જાહેરમાં દેખાયેલા મંત્રી હરિભાઈ ચૌધરીની બોલતી બંધ

બનાસકાંઠાના સંસદસભ્ય અને કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી સામે પીએનબી કાંડમાં બે કરોડની લાંચ લેવાના ચોંકાવનારા આક્ષેપો થયા બાદ મંત્રી હરિભાઈ ચૌધરીનું મૌન ભાજપના કાર્યકરો તેમજ મતદારોને પણ અકળાવી રહ્યું છે.આવી સ્થિતિમાં લાંચના આક્ષેપો બાદ અદ્રશ્ય થઈ ગયેલા મંત્રી મહોદય ગતરોજ જિલ્લા મથક પાલનપુર ખાતે ક્ષણિક વાર માટે પ્રગટ થયા હતા પરંતુ તેમના હોઠ સિવાઇ ગયા હોય તેમ પીએનબી કાંડ મામલે કોઇ સંતોષકારક ફોડ પડવાના બદલે મંત્રીએ ચાલતી પકડી હતી. તેમની આવી ચૂપકીદી પણ હવે ચર્ચાની એરણે ચઢી છે.
 
ચકચારી પીએનબી કૌભાંડમાં બે કરોડની લાંચ લેવાનો ચોંકાવનારો આક્ષેપ થયા બાદ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી પક્ષના અગ્રણીઓ, કાર્યકરો અને મતદારોની નજરથી બચવા રાતોરાત મુંબઇ તરફ રવાના થઈ ગયા હતા અને તેમનું આવું પલાયનવાદી વલણ ભારે ચર્ચાસ્પદ બન્યું હતું. જોકે પીએનબી કાંડમાં લાંચ લેવાના મામલે રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવેલા હરિભાઈ ચૌધરી આ મામલે મ્હો ખોલવાના બદલે મીડિયા અને મતદારોથી દૂર ભાગી રહ્યા હોવાના ગણગણાટ વચ્ચે ગતરોજ તેઓ અચાનક જ પાલનપુર સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલયમાં નજરે પડ્યા હતા. હરિભાઈ ચૌધરીએ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે હાજરી આપતા તેઓ લાંચના આક્ષેપ મામલે પોતાના બચાવમાં કોઇ ખુલાશો કરે તેવો આશાવાદ સર્જાયો હતો.પરંતુ પીએનબી કૌભાંડમાં નામ ખુલ્યા બાદ પ્રથમવાર જાહેરમાં આવેલા હરિભાઈ ચૌધરીએ ફરી આ મામલે હોઠ સીવી લઈ પીએનબી કૌભાંડ મામલે કંઈપણ કહેવાનું ટાળ્યું હતું.
 
હરિભાઈ ચૌધરીનું પાલનપુર ખાતે આગમન થયું હોવાના અહેવાલોના પગલે મીડિયાકર્મીઓ પણ તેમની પ્રતિક્રિયા જાણવા પહોંચી ગયા હતા.પરંતુ તેમને આ મામલે કઈ કહેવાનો નન્નો ભણી દઈ ચાલતી પકડતાં અચરજ સર્જાયું હતું.હરિભાઈ ચૌધરીની આવી ચુપકીદી પણ હવે અણિયાળા સવાલો પેદા કરી રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.