પાલનપુર પાલિકામાં ૪૫ કરોડના આંધણ બાદ પણ ગરીબોને ઘરના ઘર ના મળ્યા

રખેવાળ ન્યુઝ   પાલનપુર : વિવાદોના પર્યાય સમી ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના રાજમાં સરકારી ધારાધોરણોને નેવે મૂકી વગર મંજૂરીએ નિર્ધારિત જગ્યાને બદલે અન્ય જગ્યા પર આકાર પામેલા રાજીવ આવાસ યોજના જુગારીયા અને દારૂડીયાઓનો અડ્ડો બની ગઈ હોવાની રાવ ઉઠી છે. ગરીબોએ ૭૦ હજાર રૂપિયા મકાન લેવા પાછળ નગરપાલિકાને આપ્યા હતા. પરંતુ આજે બાર માસ વિતવા છતાં પાણી કે લાઈટ સહીત સુરક્ષાના ઠેકાણા નથી.
ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા એ ગરીબોના ૭૦ હજાર રૂપિયા લઇ અને ગરીબોને ઘરના ઘરનું એક સ્વપ્ન બતાવ્યું હતું. પરંતુ ગરીબોની મહેનતની કમાણી આજે રાજીવ આવાસ યોજના ના નામે અસામાજિક તત્વોનો અડ્ડો બની સુવિધાના બદલે દુવિધારૂપ પુરવાર થઇ રહી છે.  પાલનપુરની રાજીવ આવાસ યોજનામાં ૨૪૦ જેટલા મકાનો અત્યારે ખંડેર હાલતમાં છે. જુગારીયા અને દારૂડિયા ઓનો અડ્ડો બની ગયેલી રાજીવ આવાસ યોજના નગરપાલિકાનો ભ્રષ્ટાચાર છતો કરી રહી છે. અહીં પાણી, લાઈટ કે સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ન હોવાનું મણિલાલ નામના લાભાર્થીએ જણાવ્યું હતું.
ગરીબોના સ્વપ્ન સમાન પાલનપુરની રાજીવ આવાસ યોજનામાં મસમોટો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાની બુમરાણ મચી છે. ગેરકાયદેસર અને વિવાદ વાળી જમીનમાં બનાવેલી રાજીવ આવાસ યોજનામાં ગરીબો પાસેથી ૭૦ હજાર રૂપિયા લઈને મકાન તો ફાળવાયા છે. પરંતુ આજે બાર માસ વિતવા છતાં આ લાભાર્થીઓ અહીં રહેવા આવી શકતા નથી. સૌથી  લઇને લાભાર્થીઓ અકળાયા છે અને નગરપાલિકા પાસે તેમને સગવડ પૂરી પાડવાની માંગ કરી રહ્યા છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરીના હસ્તે આ રાજીવ આવાસ યોજનાનું લોકાર્પણ થયું હતું. જેમાં લાભાર્થીઓને મકાનો ફાળવાયા હતા. જો કે, કેન્દ્રીય મંત્રી પાસે પાલિકાએ લોકાર્પણ કરાવ્યુ તે જગ્યા વિવાદિત છે. કોર્ટમાં આ જગ્યા નો કેસ ચાલે છે અને તે છતાં પણ આ જગ્યા ઉપર રાજીવ આવાસ બનાવી દેતા આગામી સમયમાં પણ આ લાભાર્થીઓની મુશ્કેલીમાં વધારો થશે તેવી લાગણી લાભાર્થીઓ વ્યક્ત કરી રહ્યા છે. ૨૪૦ મકાનોના ભ્રષ્ટાચાર તળે દબાયેલી પાલનપુર નગરપાલિકાના સત્તાધીશોએ પર્યાવરણ વિભાગ સહીતની એન.ઓ.સી.વગર વિવાદ વાળી જગ્યા પર આવાસ યોજના બનાવી દીધી અને ઉપરથી ગરીબોના ૭૦ હજાર પડાવી લીધા બાદ પણ સુવિધાના નામે અત્યારે મીંડુ છે. ત્યારે હાલમાં અસામાજિક તત્વોનો અડ્ડો બનેલી રાજીવ આવાસ યોજનામાં પાલિકાના કરોડોના આંધણ બાદ પણ તેનો હેતુ સર્યો નથી. ઉલટાનું લાભાર્થી ઓ હવે લૂંટાયા હોવાનો અહેસાસ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે રાજ્યની ભાજપ સરકાર ગરીબોને તેમનો હક અપાવી સરકારના કરોડો રૂપિયાનું આંધણ કરનાર જવાબદાર લોકો સામે પગલાં ભરે તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.