ડીસામાં મકાનમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ

ડીસા તાલુકાના રામપુરા ગામે વહેલી પરોઢે એક મકાનમાં આકસ્મિક આગ ફાટી નીકળતા આગની વિકરાળ જ્વાળાઓમાં તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી તેથી પરિવારની હાલત ઉપર આભ અને નીચે ધરતી જેવી થઈ જતા પંથકમાં અરેરાટી છવાઈ છે.
 
રામપુરા ગામના મહેન્દ્રભાઈ મફતલાલ શાહ પરિવાર સાથે ગામના રાજુભાઇ નાઈના મકાનમાં ભાડે રહે છે અને છૂટક વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે નોટ બંધી બાદ વેપાર ધંધા પડી ભાંગ્યા છે તેમછતાં તેઓ નિતનવા કથળા કરી કાળઝાળ મોંઘવારીમાં પણ પરિવારનું ગાડું ગબડાવ્યે રાખે છે. ત્યારે ગઈકાલે વહેલી પરોઢે ધરમીના ઘરે ધાડ ઉક્તિ યથાર્થ ઠરતા  તેમના રહેણાંક ઘરમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં આગની વિકરાળ જ્વાળાઓમાં ઘરની અનાજથી માંડી કપડાં લતા સહિતની ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી આગમાં દોઢથી બે લાખનું નુકશાન થતા આખો પરિવાર રોડ ઉપર આવી જવા પામ્યો છે જે સમાચાર વાયુવેગે પંથકમાં પ્રસરી ઉઠતા હર કોઈએ આઘાતનો આંચકો અનુભવ્યો છે. ગ્રામજનોએ પ્રાથમિક તબક્કે શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું પરંતુ વિષમ પરિસ્થિતિમાં લાગેલી આગમાં એક પરિવારનો માળો વિખેરાયો છે ત્યારે જવાબદાર તંત્ર માનવીય અભિગમ દાખવી સહાય કરે તેવી ગ્રામજનોએ માંગ કરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.