સરહદી બનાસકાંઠા જિલ્લામાં એલસીબી પોલીસની કામગીરી સવાલોના ઘેરામાં...!

ડીસા
બનાસકાંઠા જિલ્લો સરહદી અને સંવેદનશીલ હોઇ કાયદો અને વ્યવસ્થાની જાળવણીના મામલે પોલીસની સક્રિયતા ખૂબ જરૂરી બની રહે છે.બનાસકાંઠામાં પોલીસ પોતાની ભૂમિકા જાગૃત રીતે ભજવતી પણ રહે છે પરંતુ બનાસકાંઠા પોલીસની એલસીબી શાખાની કામગીરી લાંબા સમયથી સવાલોના ઘેરામાં રહેતી આવી છે.
બનાસકાંઠામાં નવા આવતા કોઈપણ પોલિસ અધિક્ષક એલસીબી અને એસઓજી જેવી ખાસ શાખાઓ પર જ વધુ ભરોસો મુકતા હોય છે.આવી સ્થિતિમાં બનાસકાંઠની એલસીબી પોલીસ પોતાના મહત્વનો વધુ પડતો ગેરલાભ ઉઠવતી હોવાની ચર્ચા જોર પકડી રહી છે. છેલ્લા કેટલાક સમયથી  બનાસકાંઠામાં એલસીબી પોલીસે દારૂ અને જુગાર પર જ ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે. આ બન્ને અસામાજિક બદીઓ પર અંકુશ મુકવા પોલીસની કડકાઈ અનિવાર્ય છે પરંતુ એલસીબી પોલીસ કડકાઇના દંભ કરી પોતાના હિતોની રખેવાળીને વધુ પ્રાધાન્ય આપતી હોવાના ખુલ્લા આક્ષેપો થઈ રહ્યા છે. થોડા સમય પૂર્વે જ સોશીયલ મીડિયામાં એલસીબી પોલીસની કામગીરી મામલે અપ્રિય કોમેન્ટ કરનાર ધાનેરાના પત્રકાર પાસે એલસીબી પોલીસે ધાક ધમકીપૂર્વક માફીપત્ર લખાવ્યો હતો. આ મામલો મીડિયા જગતમાં ચર્ચાસ્પદ પણ બન્યો હતો. જોકે એલસીબીની ટીમને સામાન્ય કામેન્ટથી આટલો ગુસ્સો કેમ ચઢ્યો એ સવાલ પણ ઉત્તર માંગી લે છે.એલસીબી પોલીસની આવી ચેષ્ટા સામે ઉપરી અધિકારીઓએ પણ આંખ મીંચામણા કરતા એલસીબી ટીમની મનમાની વધી ગઈ છે. જિલ્લામાં કોઈ પણ સ્થળે ત્રાટકવાની અમાપ સત્તા ધરાવતી એલસીબી પોલીસ સત્તાનો સદુપયોગ ઓછો અને દુરુપયોગ વધુ કરતી હોવાના પ્રજાકીય આક્ષેપોને કોઈ પોલીસ અધિક્ષક ગંભીરતાથી લેતા નથી એ જ મોટી કમનસીબી છે તેવું પણ જાગૃત લોકો માની રહ્યા છે . તાજેતરમાં જ દાંતીવાડા તાલુકાના ગામમાં બુટલેગરોએ કથિત રીતે એલસીબી પોલીસના જવાનોના હાથમાં દારૂની બોટલો પકડાવી પોલીસ કર્મીઓની દારૂ પીતી તસવીરો વાયરલ કરી પોલીસની ધોલાઈ પણ કરી હતી.આ ઘટનામાં બુટલેગરોને આટલી હદ સુધી જવાની ફરજ કેમ પડી તે બાબતે આજ સુધી કોઈ ચર્ચા પણ થઈ નથી.આગ લાગે તો જ ધુમાડો નીકળે તે સ્વાભાવિક છે ત્યારે એલસીબી પોલીસે જ કોઈ અનિચ્છનીય ઉંબાડીયું કરી બુટલેગરોને હુમલા માટે  ઉશ્કેર્યા હોવાની શક્યતાઓને નકારી શકાતી નથી છતાં આ કેસમાં પણ એલસીબી પોલીસ નિર્દોષતાનું નાટક ભજવવામાં સફળ નીવડી હતી. જાકે બુટલેગરોના હુમલા બાદ નિર્દોષ ગામલોકોની ધોલાઈ કરનાર એલસીબી સામે આજસુધી કોઈ પગલાં લેવાયાં નથી એ પણ એટલું જ સાચું છે.
હાલ શ્રાવણીયા જુગારને અંકુશમાં રાખવાના નામે પણ એલસીબી પોલીસ કમાણીનો તડાકો બોલાવી રહી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.દારૂ ઝડપવાના કેસોમાં મોટા ઉપાડે સામેથી મીડિયાકર્મીઓ સુધી તસવીરો સાથેની પ્રેસનોટ પહોંચાડી દેતી એલસીબી પોલીસ જુગારના કેસમાં ક્યારેય જુગરિયાઓના ફોટા સાથેની પ્રેસનોટ રિલીઝ કરવામાં ઉતાવળ કરતી નથી જે ઘણું બધું કહી જાય છે.જુગારધામો પર દરોડા પાડતી એલસીબી પોલીસ પૂરો મુદ્દામાલ કાગળ પર ના લઈ ગોદડી ગોટે વાળી દીધા બાદ પણ જુગારિયાઓને ખંખેરવામાં કોઈ કચાશ રાખતી નથી તેવા ખુલ્લા આક્ષેપો થઈ રહ્યા છે .જુગાર હોય કે દારૂ, એલ.સી.બી. ધારે તેને જ કવરેજ આપવાની રિતરસમો પણ શંકા ઉપજાવી રહી છે.બનાસકાંઠા પોલીસની એલસીબી એટલે કે લોકલ ક્રાઈમ બ્રાન્ચ આટલી સક્રિય દેખાતી હોવા છતાં સ્થાનિક ગુનાખોરી અંકુશમાં કેમ નથી આવતી તેનો હિસાબ માંગવાની કોઈ હિંમત કરે તો એલસીબીની કહેવાતી સક્રિયતા અને પ્રપંચનું પોટલું ખુલ્લું પડી જતાં વાર લાગે એમ નથી.
બનાસકાંઠામાં કોઈપણ ગુન્હામાં નાના લોકો પકડાય એટલે તુરંત સામે ચાલીને મીડિયા સુધી પ્રસિદ્ધિ માટે પહોંચી જતી એલસીબી પોલીસ મોટા માથા ઝડપાય ત્યારે પ્રેસનોટ તો ઠીક પણ મીડિયાકર્મીઓને કોઈ રીતે ગંધ ના આવી જાય તેની ખાસ તકેદારી કેમ રાખે છે?એ સવાલ પણ એટલો મહત્વનો છે. આ મામલે જાગૃત લોકો મોરચો માંડે તે પૂર્વે એલસીબી પોલીસ પોતાની કાર્યપદ્ધતિ બદલી આત્મચિંતન કરે તે જરૂરી જણાય છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.