ધાનેરામાં ચોરે બે દિવસ પહેલા બોલેરો ગાડી ચોરી, બાદમાં ચોરેલી બોલેરો પરત આપવાના ૪૦ હજાર લીધા
ધાનેરા
ધાનેરા બે દિવસ પહેલા ધાનેરાના જીવાણા ગામેથી બોલેરો ગાડીની ચોરી કરી લીધા પછી ગાડી પરત આપવાના ચોરે ૪૦ હજાર રૂપિયા લીધા હતા. આ મામલે બે ઇસમો સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ છે. ધાનેરા તાલુકો રાજસ્થાન બોર્ડર ઉપર આવેલ તાલુકો હોવાથી વાહન ચોરીના બનાવો વધુ બની રહ્યા છે. જેમાં પણ સરકાર દ્વારા આંતર રાજ્ય ઉપર લગાવેલ ચેકપોસ્ટ હટાવી દેતાં આ ચોરોને મોકળું મેદાન મળી ગયું છે. રવિવારના રોજ જીવાણા ગામે રહેતા અશોકભાઇ હેમરાજભાઇ પટેલ પોતાના કાકાની બોલેરો ગાડી પોતાના ઘર આગળ રાખીને રાત્રે સુતા હતા.રાત્રીના સમયે કોઇ ઇસમ આ બોલેરો ગાડી નંબર જીજે-૦૮-એઇ-૯૫૧૩ ચોરી જતાં સવારે શોધખોળ હાથ ધરી હતી. તેવામાં સમાચાર મળ્યા કે શિયા ગામનો નપિયો ઉર્ફે નરપતસિંહએ ગાડી ચોરી હોવાની શંકા જતાં બીજા લોકો દ્વારા નપિયાને ફોન કરાવ્યો હતો અને આ નંબરની ગાડીચોરાયેલ છે તેવું પૂછતા નપિયાએ ગાડી તો હું લાવી આપીશ પણ ૪૦ હજાર આપવા પડશે તેવું જણાવ્યું હતું.આથી અશોકભાઇએ રૂપિયા આપવાની હા પાડી હતી અને નપિયાએ પોતાના માણસને અશોકભાઇની દુકાને રૂપિયા લેવા મોકલેલ અને રૂપિયા આપી દેતા તે ગાડી ડુગડોલ રેલ્વે સ્ટેશન પાસે મુકી દિધી હતી. અને જો પોલીસને જાણ કરી તો મારવાની ધમકી પણ આપી હતી પરંતુ ગાડી મળ્યા પહેલા અને પછી પણ પોલીસને જાણ કરીને ગાડી ચોરી કરનાર નપિયો ઉર્ફે નરપતસિંહ રામસિંહ રાજપુત તેની સાથે રૂપિયા લેવામાં મદદગારી કરનારા ભવજી ઉર્ફે ભવાનીસિંહ કાળાજી રાઠોડ (રહે.શિયા,તા.ધાનેરા)ની સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ બન્ને ઇસમોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.ધાનેરામાં છેલ્લા એક મહિનામાં બાઇક તથા ગાડીઓ મળીને પાંચ વાહનો ચોરાયા છે તેમજ એક ફોર્ચ્યુનર અને એક સ્કોર્પિયો ગાડીની ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.