંચ ટિકિટ મંગાવી લો. કોઈ અધિકારી સુચના આપે કે મારા સાસુ-સસરા કન્યાકુમારી જવા માગે છે તેમની ફસ્ટ એસીની બે ટિકિટ બુક કરાવો. સાહેબના છોકરાને ક્રિકેટનો શોખ છે તો ક્રિકેટની કિટ મોકલી આપજો. આ પ્રકારે હજાર સુચના સ્થાનિક પોલીસને મળતી હોય છે. જો કે સિનિયર તરફથી માત્ર સુચના આવે પણ વસ્તુ અથવા સેવાને બદલે પૈસા મળતા નથી. આ તમામ ખર્ચ જુનિયર અધિકારીના ખીસ્સામાંથી થાય છે. આ ઉપરાંત કેટલાંક સરકારી ખર્ચ પણ હોય છે જેમને કોઈ આરોપી હમણાં શ્રીનગરમાં સંતાયો છે તો તેને પકડી તાત્કાલીક પ્લેનમાં લઇ મુંબઈ પહોંચો.

પોલીસ મેન્યુઅલ પ્રમાણે ડીવાયએસપીથી નીચેના અધિકારીઓને પ્લેનમાં મુસાફરી કરવાની પરવાનગી નથી એટલે પોલીસ ઈન્સપેક્ટર અને સબઈન્સપેક્ટર આરોપી પકડવા પ્લેનમાં જાય તો પણ પ્લેનની ટિકિટ પોતાના ખર્ચે કાઢવી પડે છે. કામ માટે આદેશ થાય તો નાના અધિકારી કહી શકતા નથી કે અમે પ્લેનમાં મુસાફરી કરવા માટે સક્ષમ નથી. આમ આ પ્રકારના સરકારી ખર્ચ પણ દારૂ-જુગારની બે નંબરથી આવકમાંથી બાજુમાં ઉપર મુકવામાં આવે છે. આવા સંજોગોમાં જો કોઈ સિનિયર અધિકારી અડ્ડા બંધનો આદેશ આપે તો સ્થાનિક પોલીસની સ્થિતિ કફોડી થાય છે.

ગુજરાત પોલીસના નિયમ પ્રમાણે જો બહારની એજન્સી કોઈ પણ પોલીસ સ્ટેશનમાં દરોડો પાડે અને દસ હજાર કરતા વધુની કિમંતનો દારૂ મળે અથવા જુગાર પકડાય તો સ્થાનિક પોલીસ ઈન્સપેક્ટરને ફરજ મોકુફી ઉપર ઉતારી દેવામાં આવે છે. હજી સુધી પોલીસ દસ હજાર કરતા વધુનો દારૂ પકડાય તો શુ કરવુ તેનો તોડ શોધી શકી નથી, પણ જુગારમાં તોડ કાઢી લીધો છે. હવે પોલીસે અને જુગારના અડ્ડાવાળા વચ્ચે થયેલી ગોઠવણ પ્રમાણે કોઈ જુગારીઓ પોતાના વાહન સાથે અડ્ડા ઉપર આવવુ નહીં કારણ રેડ પડે તો વાહનને પણ મુદ્દામાલ ગણવામાં આવે છે. આવનારે પોતાના ખીસ્સામાં પૈસા પણ રાખવા નહીં, સોના-ચાંદીના દાગીના પણ પહેરવા નહીં.

અડ્ડા પર રમવા આવનારને હાથમાં રૂપિયા દસની નોટનું બંડલ પકડાવી દે છે. ખરેખર રૂપિયા દસની કિમંત કેટલી ગણવી તે અડ્ડાવાળો નક્કી કરે છે. દસ રૂપિયાનું મુલ્ય એકસો પણ હોઈ શકે અથવા પાંચસો પણ હોઈ શકે છે. રમત પુરી થાય ત્યાર બાદ બીજા કોઈ ખાનગી સ્થળે હિસાબ થઈ જાય છે. હારનારે ત્યાં ખાનગી સ્થળે પૈસા આપવાના અને જીતનારે ત્યાંથી પેમેન્ટ લઈ લેવાનું હોય છે. માની લો કે અડ્ડા ઉપર રેડ પડે તો પણ ત્યાં પડેલી કુલ રકમનો આંકડો દસ હજાર કરતા ક્યારેય વધે નહીં, જેના કારણે અડ્ડાવાળાને પણ મઝા અને પોલીસને સસ્પેન્ડ થવાની બીક નહી.

Tags :